અમ્મીજાનનો અવાજ સાંભળી અચાનક દાદરા ચડી રહેલા પાર્થના પગ થંભી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમ્મીજાનનો અવાજ સાંભળી અચાનક દાદરા ચડી રહેલા પાર્થના પગ થંભી ગયા

પ્રકરણ -08
સ્ટી રોઇડ્ઝ?’ રાજુ ચોંકી ગયો. ‘તું નગમાદીદીની અમ્મીજાનને ચાલતી કરવા માટે સ્ટીરોઇડ્ઝ અપાવવા માગે છે? પાર્થ, તને ખબર છે, સ્ટીરોઇડ્ઝ બહુ રિસ્કી હોય છે.’
‘રિસ્ક તો લીધું જ છે ને!’ રાજુનો ખભો થાબડતા પાર્થ હસ્યો, ‘શરૂઆતથી રિસ્ક લીધું છે. નગમાનું ગાયન ચોરી લીધું ત્યારે પણ રિસ્ક હતું. એ પછી જ્યારે ખબર પડી કે એ તો આંધળી છે ત્યારે એને પટાવવાનું પણ મેં રિસ્ક જ લીધું હતું ને? અને કિસ્મતના ખેલ જો રાજુ, એ પોતે મારી સાથે લગ્ન કરવા માગે છે.’
‘તો શું, તું લગ્ન કરીશ?’
 
પાર્થ રમતિયાળ નજરો વડે રાજુને જોતો રહ્યો, ‘જો રાજુ, મેરેજ તો એક પેકેજ ડીલ જેવું છે. મારે જોઈએ છે ટ્યૂન્સ, તરજો અને ધૂનો... પણ સાથે સાથે સાચવવી પડે પત્ની, પછી બાળકો, પછી સવાલો, પછી દલીલો અને-’
‘તો તારો ઇરાદો શું છે?’

‘ઇરાદો તો નેક છે!’ પાર્થે શર્ટના કોલર ઊંચા કર્યા.
‘બનવું છે ઇન્ડિયાનો બેસ્ટ સિન્ગિંગ સ્ટાર... એના માટે થોડા સોદાઓ તો કરવા પડશે ને?’
‘યુ મીન, યુ વિલ મેરી.’
‘ડિપેન્ડ્સ.’
‘ડિપેન્ડ્સ ઓન વોટ?’

‘અરે બબૂચક, સમજતો કેમ નથી? નગમાની જાન અટકી છે એની અમ્મીજાનમાં. અને અમ્મીજાનની જાન છે એમની ટાંગોમાં! જો એ પગોમાં કોઈ ખાસ હલચલ નહીં થાય તો નગમાનું સંગીત પણ અટકી જશે. એટલે જ કહું છું રાજુ, સોલ્યુશન એક જ છે, સ્ટીરોઇડ્ઝ.’
રાજુ વિચારમાં પડી ગયો, ‘તને શું લાગે છે, ડૉ. પાર્થસારથિ સ્ટીરોઇડ્ઝ માટે હા પાડશે ખરા?’
પાર્થ હસવા લાગ્યો, ‘રાજુ, અત્યાર સુધી આ પાર્થના એ બહુ ઉપયોગી સારથિ રહ્યા છે, પણ જો હવે એમને પૂછવા જઈશ તો એ
 
કદાચ કૃષ્ણ ભગવાનની જેમ મને ભાષણ આપવા બેસી જશે. એનાં કરતાં કોઈ બીજો રસ્તો કાઢવો પડશે.’
‘બીજો રસ્તો?’
‘યાર, ડૉ. પાર્થસારથિ સિવાય પણ બીજા ઘણા ડૉક્ટરો છે, હોસ્પિટલમાં! એન્ડ ડોન્ટ ફરગેટ, હું આ હોસ્પિટલના ટ્રસ્ટીનો એક માત્ર દીકરો છું.’
***

ટ્રસ્ટીના દીકરાએ હોસ્પિટલના એક અન્ય સિનિયર ડૉક્ટરનો ટ્રસ્ટ જીતી જ લીધો. અમ્મીજાનને ચોથા દિવસે હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યાં. પાંચમા દિવસથી
એમની દવાઓમાં બે જાતની નવી ડ્રગ્સનો ઉમેરો થઈ ગયો. રિઝલ્ટ સાતમા જ દિવસે દેખાવા લાગ્યું.
‘પાર્થ! પાર્થ! જલદી આવો!’

