તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'કોઇ વીંટી જેમ અંગત એક ઘાવ પ્હેર્યો છે મેં...!'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોઇ વીંટી જેમ અંગત એક ઘાવ પ્હેર્યો છે મેં, આવ કે વર્ષોથી આ તારો અભાવ પ્હેર્યો છે મેં

- જે કૃતિને સમજાવવી પડે તેને હું કળાકૃતિ તરીકે સ્વીકારતો જ નથી. અલબત્ત, કળામાં સંકેતો, ઇંગિતો અને પ્રતીકોનું ચોક્કસ મહત્વ હોય છે તે હું સ્વીકારું છું, પણ માત્ર એ બધાને જ હું કળા નથી માનતો.


‘વાહ, કેવું સુંદર પેઇન્ટિંગ છે! એવું લાગે કે જાણે ચિત્રકારે પીંછીથી ફોટો પાડ્યો છે. બ્રશ પાસેથી કેમેરાનું કામ લીધું હોય તેવું અદભુત!’ ચિત્રોના એક્ઝિબિશનમાં બે જ જગ્યાએ ભીડ જામી હતી. એક હતું ફાઇન આર્ટ્સ કોલેજના તેજસ્વી વિદ્યાર્થી મેઘ દ્વારા તૈયાર થયેલું દેવી સરસ્વતીનું ચિત્ર અને એની બરાબર સામેની દીવાલ ઉપર મેઘના જ કલાસમાં ભણતી ખૂબસૂરત વિદ્યાર્થિની મિસાલ દ્વારા તૈયાર કરવામાં આવેલું ચિત્ર.

માત્ર ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ દોરેલી કૃતિઓનું જ આ પ્રદર્શન હતું. કોલેજના જ સભાખંડમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનનો આશય વેપારનો કે વેચાણનો ન હતો, પણ વિદ્યાર્થીઓની સૂઝ, સમજ, કળા, આવડત અને ચિત્રકળાના ક્યા પ્રકાર તરફ એના હૃદયનો ઝુકાવ રહેલો છે તે જાણવાનો હતો. મેઘ રિયાલિસ્ટિક પેઇન્ટિંગનો આશક હતો. રાજા રવિ વર્માનો ભકત હતો. એમનાં વિશ્વવિખ્યાત ચિત્રોમાંથી પ્રેરણા લઇને એ પણ હિન્દુ દેવી-દેવતાઓનાં પેઇન્ટિંગ્સ બનાવતો હતો. મિસાલ એની તદ્દન વિરુદ્ધના છેડા ઉપર હતી. તે ખાનગીમાં અને જાહેરમાં મેઘની ચિત્રકળાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હતી.

‘મેઘ, તેં ક્યારેય આ અંબાજીને નજરોનજર દીઠા છે ખરાં?’ એક દિવસ એણે કોલેજની પરસાળમાં મેઘને ઊભો રાખીને તીખો સવાલ પૂછી લીધો હતો. ‘ના, હજુ હું એટલો પુણ્યશાળી બન્યો નથી કે મા અંબાએ મને સાક્ષાત્ દર્શન દેવાની તકલીફ ઉઠાવવી પડે.’‘તો પછી તેં આ ચિત્ર શેના પરથી બનાવ્યું છે? આ ત્રિશૂળ, આ લાલ રંગની ચૂંદડી, આ નાક, કાન, ગળાનાં આભૂષણો, આ વાઘ ઉપરની સવારી, આ બધું કોને જોઇને દોર્યું છે?’ ‘તારો સવાલ સાંભળી મને હસવું આવે છે, મિસાલ. તું એવું કહેવા માગે છે અંબે માતા સ્વયં મોડેલ બનીને મારી સામે ‘સિટિંગ’ આપે તો જ હું એમનું ચિત્ર બનાવી શકું? આપણાં તમામ દેવી-દેવતાઓની એક ચોક્કસ પ્રકારની ઇમેજ આપણા મન ઉપર અંકિત થઇ ચૂકી છે. તેને અનુરૂપ ચિત્ર બનાવી શકીએ છીએ.’

‘આ તારી સમજ છે. હું તો આને કળા ન ગણું. તમે લોકો જાણે ફોટો પાડતા હો તેવાં આબેહૂબ ચિત્રો બનાવો છો. ખરી કળા તો સંકેતોમાં સમાયેલી છે. જેમ કે કોરા કાગળ ઉપર માત્ર ચશ્માં અને લાકડી દર્શાવો અને વાળ વગરનું માથું હોય એટલે ખબર પડી જ જાય કે આ ગાંધીજી છે. તમે લોકો આ બાળપોથીની કક્ષામાંથી ઉપર ક્યારે ઊઠશો?’ મેઘ હસી પડ્યો, ‘ચિત્રકળાના અનેક પ્રકારો છે, મિસાલ. આ મારી પસંદ છે. તું જેને એક માત્ર કળામાં ખપાવે છે તે એબ્સ્ટ્રેકટ આર્ટ છે. મને એ ખાસ અપીલ નથી કરતી. એક જમાનો હતો જ્યારે પાબ્લો પિકાસોની મોડર્ન આટેં દુનિયાભરમાં ધૂમ મચાવી મૂકી હતી.’

‘તને પિકાસોનાં ચિત્રો નથી ગમતાં?’
‘ના, જરા પણ નહીં. જે કૃતિને સમજાવવી પડે તેને હું કળાકૃતિ તરીકે સ્વીકારતો જ નથી. અલબત્ત, કોઇપણ કળામાં સંકેતો, ઇંગિતો અને પ્રતીકોનું ચોક્કસ મહત્વ હોય છે તે હું સ્વીકારું છું, પણ માત્ર એ બધાને જ હું કળા નથી માનતો. તમે સૂરણની સાઇઝનું બટાટું ચીતરો અને પછી કહો કે આ બટાટાને કેન્સર થયું છે એવું મેં દર્શાવ્યું છે એ વાત જ મને તો હંબગ લાગે છે.’

મેઘ રિયાલિસ્ટિક ચિત્રોનો હિમાયતી હતો, મિસાલ એબ્સ્ટ્રેકટ આર્ટની પૂજારણ હતી. અત્યારે પ્રદર્શનમાં પણ બંને વચ્ચે આ જ મામલે હરીફાઇ જામી હતી. જેને ચિત્રકળાની ઊંડી સમજણ ન હોય તેને મિસાલના ચિત્રમાં તો એવું જ લાગે કે કાગળમાં આકાશ દોરેલું છે. અહીં-તહીં ઊડતાં વાદળો, સંતાકૂકડી રમતો સૂરજ, વાદળોના ગોટે-ગોટા વચ્ચે ઘેરાથી લઇને ઝાંખા સુધીના રંગોની જમાવટ. સામાન્ય પ્રેક્ષકને આનાથી વધુ કંઇ ન દેખાય, ન સમજાય. એ તો એક પ્રોફેસરે આવીને વિદ્યાર્થીઓને સમજાવ્યું ત્યારે બધાના દિમાગમાં અજવાળું અજવાળું થઇ રહ્યું. ‘વાહ, વ્હોટ એ માર્વેલસ પિસ ઓફ એબ્સ્ટ્રેકટ આર્ટ!’ પ્રોફેસરના મોમાંથી પ્રશંસાના ઉદ્ગારો સરી પડ્યા, ‘આ કલર્સની કરામત જોઇ તમે? વાદળોની વચ્ચે એક ચહેરાનો આકાર ઊપસે છે તે દેખાયો તેમને? અને એની ઉપર આ કાળી વાદળી જાણે જટા જોઇ લ્યો! આ દૂર બે વીજરેખા બતાવી છે તે બે ભૂજાઓ છે. આ ડમરુ, આ ત્રિશૂળ અને આ...! હવે ખબર પડી કે કળાકારે શું દોર્યું છે?’

