બામ્બુની નળીમાંથી ફૂંકાતાં સપનાં: તમારી અંદર ઉમદા વિચારો હશે તો તમે સુંદર દેખાશો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનના રોઆલ્ડ ડાલ બાળસાહિત્યના સુપ્રસિદ્ધ લેખક હતા. તેઓ ચુંમોતેર વરસની ઉંમરે મૃત્યુ પામ્યા તે દરમિયાન એમણે બાળકથાઓનાં અનેક અદ્્ભુત પુસ્તક આપ્યાં. એમનાં પુસ્તકોમાં બાળકોને અને મોટેરાંઓને પ્રેરણા આપે એવા અનેક વિચારો વાંચવા મળે છે. એમની એક બાળકથા ‘મિ. ટ્વિટ’માં કહે છે: ‘સારા વિચારો ધરાવતી કોઈ પણ વ્યક્તિ કદરૂપી હોઈ જ શકે નહીં. તમારું નાક આડુંઅવળું હોય, મોઢું વાંકું હોય કે દાંત બહાર આવી ગયા હોય, પરંતુ તમારી અંદર ઉમદા વિચારો હશે તો એ સૂર્યનાં કિરણોની જેમ તમારા મોઢા પર પ્રકાશ પાથરશે અને તમે સુંદર દેખાશો.’
તમારું નાક આડુંઅવળું હોય, મોઢું વાંકું હોય કે દાંત બહાર આવી ગયા હોય, પરંતુ તમારી અંદર ઉમદા વિચારો હશે તો તમે સુંદર દેખાશો
એમણે એક જગ્યાએ લખ્યું: ‘હું કોઈ શાળાનો હેડ માસ્તર હોઉં તો ઇતિહાસના શિક્ષકને કાઢી મૂકું અને એની જગ્યાએ ચોકલેટના શિક્ષકને લઈ આવું.’ જે બાળકોને ઇતિહાસનો વિષય ભણવામાં કંટાળો આવતો હોય–જે મોટા ભાગનાં બાળકોને આવતો જ હોય, અને ચોકલેટ બહુ જ પ્રિય હોય–જે મોટા ભાગનાં બાળકોને પ્રિય હોય જ–તેઓ તો ઇચ્છશે જ કે એમની શાળાના હેડ માસ્તર રોઆલ્ડ ડાલ જ હોવા જોઈએ.

રોઆલ્ડ ડાલ બાળમાનસના ઊંડા અભ્યાસી હતા તે વાત એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો વાંચતાં તરત સમજાઈ જાય છે. બાળકોના કલ્પનાલોકને સ્પર્શે તેવી કથાઓ લખવાની સાથે તેઓ કથાનાં કાલ્પનિક પાત્રો વગેરેને એમનાં સંતાનો માટે રોજિંદા જીવનમાં જીવતાંજાગતાં બનાવી દેતા. એમની બાળકથાનું એક બહુ જાણીતું પુસ્તક છે ‘બીએફજી’–એટલે ‘બિગ ફ્રેન્ડલી જાયન્ટ.’ એમાં અનાથશ્રમમાં રહેતી દસ વરસની છોકરી સૉફી એક વિરાટ કદના રાક્ષસને મળે છે. પહેલાં તો એને જોઈને સૉફી ડરી જાય છે, પરંતુ પછી એને ખ્યાલ આવે છે કે એ રાક્ષસ હોવા છતાં બહુ જ ભલો છે. સૉફી એની સાથે જાય છે અને પછી અદ્્ભુત સાહસકથા આકાર લે છે. બીએફજી સૉફીને સહાય કરે છે. એના પરથી સુંદર ફિલ્મ પણ બની છે.

