તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિષકન્યા: મોહિનીના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેડરૂમની બારીમાંથી શીત લહેર આવી કે મોહિનીની આંખ ખૂલી ગઈ. ધીરેથી ઊભી થઈ તે બારી પાસે પહોંચી. આકાશમાં સૂર્યદેવતાએ પોતાના આગમનની છડી પોકારતાં આભમાં સોનેરી જાજમ બિછાવી દીધી હતી. પંખીઓ ઝાડ પર સામસામે ટહુકો દઈ રહ્યાં હતાં. મંદ મંદ ઠંડા પવનમાં વૃક્ષની ડાળીઓ ઝૂકીને ધીરે ધીરે ડોલી રહી હતી. જાણે સૂર્યદેવતાનું સ્વાગત કરી રહી હોય. વાતાવરણમાં પારિજાતની માદક સુવાસ પ્રસરી ગઈ હતી.   સૃષ્ટિનું આ અનુપમ સૌંદર્ય મોહિની આંખો વાટે પી રહી. ધીરે ધીરે સૂર્યદેવતા આગળ વધી રહ્યા હતા ને પૃથ્વી ઝળાંહળાં થઈ ગઈ. જનજીવનમાં ચેતના આવી ગઈ.મોહિનીએ પ્રકૃતિનું રસપાન આટોપી કિચન તરફ પ્રયાણ કર્યું. મલય બહારગામ ગયેલો એટલે ‘ટીબેગ’ લઈ સવારની ચા માઇક્રોવેવમાં જ બનાવી દીધી.ચા પી તેણે વિચાર્યું, નીલ હજુ ઊઠ્યો નથી? ધડબડ કરતાં સીડી ચઢી તેણે ઉપર નીલના બેડરૂમનું બારણું ખોલ્યું કે એક તીવ્ર અણગમાની વાસ નાકમાં ભરાઈ ગઈ.   ‘ઓહ! આ સિગારેટ હજુ ચાલુ છે?’ નીલને બે-ચાર બૂમ પાડી તે નીચે આવી સોફા પર ફસડાઈ ગઈ. આંખો મીંચી પડી રહી. અચાનક એક ધૂંઘળી છબી તેની નજર સામે તરવરી રહી. એક ‘હેન્ડસમ’ ચહેરો જેની પાછળ તે દીવાની હતી. કોલેજના એ શરૂઆતના દિવસો હતા. બનીઠનીને કોલેજ જતી મોહિનીની ખૂબસૂરતી કંઈક વધુ પડતી ખીલી ઊઠી હતી. ત્યાં જ સામેથી આવતા ‘હેન્ડસમ’ યુવક પર તેની નજર પડી ને તેના અંગઅંગમાં રોમાંચની એક લહેર ફરી વળી. પાસે આવતાં તે છોકરાએ સહેજ સ્માઇલ કરી,   ‘હાઇ’ કહ્યું. સામે મોહિનીએ વળતો જવાબ આપ્યો. ‘I am Nishant.’ કોઈ પણ ફોર્મલ ‘ઇન્ટ્રો’ વગર બંનેએ દોસ્તી કરી લીધી. ધીરે ધીરે મિત્રતા આગળ વધી રહી. કેન્ટિનમાં, વૃક્ષો તળે, મોબાઇલ, મેસેજીસ, ચેટિંગ. એક દિવસ સાથે પાર્કમાં વાતો કરતાં તેને નિશાંતના મોંમાંથી કંઈક વાસ આવી. ‘તું સ્મોક કરે છે?’ મોહિની ઉત્તેજિત થઈ બોલી. ‘હા.’ નિશાંત છોભીલો પડી ગયો. ‘તો આજથી જ બસ એ બંધ કરી દે. મારા પપ્પાનું સ્મોકિંગથી મૃત્યુ થયા પછી મેં નક્કી કર્યું છે આ સિગારેટની આગ મારા જીવનમાં કદી નહીં.   ’ તેણે દૃઢતાથી કહ્યું, ‘તને નથી પસંદ તો સ્મોકિંગ બંધ.’ મોહિની જરા ‘રિલેક્સ’ થઈ.