તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રામાણિકતાને સંતાઈ જવાના દિવસો આવ્યા છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજકાલ અસહ્ય મોંઘવારી, બેકારી ને ભ્રષ્ટાચાર પ્રજાને ચોતરફથી ભીંસી રહ્યાં છે. ખંડણીખોરો લાખો ને કરોડો રૂપિયા માટે ધનિકોના અપહરણ ને જરૂર પડ્યે ખૂન પણ કરી નાખે છે. જોકે આ રૂપિયો દિવસે દિવસે વધુ ને વધુ લંગડો, આર્થ્રાઇટીસના દરદી જેવો થતો જાય છે. બાકી અમારા પિતાશ્રીના સમયમાં તો એકસો રૂપિયામાં લોકો આખો મહિનો નિરાંતે ખાઇ-પીને પૂરો કરી શકતા. અમારી નવતાડની પોળમાં એક દેવકાકા રહેતા. એ જમાનામાં તે પોતાની કાળી ટોપીના અંદરના પડમાં સંકટમાં સાંકળ જેવા રૂપિયા સોની કડકડતી નોટ રાખતા. તેમને પોળમાંથી પસાર થતા જોઇ, ખાસ તો તેમની કાળી ટોપીમાં છપાઇને બેઠેલી રૂપિયા સોની નહીં દેખાતી નોટને લીધે અમે તેમને માલદાર, ધનવાન માનતા. આજે ભલે રૂપિયા સોની કિંમત સાઠ જેટલીય નથી રહી. છતાં કૉમનમેન માટે તો સો રૂપિયા એ આજે પણ સો રૂપિયા જ છે, તેની આબરૂ ઘસાઇ નથી.
કૉમનમેન કેટલો પ્રામાણિક છે એની પરીક્ષા અમદાવાદમાં વખતોવખત લેવાઈ છે, લગભગ ચારસો વર્ષ અગાઉ કવિ અખો, અખેરામ સોનીની પણ લેવાઈ હતી

આ કૉમનમેન કેટલો પ્રામાણિક છે એની પરીક્ષા અમદાવાદમાં વખતોવખત લેવાઇ છે. આજથી લગભગ ચારસો વર્ષ અગાઉ કવિ અખો, અખેરામ સોની અમદાવાદના ખાડિયા વિસ્તારની દેસાઇની પોળમાં રહીને સોની કામ કરતો. માણસ લેખે તે સો ટચનું સોનું હતો, પણ આ વાતની તેના સિવાય કોઇને ખબર ન હતી. સગામાં તેને ધરમની જમના નામે એક બહેન હતી. બહેને અખાને એક દાગીનો ઘડવા આપ્યો. અખાએ તે ઘડી આપ્યો. બહેનને શંકા પડી કે ભાઇએ દાગીનામાંથી થોડું સોનું ઓળવી તો નહીં લીધું હોય ને! એટલે તે કસ કઢાવવા બીજા સોની પાસે ગઇ. બીજા સોનીએ તે ચકાસી જણાવ્યું કે બહેન, તમારો દાગીનો ઘડનાર સોની નથી લાગતો.
તેણે તો તમે આપેલ સોના કરતાંય વધારે સોનાનો દાગીનો ઘડ્યો છે. આ સાંભળી ધરમની બહેનની આંખમાંથી ધરમનાં નહીં, સાચકલાં આંસુ આવી ગયાં, અખા પાસે રડતાં રડતાં માફી માગી. અખાને એ વાતે આઘાત લાગ્યો કે જેને હું બહેન ગણું છું તેણે જ મારી પ્રામાણિકતામાં શંકા કરી? ધૂળ પડી મારા ધંધામાં. તેણે તરત જ સોનીકામનાં ઓજારો કૂવામાં નાખી દીધાં. પછી તો એ કવિ બની ગયો. પોઝિટિવલી તો આપણે તેની ધરમની બહેનનો એ વાતે આભાર માનવો જોઇએ જેણે આપણને અખા જેવો સમર્થ કવિ આપ્યો. એની બહેનને તો સોનું નહીં, પણ અખાની પ્રામાણિકતાનો કસ કઢાવવો હતો.

છેક હવે સમ પર આવું છું. આટલાં બધાં આર્થિક કૌભાંડો આખા દેશમાં વ્યાપી ગયાં છે, પ્રસર્યા કરે છે. આવા કપરા કાળમાં, અમદાવાદમાં વસતો કૉમનમેન કેટલો બચી શક્યો છે, પ્રામાણિક રહી શક્યો છે એ જાણવાનું મન થયાથી ‘દિવ્ય ભાસ્કરે’ એક લિટમસ ટેસ્ટ કર્યો. પત્રકારો રૂપિયા સોની નોટ રસ્તા પર નાખે. પછી એ જોવા પ્રયત્ન કરે કે રસ્તે ચાલતો રાહદારી એ સોની નોટ જોઇને શું કરે છે? એની સામે જોયું ન જોયું કરે છે? નોટના અસલ માલિકને શોધવા આસપાસ નજર નાખે છે કે પછી એ નોટ ખિસ્સામાં નાખી ઝડપથી ચાલવા માંડે છે?

