આઈવિટનેસ: ‘ગોડફાધર’ની અસલી દુનિયાનો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્મગલિંગની દુનિયાના બાદશાહ ભૂપત શેઠે એક ભૂલ કરી નાખી અને એ ભૂલ એમને સૌથી મોંઘી પડી... સુપ્રીમ ફાઇનાન્સના માલિક ભૂપત શેઠની મુંબઇના શ્રેષ્ઠ ધનવાનોમાં ગણના થતી હતી. ન્યૂ બોમ્બેમાં શાનદાર વૈભવી બંગલો, ગાડીઓ ધરાવતા શેઠને જાહોજલાલી હતી. પોતે પણ દિલાવર માણસ હતા. દાન-ખેરાત કરવામાં ભૂપત શેઠ છૂટા હાથે પૈસા વાપરતા હતા. તેથી ભૂપત શેઠને કેટલાક લોકો ‘ગોડફાધર’ કહેતા હતા. હકીકતમાં ફાઇનાન્સના બિઝનેસની આડમાં એનો સોનું, ચરસ અને અફીણ વગેરેના સ્મગલિંગનો ધંધો ધમધમતો હતો, પણ શેઠનું જીવન એટલું સાદું અને સરળ હતું કે કોઈને સહેજ પણ શંકા ન પડે. જોકે ભૂપત શેઠને સ્મગલિંગના બિઝનેસની સફળતામાં એમના ડ્રાઇવર વરજાંગનો મહત્વનો ફાળો હતો. પોતે એક કાબેલ ડ્રાઇવર હતો. સ્મગલિંગનો ગમે તેટલી કિંમતનો માલ લઈ શેઠ ગાડીની પાછલી સીટમાં બેઠા હોય અને એકવાર વરજાંગ ગાડી સ્ટાર્ટ કરે પછી કોઈની તાકાત નહીં કે એને આંબી શકે. કેટલીયેવાર પોલીસની આંખોમાં ધૂળ નાખી એણે શેઠને બચાવ્યા હતા. પોલીસનો ગમે તેવો સજજડ બંદોબસ્ત હોય છતાંય શેઠ અને માલને લઈને કેવી રીતે નીકળી જવું એ વરજાંગ જાણતો હતો. વરજાંગ સાથે શેઠની પહેલી મુલાકાત એક દાયકા પહેલાં થયેલી. એકવાર રાત્રે દરિયાની ખાડી પર શેઠ પોતાનો માલ લઈને આવતી બોટની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ત્યાં વરજાંગને ઊંડા ખાડીનાં પાણીમાં ઝંપલાવવા જતાં જોયો. વીજિળક ઝડપે શેઠે એને પાણીમાં પડતો બચાવી લીધો. ત્યારે વરજાંગ કરગરી ઊઠેલો, ‘મહાશય, મને મરી જવા દો. ભૂખે મરીને જીવવા કરતાં આત્મહત્યા કરવી વધારે સારી...’ ‘પણ શામાટે...?’ ‘સૌરાષ્ટ્રમાંથી નોકરીની શોધમાં મુંબઈ આવ્યો હતો. બહુ રખડ્યો, પણ કામ મળ્યું નહીં. સાથે લાવ્યો હતો એ પૈસા પણ ખલાસ થઈ ગયા. માંડ એક સ્કૂલ બસમાં ડ્રાઇવરની નોકરી મળી. બીજા જુના ડ્રાઇવરો બસમાંથી ડીઝલ કાઢીને વેચી દેતા હતા. આથી મેં સ્કૂલના સંચાલકને વાત કરી તો મને જ નોકરીમાંથી કાઢી નાખ્યો કારણ કે ઇમાનદારીથી નોકરી કરતો હતોને!’ ‘જો ઇમાનદારીથી આ શહેરમાં મજૂરી સિવાય કોઇ કામ ન મળે. હું પણ તારી જેમ જ વહાલું વતન છોડીને મુંબઈ ભાગી આવેલો ત્યારે મેં બહુ દુ:ખ વેઠેલું. ફૂટપાથ પર પેધી ગયેલા લોકો સૂવા દેતા નહીં. ચર્ચગેટ સ્ટેશને ગાડીઓ ધોયેલી. અંતે મને સમજાયું કે અહીં ઇમાનદારીનો અંચળો ઓઢીને બેઇમાની કરનારા જ ફાવે છે. મેં દાણચોરીમાં ઝંપલાવ્યું અને આજે ભૂપતામાંથી ભૂપત શેઠ બની બેઠો છું. તું મારા વતન બાજુનો છે એટલે કહું છું કે તારી ઇચ્છા હોય તો આવી જા મારા ધંધામાં એક ડ્રાઇવર તરીકે, પણ જાનના જોખમે કામ કરવું પડશે. જો માલામાલ થવું હોય તો...’ ‘થેન્ક યુ ભૂપત શેઠ, એક મરવા જઈ રહેલા માણસને મોતનો ભય ન હોય. બોલો, ક્યારે તમને મળું? હું ડ્રાઇવરની નોકરીમાં રહેવા તૈયાર છું.’ ‘અરે, મને મળવાનું ન હોય. અત્યારે જ તારી નોકરી ચાલુ. જો સામે મારી ગાડી પડી.’ ત્યારથી વરજાંગ ભૂપત શેઠની ઢાલ બની રહ્યો હતો. ભૂપત શેઠની શરત હતી કે દાણચોરીના ધંધાની વાત એ બે સિવાય ત્રીજો જણ જાણવો ન જોઈએ અને વરજાંગ શેઠની શરતને અનુસરી રહ્યો હતો. ભૂપત શેઠનો સિદ્ધાંત હતો કોઈ પણ કાર્યનો પુરાવો છોડવો નહીં. તેમજ આઇવિટનેસને જીવતો ન રાખવો. એમાં એકવાર રાત્રે વરજાંગ, શેઠ અને માલને લઇને તેજ રફ્તારથી આવી રહ્યો હતો. એની ગાડીની પાછળ પોલીસ હતી. જો સહેજ ચૂક થાય તો પકડાઈ જવાનો શેઠને ભય હતો, પણ શહેરના રસ્તા-ગલીનો જાણકાર વરજાંગ પોલીસને હાથતાળી દઈ શોર્ટકટ રસ્તે છેક બંગલાના કમ્પાઉન્ડમાં આવી ગયો. ગાડી ઊભી રહેતાં જ ભૂપત શેઠે બંગલાના વોચમેન બહાદુરને બોલાવી ગાડીની લગેજ ડિકીમાંથી બોક્સ લઈ અંડરગ્રાઉન્ડ રૂમમાં લઈ જવાનું કહ્યું. વરજાંગ અને વોચમેન બહાદુર વજનદાર બોક્સ લઈ ચાલવા લાગ્યા, પણ રૂમમાં બિછાવેલી કાર્પેટમાં બહાદુરનો પગ ભરાતાં એ ગબડી પડ્યો. બોક્સ નીચે પટકાતા તૂટી ગયું. સોનાનાં બિસ્કિટ અને ચરસની પ્લાસ્ટિકની થેલીઓ ઢોળાઈ ગઇ. એ જોતાં બહાદુર બોલી ઊઠ્યો, ‘યે તો સ્મગલિંગ કા માલ હૈ.’ પણ ભૂપત શેઠનો બદલાયેલો ચહેરો જોતાં જ એ બહાર જવા રૂમના દરવાજા તરફ વળ્યો, પણ ત્યાં ધા...