‘અરે, આ તો તાંડવનૃત્ય કરતા શિવજી છે. વાહ, ક્યા બાત હૈ!’ ભીડ મિસાલની આ બેમિસાલ કળા ઉપર વારી ગઇ. મિસાલે ગર્વથી ડોક ટટ્ટાર કરીને મેઘ સામે જોયું. મેઘે મોં મચકોડ્યું, ‘આખી જિંદગી આવાં ચિત્રો દોરતી રહેજે અને એ ચિત્રોમાં શું સંતાયેલું છે તેની ગાઇડ લઇને ફર્યા કરશે. મારાં ચિત્રો તો મારી ગેરહાજરીમાં પણ પોતાની ઓળખાણ આપી દેશે.’

‘હંહ...!’ નાકનું ટીચકું ચડાવીને મિસાલ ચાલી ગઇ. હોઠ વંકાવીને મેઘ પણ ચાલ્યો ગયો. ત્રણ દિવસના પ્રદર્શન પછી પ્રોફેસર ખુરાનાએ વર્ગમાં આવીને જાહેર કર્યું, ‘ગર્લ્સ એન્ડ બોય્ઝ! આ માત્ર પ્રદર્શન ન હતું, પણ તમારી શક્તિઓની તંદુરસ્ત સ્પર્ધા હતી. અમે એ જોવા માગતા હતા કે તમે પોતે તમારું કેવું મૂલ્યાંકન કરો છો. આપણી કોલેજના લગભગ બધા જ વર્ષોના તમામ સ્ટુડન્ટ્સ આ એક્ઝિબિશનને જોઇ ચૂક્યા છે. તેમના તરફથી જે ખાનગી ફીડબેકસ અમને મળ્યા છે તેના આધારે અમે આ પ્રદર્શનના વિનરનું નામ જાહેર કરીએ છીએ.’ આટલું બોલીને પ્રો. ખુરાના અટકી ગયા. સામે બેઠેલા વિદ્યાર્થીગણ ઉપર સર્વગ્રાહી નજર ફેરવીને એમણે કહ્યું, ‘તમારામાંથી કોઇ કહી શકશે કે આ વરસે વિજેતા કોણ બન્યું હશે?’

આખો કલાસરૂમ ગાજી ઊઠ્યો: ‘મેઘ...! મેઘ...! મિસાલ...! મિસાલ...!’ મિશ્ર અવાજો સંભળાતા હતા. પચાસ પ્રતશિતનો મત મેઘની તરફેણમાં હતો, બાકીના પચાસ પ્રતશિત મિસાલના પક્ષમાં જતા હતા.
‘વેલ... વેલ... વેલ...! યુ આર કરેકટ... આઇ મીન, ઓલ ઓફ યુ. આ વખતે પ્રથમ નંબર માટે ‘ટાઇ’ પડી છે. બે વિદ્યાર્થીઓ વિજેતા બને છે. એ છે મિસાલ મહેતા અને મેઘ શાહ.

વાર્ષિક પરીક્ષામાં પણ મેઘ અને મિસાલ એક સમાન ગુણ મેળવીને પ્રથમ ક્રમે જાહેર થયાં. એ પછી સંસારના વિશાળ મહાસાગરમાં પોતપોતાની કશિ્તમાં બેસીને નીકળી પડ્યાં. પોતાની મંજિલની શોધમાં. દસ વર્ષ પસાર થઇ ગયાં. મેઘ અમદાવાદ છોડીને વડોદરા ચાલ્યો ગયો. રિયાલિસ્ટિક આર્ટમાં પોતાનું નામ ઝળકાવી દીધું. અસંખ્ય ઇનામો મેળવ્યાં. મિસાલના સમાચાર ક્યાંકથી એના કાન ઉપર અથડાતા રહેતા હતા. એ મુંબઇ ચાલી ગઇ હતી. એબ્સ્ટ્રેકટ પેઇન્ટિંગના ક્ષેત્રમાં એણે ધાક જમાવી દીધી હતી. મેઘે વિચાર્યું, ‘મારી બેટી જબરી નીકળી! મુંબઇ જેવા મહાનગરમાં જઇને એણે નામ કમાયું. પરણી ગઇ હશે કોઇ ધનવાન ઉદ્યોગપતિને! પતિના પૈસે ‘એક્ઝિબશિન’ ગોઠવતી હશે. કંઇ નહીં, આપણે ભલે નાના શહેરમાં રહ્યા, પણ નામ તો આપણું પણ થયું જ છે ને! ’