પરીક્ષા નજીક આવી રહી હતી એટલે મિલન-મુલાકાતો ઓછી થઈ ગઈ. બહુ દિવસે બંને મળ્યાં કે ઘડીક કેન્ટિનમાં જઈ કોફી પીવાનું વિચાર્યું. બિલ આવતાં વોલેટ કાઢવા તેણે પોકેટમાં હાથ નાખ્યો કે સિગારેટનું પેકેટ બહાર ડોકાયું. ખલાસ! મોહિની ભડકી ઊઠી, ‘આ શું? હજુ તું સ્મોક કરે છે?’ ‘ના ના, બસ આ પરીક્ષાના ટેન્શનમાં, બે-ત્રણ, બાકી ‘પ્રોમિસ’ હવે એ પણ બંધ. આટલી વાર માફ કર.   ’ નિશાંત લગભગ કરગરી રહ્યો ને ફરી પાછી પ્રેમની ગાડી પાટા પર આવી ગઈ. નિશાંતે છેલ્લું વર્ષ પાસ કરી આગળ અભ્યાસની તૈયારીઓ શરૂ કરી. મળવાનું થોડું ઓછું થતું ગયું. ત્યાં જ તેની ફ્રેન્ડ વૈશાલી બોલી, ‘કાલે નિશાંતને જોયેલો મોલ બહાર બાઇક પર બેસી સ્મોક કરતો હતો.’ મોહિની ચમકી. શું હજુ પણ તે એ વિષકન્યાના મોહપાશથી મુક્ત નથી થયો? સિગારેટને તે ‘વિષકન્યા’ કહેતી, ઝેરીલી નાગણ.ફોન કરી તેણે નિશાંત સાથે ખૂબ ઝઘડો કર્યો,   ‘તું મને છેતરે છે. તારા જેવી જૂઠી વ્યક્તિ સાથે જીવનભરનો સંબંધ ન રાખી શકાય.’ મોહિનીનો ક્રોધ સાતમા આસમાને હતો. નિશાંતે ઘણા કોલ, મેસેજીસ કર્યા, પણ બધું જ વ્યર્થ! મોહિનીએ હવે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને સારા માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ થઈ, માસ્ટર્સ પણ કર્યું. જીવનનો એ પહેલો પ્રેમ જાણે વિસરાઈ ગયો. પપ્પાએ બતાવેલા એક યુવક સાથે તેણે લગ્ન કર્યાં. મલય સીધો, સરળ ને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતો બિઝનેસમેન હતો.   બંનેનું દાંપત્યજીવન બહુ સુખમય વીતી રહ્યું ને પછી આગમન થયું પુત્ર નીલનું. બંનેનો લાડકવાયો એકનો એક પુત્ર. ખૂબ લાડકોડ ને જાહોજલાલીમાં ઉછર્યો ને કોલેજમાં અભ્યાસ કરતો હતો. મોહિની સમય મળતાં સામાજિક પ્રવૃત્તિ તરફ વળી હતી. એક દિવસ તેની સહેલીની દીકરી કૃતિ એક ફંક્શનમાં મળી ગઈ. વાતવાતમાં બોલી, ‘હમણાં જ મેં નીલને પાનના ગલ્લે ઊભેલો જોયો હતો.’ મોહિની ધુંઆપૂંઆ થઈ ગઈ. તેણે અને મલયે નીલને ધમકાવ્યો. નીલે કબૂલ્યું તે કોઈ વાર ફ્રેન્ડ્સ સાથે સિગારેટ પીએ છે.   બંને જણાએ આ વ્યસનની ભયાનકતાનું વર્ણન કરી સમજાવ્યો. થોડો વખત તેનામાં સુધારો પણ જણાયો, પણ તેને પાછી શરૂ કરી દીધી કે શું? મોહિનીની નજર સામે એ ભયંકર ભૂતકાળ આવી ગયો. પિતાની રાત રાતભરની ખાંસી, લાલઘૂમ ચહેરો, ધમણ જેમ ચાલતા શ્વાસોશ્વાસ બધું જ તાદૃશ્ય થયું. છેલ્લે છેલ્લે તેમને જીવનમાં કોઈ રસ નહોતો રહ્યો. સતત આવતી ખાંસી અને હાંફે તેમનું જીવન દોજખ કરી દીધું હતું. ને એ પીડામાં જ એક રાતે સિગારેટમાં રહેલા નિકોટીનને કારણે   ‘મેસિવ હાર્ટએટેક’ આવ્યો ને તેમનું નાની ઉંમરે મૃત્યુ થયું. પિતાનું એ દુ:ખ, દર્દ ને કુટુંબની એ દુ:ખદ પરિસ્થિતિ એ કેમ ભૂલી શકે! પિતાની નનામી ઘરમાંથી નીકળી તે ઘડીએ જ તેણે નિશ્ચય કરી લીધો હતો, તમાકુને હું મારા જીવનમાં કદી પ્રવેશવા નહીં દઉં ને આજેે મારો નીલ શું કરી રહ્યો છે! શોખથી લેવાતો સિગારેટનો એક કસ જીવનભરનો સાથ બની જાય છે. શું કરું તેને છોડાવવા? ત્યાં જ નીલ આવી પહોંચ્યો. ‘આવ બેટા, મારી પાસે બેસ. બોલ, હજુ પણ તું...’ ‘હા મમ્મી, પ્રયત્ન કરું છું,   પણ બધા ફ્રેન્ડ્સ ભેગા મળીએ કે... મારે સિગારેટ છોડવી જ છે. મમ્મી, પણ શું કરું?’ નીલે માનો હાથ પકડી લીધો. ‘જો બેટા, પહેલાં મનથી તું દૃઢ નિશ્ચય કરી લે. ‘સિગારેટ છોડવી જ છે.’ ને બીજું, આ સ્મોકર ગ્રૂપથી દૂર થઈ જા. મારું કહ્યું માનીશને? તો ચાલ, અત્યારે જ આપણે વ્યસનમુક્તિ કેન્દ્ર પર પહોંચી જઈએ. એ લોકો તને સહાય કરશે.’બંને ત્યાં પહોંચ્યાં ત્યારે સામે ટેબલ પર બેઠેલી વ્યક્તિને જોઈ મોહિનીની આંખો પહોળી થઈ ગઈ.‘અરે નિશાંત! તું અહીં?’ ‘હા મોહિની, એક સમયે વ્યસન નહીં છોડી શકતી વ્યક્તિ હવે બીજાને વ્યસનમુક્ત કરાવે છે.’‘પણ આ હૃદય પરિવર્તન ક્યાંથી?’ ‘તારી સમજાવટથી ન માન્યો, પણ વ્યસને મારા શરીરને ખોખલું કરી નાખ્યું. મને ટીબી થઈ ગયો. મારું કોલેજ વખતનું સુદૃઢ, મજબૂત શરીર સાવ દુબળું-પાતળું અને નિર્બળ થઈ ગયું. સતત ખાંસી, લોહીના ગળફા, આ બધાએ મને જીવનપાઠ ભણાવ્યો. દવાથી હું સાજો થયો ને પછી નિશ્ચય કર્યો જીવનભર બીજા કોઈકનાં જીવન બચાવીશ.   લોકોને વ્યસનમુક્ત કરાવવા એ જ મારો જીવનમંત્ર છે. અમે આ પ્રવૃત્તિ અંતર્ગત દૂર ગામડાંઓમાં જઈ ફિલ્મ પ્રદર્શિત કરી જાગૃતિ લાવીએ છીએ. સાહિત્ય વહેંચી તમાકુની ભયંકરતા, કેન્સર જેવા રોગથી બચવા સમજાવીએ છીએ, પણ તારે શું તકલીફ છે?’‘બસ, તું જે કરતો હતો તે જ કુટેવ મારા નીલને પડી છે.’ ‘તું ચિંતા ન કરતી મોહિની, અમે એને સમજાવીશું. વળી, નિકોટીન ચ્યુઇંગમ, ગોળીઓ, હાથ પર પેચ, ફિલ્ટરનો ઉપયોગ જેવી અનેક રીતો અપનાવી તમાકુ, સિગારેટ છોડાવવા સહાય કરીશું.   તું હવે ચિંતામુક્ત થઈ જા. જો નીલ મનથી મક્કમ હશે તો તે અમારી મદદથી જરૂર વ્યસનમુક્ત થઈ જશે જ.’ મોહિનીના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. માથા પરથી જાણે મોટો બોજ ઊતરી ગયો. પાછા વળી દાદર ઊતરતાં તેને લાગ્યું તે હળવી ફૂલ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...