તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમાલની કોમ્પ્લિમેન્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમાલની કોમ્પ્લિમેન્ટ
આજે રવિવાર. યશ ગઈકાલે રાત્રે જ દિલ્હી ગયા, માર્કેટિંગ હેડ છે એ. અચાનકથી પ્રેઝન્ટેશન ગોઠવાયું હતું એટલે એની કંપનીએ યશને  તાત્કાલિક દિલ્હી મોકલ્યા. મુંબઈ અમારી ટ્રાન્સફર થઈ એ વાતને આજે કદાચ છ મહિના પૂરા થશે. આમ તો હું કવિતાઓ લખું છું અને સાયકોલોજીમાં એમએ થયેલી છું. બારીમાંથી તડકો ઘરમાં આવે એ પહેલાં તો ઊભી થઈ ગઈ. બ્રશ કરીને ગરમાગરમ ચા અને ટોસ્ટ સાથે ન્યૂઝપેપર લઈને ગેલેરીમાં ઝૂલા પર બેઠી. 

દીકરી મનાલીમાં બોર્ડિંગ સ્કૂલમાં, દીકરો અમેરિકાની કૉલેજમાં અને યશ ઑફિસના કામથી દિલ્હી. ખાલી ઘરમાં મને અકળામણ થવા લાગી. અચાનક મારું ધ્યાન ન્યૂઝપેપરના એક કોર્નરમાં આવેલી એડ્ તરફ ગયું. નાટકની જાહેરાત હતી, ‘મેં તુમ્હે ફિર મિલુંગી!’ સાંજના સાત વાગ્યાનો શૉ પૃથ્વી થિએટરમાં. અમૃતા પ્રીતમ અને સાહિરના જીવન પર નાટક. અમૃતા પ્રીતમ તો મારી ફેવરિટ કવયિત્રી. વાહ! ફટાફટ ઘરની સાફસફાઈ કરીને નાહીને વોર્ડરોબ ખોલીને ડ્રેસિંગગ્લાસની સામે ઊભી રહી. જીવનના ચોથા દાયકામાં બે બાળકો સાથે ખૂબ સફળ થયેલો પતિ પામી ત્યાં સુધીમાં તો સુખ વધુ પડતી ચરબી બનીને મને પજવી રહ્યું છે. 

સાડીઓની થપ્પીમાંથી સૌથી છેલ્લે ગૂંગળાઈને ટૂંટિયુંવાળીને છુપાયેલી ડાર્ક રાણી કલરની બાંધણી પર આંગળીઓ ઠરી પણ તુરંત મન ઝંખવાઈ ગયું કેમ કે એ બાંધણીની ગડ ઉકેલી તો કપૂરની સુગંધની જોડાજોડ એમાંથી કંઈ કેટલાય પોતીકા અવાજો સંભળાયા. 
‘આ સાડીમાં તું એકદમ ભેંસ જેવી લાગે છે મમ્મી.’

‘તું આ સાડી પહેરવાની હોય તો મારી સાથે પાર્ટીમાં ન આવતી.’
‘કેટલી આઉટ ઑફ ડેટ સાડી છે મોમ!’ 
પરણીને આવી ત્યારે હર્ષભેર લીધેલી આ બાંધણી, લીધી ત્યારથી પહેરી નથી શકી. આજે તો કોઈ કહેનાર-જોનાર નહોતું પછી તો જાણે બાંધણી જ મને વીંટળાઈ ગઈ. ઢળતો અંબોડો અને પર્સમાં અમૃતા પ્રીતમની કવિતાનું પુસ્તક લઈને ઉતાવળે હું સ્ટેશને પહોંચી અને ટ્રેન પકડી વિલેપાર્લે ઊતરી. વિલેપાર્લેથી ટેક્સી પકડીને જુહુ પૃથ્વી થિયેટર પહોંચી. 
 