વર્ષો પછી અમદાવાદમાં બંને જૂના પ્રતસ્પિધીઁઓ ભેગા થઇ ગયાં. એક આર્ટ શિબિરમાં અચાનક ભટકાઇ ગયાં. ‘તું?’ મિસાલ પૂછી બેઠી. નાકનું ટીચકું ચડાવ્યા વગર. અને મોં મચકોડ્યા વગર મેઘ પૂછી રહ્યો, ‘અરે, તું?!?’ શિબિર એક બાજુ પર રહી ગઇ. બંને કલાકારો બહાર જઇને ઓટલા પર બેસીને વાતોએ વળગ્યાં. મિસાલે પૂછ્યું, ‘શું નામ છે તારી પત્નીનું? બાળકો કેટલાં?’ મેઘ આડું જોઇ ગયો, ‘મેં લગ્ન નથી કર્યાં. રિયાલિસ્ટિક ચિત્રો દોરતાં દોરતાં હું મારા હૃદય ઉપર અંકિત થઇ ગયેલી દેવીઓનાં સુરેખ, સુંદર ચહેરાઓ જેવો એક સંપૂર્ણ ચહેરો જગતના ચોકમાં શોધતો રહ્યો. આજ સુધી નથી મેળવી શક્યો. તું પરણી કે નહીં?’

ઊંડો નિસાસો મિસાલની દિશામાંથી આવ્યો, પછી આ જવાબ: ‘હું પણ એબ્સ્ટ્રેકટ ચિત્રો બનાવતાં બનાવતાં દુનિયામાં જોવા મળતા પુરુષોની અપૂર્ણતામાં મારી કલ્પનાના રંગો ઉમેરતી રહી. પણ મારી કલ્પનાનું એક પણ ચિત્ર સાકાર ન થયું. મેઘ, સાચું કહું? આ દુનિયામાં કોઇને સંકેતો, ઇંગિતો કે પ્રતીકો ઉકેલવામાં રસ જ નથી રહ્યો. તને યાદ છે? આપણે કોલેજમાં હતાં ત્યારે મારાં બધાં પેઇન્ટિંગ્સમાં હું આકાશ ચીતરતી હતી, વાદળો દર્શાવતી હતી, વરસાદ બતાવતી હતી. તમને બધાને તેમાંથી શિવતાંડવ દેખાતું હતું, ગણેશજી કળાતા હતા, હાથી, બગીચો, રાક્ષસો વગેરેના આકારો નજરે ચડતા હતા, પણ કોઇને એ પકડાતું ન હતું કે આ મિસાલનાં તમામ ચિત્રોમાં વાદળ અને વરસાદ કેમ ઝળકે છે! મેઘ, તને પણ ક્યારેય મારો એ ઇશારો ન સમજાયો? વરસાદ એ બીજું કોઇ નહીં, પણ મેઘ હોઇ શકે એવો વિચાર તને ક્યારેય ન આવ્યો? હું રહી એબ્સ્ટ્રેકટ આર્ટની પૂજારણ, મારે પ્રતીકનો સહારો છોડીને મારા મનગમતા પુરુષને રિયાલિસ્ટિક શૈલીમાં આવું સીધે સીધું કહેવું પડે કે મેઘ, તું મને ગમે છે?’ અને વર્ષોના અંતરાલ પછી મિસાલ અને મેઘ પરણી ગયાં. ચિત્રકળાના બે આયામો ભેગા થયા અને કળા અખંડિત બની ગઇ.

(શીર્ષક પંક્તિ : અનિલ ચાવડા)