રાયસિંઘાણિયા સાથે ફોન ઉપર વધુ થોડા દિવસનો વાયદો કરીને પાર્થ હજી ‘હાશ’ કરીને બેઠો હતો ત્યાં નગમાનો ફોન આવી ગયો. એના અવાજમાં જે રણકો હતો તે સાંભળતાં જ પાર્થને ખ્યાલ આવી ગયો કે દવા ‘લાગુ’ પડી ગઈ છે. છતાં પાર્થે સહજ રીતે પૂછ્યું:
‘શું થયું નગમાજી!’

‘અરે ચમત્કાર હો રહા હૈં ચમત્કાર! અમ્મીજાન ખડી હોકર ચલ રહી હૈં!’
‘હું હમણાં જ આવું છું, પણ તમે આ ફોન શી રીતે જોડ્યો?’
‘લેન્ડલાઇનના ડબલાથી!’ નગમા ખીલખીલ હસી રહી હતી. ‘મેરી ઉંગલિયાં હર નંબર કે બટન કો પહેચાન લેતી હૈં.’

‘પણ કમ્મુમૌસીને કહ્યું હોત? એ મોબાઇલથી લગાવી આપત ને!’
‘કમ્મુમૌસી ગઈ છે મહોલ્લામાં, મીઠાઈઓ બાંટવા! હવે તમે ફૌરન આવી જાવ. ક્યાંક અમ્મીજાન થાકીને પાછાં સૂઈ ના જાય! અને સાંભળો, તમારી ગિટાર જરૂર લઈને આવજો!’
પાર્થ મારતી બાઇકે મહોલ્લામાં પહોંચી ગયો. લાકડાનાં પગથિયાં ચડતાં તેના કાને સિતારની અજબ ઝણઝણાહટ કાને પડી રહી હતી. ચબરાક પાર્થે તરત એના મોબાઇલમાં રેકોર્ડિંગની એપ ચાલુ કરી દીધી.

ઉપરના ખંડમાં દાખલ થતાંની સાથે જ પાર્થની આંખો પહોંળી થઈ ગઈ. આખો ખંડ મહોલ્લાનાં બાળકો, બુઝુર્ગો અને નાના-મોટા અડોશી-પડોશીઓથી ભરાયેલો હતો. સામે એક વ્હીલચેરમાં અમ્મીજાન બેઠાં હતાં. એની બાજુમાં ગાદી ઉપર બેસીને નગમા સિતારના તાર ઝણઝણાવી રહી હતી. સાથે તાનપૂરો અને તબલાં વગાડનારા સાજિંદા પણ હતા.
પાર્થને જોતાં જ કમ્મુમૌસી એનો હાથ ઝાલીને નગમા પાસે લઈ જતાં કાનમાં બોલ્યાં, ‘જરા દેખિયે તો! અમ્મીજાનને ઘુંઘરુ પહન લિયે હૈં! અભી કુછ દેર પહલે દો કદમ નાચી ભી થી...’

પાર્થને બહુ નવાઈ લાગી રહી હતી. આ જાદુ પેલી સ્ટીરોઇડ્ઝ ડ્રગ્સનો હતો કે નગમાની સિતારનો? બેઠેલા લોકોની ભીડને પાર કરીને પાર્થ નજીક પહોંચે એ પહેલાં જાણે એના કેન્વાસનાં શૂઝ વડે થતા પગસંચારનો અવાજ ઓળખી ગઈ હોય તેમ નગમાએ એક હાથ આગળ કરીને પાર્થને આવકર આપતાં કહ્યું:
‘સાથ મેં ગિટાર બજાયેંગે?’

નગમાની આંધળી આંખોમાં ગજબની ચમક હતી. પાર્થે તક ઝડપી લેતાં કહ્યું, ‘જરૂર, મગર આપ કુછ ગાયેંગી તો હી.’
પાર્થની લાલચ વધુ એક રણઝણતું કંપોઝિશન મેળવી લેવાની હતી. નગમા એ વાતથી સાવ બેખબર હતી. ઊલટું, પાર્થનું સજેશન સાંભળીને તે ખીલી ઊઠી.
‘અમ્મીજાન, આપ વો ગાના સુનેંગી? જિસ પર આપને મુઝે પહલી બાર અપને પૈરોં સે ઘુંઘરુ થિરકાના સિખાયા થા?’