કોઇને એવો વિચાર આવશે કે દિXભાના પત્રકારોએ રૂપિયા સોની નોટો જ રોડ પર કેમ વહેતી મૂકી?- પાંચસોની શા માટે ન મૂકી? એનું કારણ કદાચ એ હોઇ શકે કે આ શહેરનો કોઇ કૉમનમેન રસ્તા પર પડેલી આવડી મોટી નોટ સામે પહેલાં તો શંકાની નજરે જુએ કે નોટ બનાવટી તો નહીં હોય ને?- એ નોટમાં બોખા મોંએ બેઠેલા ગાંધીબાપુનું હાસ્ય ભલે સાચું હોય, પણ પાકિસ્તાન કે પછી બીજા દેશમાંથી આવેલ નોટ જાલી પણ હોઇ શકે. રૂપિયા પાંચસોનું ખોટું ચલણ લેવા જતાં ફસાઇ જઇએ તો એમાંથી હેમખેમ છૂટવા માટે વકીલને ચૂકવવા કાજે સાચા રૂપિયા ખોવા પડે. અમદાવાદીને આવો ખોટનો ધંધો ન પોસાય.

ટેસ્ટ કેસ અમદાવાદના જુદા જુદા દસ વિસ્તારોમાં અમદાવાદીઓની પ્રામાણિકતા ચકાસવામાં આવી. ચાલીસ વ્યક્તિઓમાંથી બાવીસ જણાએ, આ પૈસા મારા નથી, મારાથી ન લેવાય એવું કહીને નોટ પરત કરી હતી. ટૂંકમાં પચાસ ટકાથી વધારે નગરજનોએ પ્રામાણિકતા બતાવી હતી. એમાંય ગરીબોમાં વધારે ઓનેસ્ટી જોવા મળી હતી. વણહકના રૂપિયા લેવાથી નરકમાં જવાય એવા ભયને કારણે નહીં, કેમ કે ત્યાં તો છીએ, પણ આવા હરામના પૈસા લઇએ તો આવતા જન્મે પણ કોઇ ગરીબીરેખાની હેઠળ (બિલો પોવર્ટી લાઇન) જીવતા, જીવવા માટે તરફડતા કંગાળને ત્યાં જન્મવું પડશે એવો ડર ગરીબોને લાગ્યો હશે!

અને એક સિનિયર સિટિઝને પણ પગથિયા ઉપર જ ‘દિવ્ય ભાસ્કર’ના પ્રતિનિધિને અટકાવતાં કહ્યું કે ભાઇ, આ તમારી નોટ પડી ગઇ છે. આનો અર્થ એ થયો કે ઉંમરના વધવા સાથે માણસનો પૈસાનો મોહ ઘટતો જતો હોવો જોઇએ. શક્ય છે કે સિનિયર સિટિઝનને સો રૂપિયાની નોટ સામે જોયા પછીની તરતની જ ક્ષણે વાલિયો લૂંટારો યાદ આવી ગયો હશે. તેને થયું પણ હશે કે આ નોટ મારા તાબામાં કરી લઉં તો મારામાં ને વાલિયા (કે પછી માલિયા-માલ્યા) વચ્ચે શો ફેર? આ તો બીજાનું હડપ કરી લીધું જ ગણાયને! ધારો કે આ રૂપિયા માટે હું વિલમાં લખી જઉં કે ચાર દીકરાઓ વચ્ચે સરખી ભાગે વહેંચી લેજો, પરંતુ ઉપર જઇને ચિત્રગુપ્તને આ નાણાંનો સંતોષકારક ઉત્તર શો આપશો?- જોકે આ બધા વિચારો યુવાનીમાં નથી આવતા. (ઉમ્ર કા તકાજા હૈ!)