ડ... અવાજથી બંગલો પડઘાઈ ઊઠ્યો. ભૂપત શેઠે બહાદુરને ઠાર માર્યો. વરજાંગ તો ધ્રૂજી ઊઠ્યો. છતાંય શેઠના કહેવા પ્રમાણે બહાદુરની લાશ એને બંગલાના ગેઇટ પાસે ઉપાડીને રાખવી પડી. શેઠે નજીકના પોલીસ સ્ટેશને ફોન કરી પોલીસને બોલાવીને કહ્યું કે રાત્રે મારા બંગલે લૂંટારુઓ ત્રાટક્યા હતા. જેમાં ઝપાઝપી થતાં એ લૂંટારુ મારા વોચમેન બહાદુરની હત્યા કરીને નાસી ગયા છે. જરૂરી કાર્યવાહી કરીને લાશ પી.એમ. માટે રવાના કરી પોલીસ ચાલી ગઈ. વરજાંગ તો જોતો જ રહ્યો. બસ, જિંદગીની આટલી જ કિંમત? શેઠે આપેલી જાહેરાતના અનુસંધાને બીજો એક વોચમેન પ્રભાત બીજા દિવસે હાજર થઈ ગયો. નવા આવેલા વોચમેન પ્રભાત સાથે વરજાંગની પહેલી મુલાકાતમાં જ દોસ્તી જામી ગઈ. બંને મોડે સુધી ગેટ પાસે બેસીને વાતો કરતા હતા. એક દિવસ વરજાંગ પ્રભાતની રૂમ પર ગયો. પ્રભાત દારૂની બોટલ ખોલીને પેગ બનાવી રહ્યો હતો. વરજાંગ પીતો નહોતો, છતાં પ્રભાતે સમ દઈને એને દારૂ પીવડાવ્યો. ત્યારે પ્રભાતે પૂછ્યું, ‘વરજાંગ, અહીં થોડા દિવસો પહેલાં લૂંટારુએ વોચમેનને પતાવી દીધો હતો. કેમ?’ ત્યારે વરજાંગે કહ્યું, ‘અરે વોચમેનને તો... હવે જવા દોને એ વાત.’ ‘ના ના, વાત કરને હું કોઈને નહીં કહું, બસ.’ વરજાંગે નશાના કેફમાં આખી ઘટના કહી સંભળાવીને પોતે ત્યાં જ જામી ગયો. વહેલી સવારે શેઠજી ન્યૂઝ પેપર લેવા ગેઇટ પર આવ્યા તો વોચમેન પ્રભાત ન હતો. એણે વોચમેનની રૂમમાં જોયું તો વરજાંગ પડ્યો હતો. ભૂપત શેઠે એને જગાડીને પૂછ્યું કે પ્રભાત ક્યાં ગયો, ત્યારે વરજાંગે કહ્યું, ‘હજી હમણાં જ અહીં હતોને, ક્યાં ગયો?’ આમ વાત ચાલી રહી હતી ત્યાં દરવાજે પોલીસની જીપ આવીને ઊભી રહી. એમાંથી પ્રભાતને ઊતરતા જોઈ શેઠ બોલ્યા, ‘અરે પ્રભાત તું ક્યાં ગયો હતો? આ પોલીસ?’ ‘ભૂપત શેઠ, પ્રભાત નહીં. એ.સી.પી. ક્રાઇમ બ્રાન્ચ પ્રભાતસિંહ કહો. આ તો બહાદુરના ખૂની અને દાણચોરીના અઠંગ દાણચોરને પકડવા માટે વોચમેન બનવું પડ્યું હતું. વિક્રમસિંહ,ભૂપત શેઠને એરેસ્ટ કરી લો.’ ‘પણ કોઈ આધાર પુરાવા કે આઇવિટનેસ છે?’ ‘યસ, આઇવિટનેસ તમારો આ વરજાંગ..’ સાંભળતાં જ ભૂપત શેઠનો ચહેરો તમતમી ઊઠ્યો, ‘જિંદગીમાં આજે પહેલીવાર આઇવિટનેસને જીવતો રાખીને હું થાપ ખાઈ ગયો.’ kalash@guj.bhaskarnet.com સસ્પેન્સ, મનહર રવૈયા