ઉતાવળી ચાલે હું  ટિકિટ વિન્ડો સુધી પહોંચી અને નાટકનાં મોટાં મોટાં પોસ્ટર્સને જોતી પર્સમાંથી પૈસા કાઢીને બોલી,
‘એક ટિકિટ, મૈં તુમ્હે ફિર મિલુંગી!’
મારા પૈસા હાથમાં જ રહી ગયા. ટિકિટવાળાએ મને હાઉસફુલ બોર્ડ તરફ ઈશારો કર્યો. ઓહ!! મારી અંદર જાણે કે શારડી ફરી વળી. નાટકના પોસ્ટર તરફ નજર કરતાં અફસોસનો ગરમ ઉચ્છ્્વાસ મોઢામાંથી નીકળી ગયો. 

થાકી હતી એટલે પૃથ્વીના કાફેની આઈરિશ કૉફી લઈને પુસ્તક કાઢીને ખૂણાના એક સ્ટૂલ પર વાંચવા બેઠી. સાંજ થવા આવી હતી. અચાનક એક પચ્ચીસેક વર્ષનો છોકરો મારા ટેબલ પર આવીને બેસી ગયો અને સ્મિત કરીને બોલ્યો. ‘હાઈ, સેલ્ફી લઈ શકું આપની સાથે?’ હું કશું સમજું કે સ્મિત કરું એ પહેલાં તો એણે પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને મારી એકદમ નજીક આવીને સ્માઈલી ફેસ સાથે ફટાફટ સેલ્ફી લઈ લીધી. 

મને બહુ જ ઓકવર્ડ લાગ્યું કે આ મોટા શહેરના છોકરાઓ તો સાવ શરમ વગરના છે. મેં મારું મોઢું પુસ્તકમાં રાખ્યું પણ એ ન અટક્યો,
‘આપ થિયેટર કરો છો?’
‘ના.’
‘તો?’
‘હાઉસ....અઅઅ કવયિત્રી છું!’

‘ઓહ, ધેન તમે અમૃતા પ્રીતમનું નાટક જોવા આવ્યાં હશો રાઈટ?’
‘હા પણ અફસોસ. ટિકિટ નથી મળી.’
‘ઓહ!’
એટલામાં નાટકનો પહેલો બેલ સંભળાયો. લોકો જવા લાગ્યા. મને થયું મારે પણ ઘરે જવું જોઈએ. હું જેવી ઊભી થઈ કે એ બોલ્યો, ‘એક્સક્યુઝ મી મેમ!’ મેં એની સામે જોયું તો એણે નાટકની ટિકિટ મારી તરફ ધરી. હું ચોંકી ગઈ.

‘ઓહ, નો થેંક્સ મને આની જરૂર નથી.’
‘રાખી લો મેમ. હું તો અહીં જ હોઉં છું. ફરી જોઈ લઈશ. તમને ફરી અનુકૂળતા ન પણ હોય.’ હું એની સામે જોઈ રહી. 
‘મફત નહીં લઉં  હોં!’ એમ કહીને મેં પર્સમાંથી પૈસા કાઢીને એના હાથમાં મૂક્યા અને ટિકિટ લીધી. ટિકિટ લઈને હરખાતી નાટક જોવા આગળ વધી કે એક વિચાર આવ્યો તો પાછળ ફરી અને પેલા છોકરાને બૂમ પાડીને મેં બોલાવ્યો,

‘સાચું બોલજે, તેં મને આ ટિકિટ કેમ આપી દીધી? તારે સાચ્ચે જ નથી જોવું આ નાટક?’
એ મારી સામે હસીને બોલ્યો, ‘જસ્ટ બીકોઝ ઓફ તમારી આ સાડી. આઈ ડોન્ટ નો કે આ સાડીને શું કહેવાય પણ યુ લુક સો બ્યુટિફુલ ઈન ધીસ સારી. તમારી આ સાડીએ મારી સાંજ બનાવી દીધી એટલે મેં ટિકિટ તમને આપી દીધી.’

હું એકીટશે એની આંખોમાં છલકાયેલા મારી બાંધણીના રંગોને જોતી રહી અને સેકન્ડ બેલની ઘંટડીઓ વાગવા લાગી. 
અન્ય સમાચારો પણ છે...