અમ્મીજાનના કરચલીવાળા ચહેરા પર સ્મિત છલકાઈ ગયું. નગમાએ પાંપણો બંધ કરી, સૂર મેળવીને શરૂ કર્યું, ‘છલકતે તાલ સે ઘુંઘરુ ખૂલ ગઈ લાજ...’
ધીમી હલકથી શરૂ થયેલા ગીતે થોડી જ વારમાં ઝડપી લય પકડી લીધો. પાર્થે પોતાની ગિટાર વડે તેમાં નવી મોડર્ન હરકતો ઉમેરવા માંડી. આ સાંભળીને નગમા તથા અમ્મીજાન બંનેના ચહેરા ઉપર હળવું હાસ્ય આવી જતું હતું. પાર્થને આ કમ્પોઝિશન તો ગમી જ ગયું હતું, પણ તેમાં પોતે ઉમેરેલી નવી હરકતોના રિસ્પોન્સથી તેને ખાતરી થઈ ગઈ કે બીજું એક હિટ કમ્પોઝિશન હાથમાં આવી રહ્યું છે! બસ, થોડા શબ્દો

બદલી નાખવાના, એટલું જ.
પાર્થે આ અગાઉ માત્ર એક જ વાર નગમા સાથે ગિટાર ઉપર સંગત કરી હતી, પણ આ વખતે ઓરડામાં બેઠેલા મહોલ્લાના લોકોની દાદ સાંભળીને તે તાનમાં આવી ગયો.
તબલચીને લય વધારવાનો ઇશારો કરીને તેણે ગિટાર ઉપર નવું જ ક્લાસિક્લ-વેસ્ટર્ન ફ્યુઝન વગાડવા માંડ્યું. શરૂઆતમાં તો અમ્મીજાન હસી રહ્યાં હતાં, પણ પાર્થના એક ખૂબસૂરત નટખટ ટુકડાને દાદ આપતાં તે વ્હીલચેર પરથી ઊભાં થઈ ગયાં!

એ સાથે જ સૌનો જીવ તાળવે ચોંટી ગયો! કમ્મુમૌસી ઝડપથી અમ્મીજાન પાસે પહોંચી ગયાં. અમ્મીજાને હાથના ઇશારા વડે તેમને દૂર રહેવાનું કહ્યું અને તે નૃત્ય કરવા માંડ્યાં!
‘અમ્મીજાન! અમ્મીજાન!’
ઘુંઘરુનો તાલબદ્ધ અવાજ સંભળતાં જ નગમા સિતાર છોડીને ઊભી થઈ ગઈ? તેના આનંદની સીમા નહોતી. અમ્મીજાનના ઘુંઘરુઓના અવાજની દિશા
પારખીને તે આગળ વધે એ પહેલાં જ અમ્મીજાને પગનો ઠેકો મારીને, હળવાશથી એક ફુદરડી ફરીને નગમાને બંને હાથે પોતાની છાતી સરસી ભીંસી લીધી!

જૂની હવેલીનો પુરાણો ખંડ તાળીઓથી છલકાઈ ગયો. સૌ ઊભા થઈ ગયા હતા. પાર્થે ભીડમાં આ તક શોધીને મોબાઇલ ખિસ્સામાંથી કાઢી, રેકોર્ડિંગ સ્ટોપ કરી દીધું.
નગમા ખુદાનો પાડ માની રહી હતી અને પાર્થ પેલા સ્ટીરોઇડ્ઝનો.
***

અમ્મીજાનનું ઓપરેશન થયાને આજે પંદરમો દિવસ હતો. પાર્થે એના મ્યુઝિક રૂમમાં ગિટારના આડાતેડા સૂર વગાડતો બેઠો હતો. રાજુ છેલ્લા દોઢ કલાકથી પાર્થનો આ સીન જોઈ રહ્યો હતો.
‘પાર્થ, હજી તને શાનું ટેન્શન છે?’
જવાબ આપવાને બદલે પાર્થે રુક્ષ અવાજે સામા સવાલો કરવા માંડ્યા ‘પેલી ઘુંઘરુવાલી ધૂનનાં નોટેશન્સ થઈ ગયાં? ગીતના શબ્દોમાં હજી મઝા નથી આવતી અને આખા કમ્પોઝિશનમાં તું એને એક ડિસ્કો રિ-મિક્સ ટચ આપવાનો હતો, તેનું શું થયું?’
 
રાજુ અકળાયો, ‘પાર્થ, આ તમામ જવાબો હું તને બે કલાક પહેલાં આપી ચૂક્યો છું. તારી પિન ચોંટી ગઈ છે કે શું?’
‘એવું જ લાગે છે.’ પાર્થે ગિટાર બાજુમાં મૂકી દીધી. ‘યાર, આટલા દિવસ થયા છતાં કમ્પોઝિશન તો એક જ મળ્યું.’
‘પણ તું તો નગમાદીદીને ત્યાં રોજ

જાય છે.’
‘હા, અને એની અમ્મીજાન મને જોતાંની સાથે જ ઘેલી ઘેલી થઈ જાય છે. જાણે જમાઈ આવ્યા હોય! પણ યાર, પછી એ બંને જણ ભૂતકાળમાં સરી પડે છે, એ જ જૂની લખનવી કોઠાઓની તરજો વારંવાર યાદ કરીને ગાયા કરે છે.’
 