‘બીએફજી’ પુસ્તકની પ્રસ્તાવના રોઆલ્ડ ડાલની પુત્રી લ્યુસીએ લખી છે. એમાં એના પિતા બિગ ફ્રેન્ડલી જાયન્ટના કાલ્પનિક પાત્રને પોતાનાં સંતાનો માટે કેવી જીવતીજાગતી વ્યક્તિ બનાવી દેતા તેની વાતો લખી છે. લ્યુસી લખે છે: ‘હું નાની હતી ત્યારે મારા પિતાજી રોજ રાતે મારા અને મારી મોટી બહેન ઓફલિઆના બેડરૂમમાં આંટા મારતા મારતા બિગ ફ્રેન્ડલી જાયન્ટની જાતજાતની વાર્તા કહેતા.’ તેઓ બિગ ફ્રેન્ડલી જાયન્ટ અને બીજાં કાલ્પનિક પાત્રો જાણે સાચે જ એમની આસપાસ રહેતી જીવતીજાગતી વ્યક્તિ હોય એ રીતે એમને પોતાની વાર્તાઓમાં જોડતાં.
એ કહેતા કે બિગ ફ્રેન્ડલી જાયન્ટ એમના ઘરના બગીચામાં ઊગેલા સફરજનના ઝાડ નીચે આવેલી ગુફામાં રહે છે. એમની વાર્તાઓમાં આવતા ચમત્કાર અને સાહસની કથાઓ સંતાનો માટે વાસ્તવિક બનતી. દીકરીઓના બેડરૂમમાં મૂકેલી ચીજવસ્તુઓ, એમના ઘરની આસપાસ ઊગેલાં વૃક્ષો અને બીજાં સ્થાનો પણ વાર્તાઓમાં જીવંત બનીને જોડાઈ જતાં. તેઓ રોજ રાતે સંતાનોને નવી નવી વાર્તાઓ કહેતા. ક્યારેક મિત્ર જેવા રાક્ષસની, ક્યારેક શિયાળની, ક્યારેક એમણે બાળપણમાં એમના દોસ્તો સાથે કરેલાં સાહસી કામોની વાતો પણ વાર્તામાં જોડી દેતા.
બંને બહેનો સૂવા જાય પછી પિતા બેડરૂમમાંથી બહાર જતાં પહેલાં રૂમની બારી થોડીક ખુલ્લી રાખતા અને કહેતા કે ફ્રેન્ડલી જાયન્ટ એ બારીમાંથી બામ્બુની એક નળી બેડરૂમમાં દાખલ કરશે, જાયન્ટ તે નળીમાંથી એમના માટે સુંદર સપનાં ફૂંકશે. પિતાજી બહાર જાય પછી બંને બહેનો અધખુલ્લી આંખે વાટ જોતી. થોડી વારે બારીમાંથી સાચા બામ્બુની નળી અંદર આવતી. નળી પહેલાં ઓફલિઆ તરફ વળતી, પછી લ્યુસી તરફ. નળીમાંથી કોઈ હવા ફૂંકતું હોય એવો અવાજ આવતો. બંને વિચારતી, આજે જાયન્ટ અમારા માટે કયું સપનું ફૂંકશે.

બાળપણમાં બધું જ શક્ય હોય છે. જાદુઈ સૃષ્ટિ, ઊડતી શેતરંજી, ભૂત, ડાકણ, રાક્ષસો, વેંતિયાઓનો દેશ, ઊડતા પહાડો... આવું કેટલુંય બાળકોની મનોસૃષ્ટિમાં બનતું રહે છે, જેને કોઈ પડકારતું નથી. એને પડકારવાનો કોઈને અધિકાર પણ નથી કારણ કે બાળકોના વિશ્વનો સર્વેસર્વા માત્ર બાળક પોતે જ હોય છે. એનું સાર્વભૌમત્વ એનો નિજી અધિકાર હોય છે. બાળકોની દુનિયામાં ભવિષ્યની કોઈ ચિંતા હોતી નથી. બાળક જે સમયથી ભવિષ્યની ચિંતા કરવાનું શરૂ કરે છે તે સમયથી એ બાળક મટી જાય છે.
અન્ય સમાચારો પણ છે...