તો રિવરફ્રન્ટ પર ટહેલતા એક યુવાને રસ્તા પર પડેલી સો રૂપિયાની નોટ ઊડીને અન્ય કોઇના ખિસ્સામાં પડી જાય ત્યાર પહેલાં પોતાના ખિસ્સામાં મૂકી દીધી. ભાસ્કર ટીમે નોટ પોતાની હોવાનું કહ્યું એટલે તેણે ટીમને માહિતી આપી કે આ રીતે મળેલ રૂપિયા હું રાખતો નથી. (કે જેના હોય તેને પરત કરતો નથી) પણ દાન કરી દઉં છું. ને એ યુવકે ચાલતી પકડી. ભલે આ દાનનું પુણ્ય તેને મળવાને બદલે જેના પૈસા હોય એ અસલ માલિકના ખાતામાં જમા થાય, પરંતુ પરીક્ષામાં ગણિતના પેપરમાં એક સમય દાખલો ખોટો હોય તો પણ રીતના માર્ક્સ મળે છે એ રીતે પુણ્યના અમુક ટકા આવી ચેષ્ટા કરનારને પણ મળતા હશે, ન મળતા હોય તો આ તેનો નૈતિક અધિકાર છે.
ભલે અવું મનાતું કે વિદેશીઓની પ્રામાણિકતા આપણા કરતાં ઊંચી હોય છે, પણ સાવ એવું નથી. વાત બહુ જૂની નથી, 2010ની છે. અમેરિકાના ઓહાયોમાં કોલમ્બસ શહેરમાં સિક્યોરિટી વાનમાંથી ડૉલરની કડકડતી નોટો ભરેલી બેગ રસ્તામાં પડી ગઇ તો એ લૂંટવા રસ્તા પરથી પસાર થતા લોકોએ પડાપડી કરી અને લગભગ લાખેક ડૉલર ખિસ્સા ભેગા કરી નાખ્યા. પોલીસ દોડી આવી. ના, લૂંટફાટ કરવા નહીં, પણ લૂંટનાં એ નાણાં પાછાં મેળવવાં. થોડા ઘણા ડૉલર પાછા આવ્યા, બધા નહીં. જોકે થોડા લોકો એવા પણ હતા જેમણે સામે ચાલીને એ ડૉલર પરત કર્યા. લાખમાંથી લગભગ બાર હજાર ડૉલર પાછા આવ્યા. અર્થાત્ 12 ટકા જેટલી ઓનેસ્ટી જોવા મળી ખરી. પણ કેટલાક જણા તો ગરીબ-ગુરબાની પેઠે પોતાના વાહનમાંથી ઊતરીને ડૉલરો લૂંટતા હતા, અને ટ્રાફિક રોકાઇ ગયો હતો.

એ જ પ્રમાણે હ્યુસ્ટનમાં ભયાનક વાવાઝોડું આવ્યું એ દિવસોમાં હું ન્યૂજર્સીમાં હતો. વાવાઝોડાથી ગભરાઇને હ્યુસ્ટનમાં રહેનારાઓ પોતાનો જીવ બચાવવા પોતાનાં ઘર રેઢાં મૂકીને બહાર નીકળી ગયાં. એ વખતે બહારના લોકો આવીને તેમનો કીમતી સામાન લૂંટી ગયા.

અલબત્ત પ્રામાણિકતા એ પ્રામાણિકતા છે. અંગ્રેજીમાં આપણે તેને પોલિસી તરીકે ઓળખીએ છીએ. ઓનેસ્ટી ઇસ ધ બેસ્ટ પોલિસી કહી છે. પ્રામાણિકતાને શ્રેષ્ઠ નીતિ ગણી છે. જ્યારે આપણે તો તેને ફક્ત નીતિ જ નહીં, નીતિમત્તા સાથે જોડીએ છીએ ને નીતિમત્તાને ચારિયનો એક ભાગ માનીએ છીએ.

ડૉ. સ્મોટેટે એક ભિખારીને ભૂલમાં એક ગીનીનો સિક્કો આપી દીધો. ભિક્ષુકને આની ખબર પડી એટલે તેણે ડૉ. સ્મોટેટ પાછળ દોટ મૂકી, અને ભૂલથી અપાયેલ સિક્કો ડૉક્ટરને પાછો આપી દીધો. તેની પ્રામાણિકતાથી અંજાઇને ડૉક્ટરે એ ગીની ઉપરાંત બીજી પણ એક ગીની ભિખારીના હાથમાં મૂકી. તેમનાથી સહસા બોલી જવાયું: ‘હે ઇશ્વર! પ્રામાણિકતા પણ કેવી કેવી કેવી જગ્યાએ જઇને વસે છે!...’ સાચી વાત છે. પ્રામાણિકતા મોટાભાગે તો ખોટા સરનામે જ રહેતી હોય છે. હવે તો તેને સંતાઇને રહેવાના દિવસો આવી ગયા છે. તો પણ ‘દિવ્ય ભાસ્કર’ના સર્વેમાં અમદાવાદીઓમાં પચાસ ટકા કરતાંય વધારે પ્રામાણિકતા જોવા મળી એનો આનંદ છે. જે જે લોકોએ સોની નોટ રાખી લીધી હશે એ માટે તેમની પાસે અંગત કારણ હશે. બાકી કોઇનેય કારણ વગર અ-પ્રામાણિક બનવું ગમતું નથી.

યાદ આવ્યું: શેક્સપિયરનું એક ક્વૉટ: ‘જગતમાં કદાચ સૌથી મોંઘી ચીજ પ્રામાણિકતા છે, તેમ છતાં તેને ખરીદવા લોકો મોં માગ્યા દામ ચૂકવવા તૈયાર થઇ જતા હોય છે.’
અન્ય સમાચારો પણ છે...