‘તો હવે?’
‘હું એ જ વિચારી રહ્યો છું. હવે પછીનું એક માત્ર સ્ટેપ જ બચ્યું છે તે મેરેજ છે.’
રાજુ સતર્ક થઈ ગયો. ‘એટલે, તું નગમાદીદી જોડે મેરેજ કરીશ?’
‘કેમ, તને મારો ઓફિશિયલ ધરમનો સાળો થવાનું નહીં ગમે?’

‘મજાક ના કર.’ રાજુ સિરિયસ હતો. ‘જરા વિચાર કર. એ મુસ્લિમ છે. એની મા લખનૌમાં,’ રાજુ અટકી ગયો. પછી ફરી બોલ્યો, ‘એના બાપનું નામ પણ-’
‘જો સાંભળ રાજુ.’ પાર્થનો અવાજ મક્કમ હતો, ‘મારે એના બાપના નામ સાથે કે એની માના ભૂતકાળ સાથે કોઈ નિસ્બત નથી. મારું એક જ ટાર્ગેટ છે, મારી કરિયર... અને સાલી, કિસ્મત તો જો? ગાતી વખતે મારો અવાજ ઉપરના સૂરોમાં ખેંચાઈ જાય છે, નીચેના સૂરોમાં ઢીલો પડી જાય છે, મને માત્ર બીજાનું વગાડેલું કોપી કરતાં આવડે છે, મારામાં ઓરિજિનલ ધૂનો બનાવવાની કોઈ ટેલેન્ટ નથી અને-’

‘અને જેની પાસે ટેલેન્ટ છે એની આગળ તારી આ છૂપી ચાલ ખુલ્લી પડી જાય એનો ડર પણ લાગે છે, ખરુંને?’ રાજુએ ઘણા વખતથી પોતાના મનમાં ભંડારી રાખેલો ગુસ્સો બહાર કાઢવા માંડ્યો, ‘પાર્થ, ચોરી આખરે ચોરી છે, તું એને કહી કેમ નથી દેતો કે તને એનાં કમ્પોઝિન્સ જોઈએ છે?’
‘અને તને શું લાગે છે, એ આમ જ આપી દેશે?’

‘પણ પાર્થ, એની અમ્મીજાન સાજી થઈ ગઈ તેને નગમાદીદી તારી સાથેનો કોઈ ચમત્કાર માને છે.’
‘જો રાજુ હું ચમત્કારોમાં નથી માનતો.’
‘તો તું કરવા શું માગે છે?’
‘મેરેજ.’ પાર્થે ઇરાદો પાક્કો કરી લીધો હોય તેમ રાજુને સૂચના આપવા માંડી, ‘જો, હું કોર્ટ-મેરેજ કરીશ. એની ખબર મીડિયામાં ક્યાંય લીક થવી ના જોઈએ.’ આપણા મ્યુઝિક પ્રોડ્યુસર રાયસિંઘાણિયાને પણ કહેવાનું નથી. મને લાગે છે કે નગમા સાથે જો હું લગ્ન કરી લઉં તો એની તમામ ઘૂનોનો હું માલિક થઈ જાઉં.’

રાજુ થોડી વાર સુધી વિચારતો રહ્યો. છેવટે એણે પાર્થના ખભે ધબ્બો માર્યો. ‘ચલ! હું તૈયાર છું, તારા ધરમનો સાળો બનવા!’
***

એક સાંજે પાર્થ નગમાને ગમતું પર્ફ્યુમ છાંટીને, હાથમાં ગુલાબ અને રાતરાણી બંનેના ગુલદસ્તાઓ લઈને પેલા મહોલ્લાની જૂૂની હવેલીના ઘસાયેલા દાદરા ‘પ્રપોઝ’ કરવાનો ઇરાદા સાથે ચડી રહ્યો હતો ત્યાં ઉપરના ખંડમાંથી એને અમ્મીજાનનો અવાજ સંભળાયો: ‘નગમા બેટા, પતા હૈ? આજ જબ તૂ નમાજ પઢને ગઈ થી, તબ તુમ્હારે અબ્બુજાન કા ફોન આયા થા. વો યહાં આ રહે હૈં.’
પાર્થના પગ થંભી ગયા.{ (ક્રમશ:)

(મૉડલ - જુનૈદ કલાવંત, મોરની રાઠોડ અને ધ્રુવ સોમપુરા, તસવીર : પીયૂષ પટેલ)
અન્ય સમાચારો પણ છે...