જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય, ત્યાં પહોંચતાં જ મન પાછું વળે એમ પણ બને

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડોકટરસાહેબ, હજુ પણ તમારી સારવારનું કંઈ રિઝલ્ટ કેમ નથી મળતું?’ નિશ્રાના પ્રશ્નમાં પૂછપરછ ઓછી હતી, પીડા વધારે.

'બહેન, ધીરજ રાખો, ધીરજનાં ફળ મીઠાં હોય છે.’ ડો. પટેલે આશ્વાસનનું પડીકું બંધાવ્યું. આવું પડીકું એ બધા જ પેશન્ટ્સને બંધાવતા રહેતા હતા. એમાં લુચ્ચાઈ ન હતી, વ્યાવસાયિક લાલચ ન હતી, દર્દીને લાંબા સમય સુધી પકડી રાખવાની બદદાનત પણ ન હતી, જો કંઈ હતું તો એ હકારાત્મક વિચારધારા હતી. અઘરા કેસમાં આવો પોઝિટિવ એપ્રોચ ઘણી વાર બહેતર કામ કરી જતો હોય છે. ખાસ કરીને સ્ટરિલિટીની સારવારમાં, જ્યાં પતિ-પત્ની બંને જણ આર્થિ‌ક, માનસિક અને શારીરિક એમ ત્રણેય રીતે તૂટી જતાં હોય છે.

નિશ્રાનો પતિ નિમિત્ત તો હજુ પણ થોડો ઘણો ટકી રહ્યો હતો, પણ નિશ્રા તૂટી ગઈ હતી. આજે તો એ નક્કી કરીને જ ઘરેથી નીકળી હતી કે ડો. પટેલ પાસેથી 'હા-ના’નો જવાબ મેળવીને જ ઝંપીશ.

'ધીરજ ધીરજ ધીરજ ક્યાં સુધી ધીરજ રાખવી સાહેબ? મારી ઉંમર સત્યાવીસ વર્ષની થઈ ગઈ.’

'આ ઉંમર કંઈ એવડી મોટી ન ગણાય, બહેન. આજકાલ તો આ ઉંમરે છોકરીઓ માંડ લગ્ન કરતી હોય છે.’

'પણ મારાં લગ્ન તો હું જ્યારે અઢાર વર્ષની હતી ત્યારે થઈ ગયાં હતાં. અત્યારે નવ વર્ષ પૂરાં થઈને દસમું ચાલી રહ્યું છે, તોય હું મા નથી બની શકી.’

'બહેન, તમારાં દસ વર્ષના દામ્પત્યનું વજન મારી ઉપર ન મૂકી દો, મારે ત્યાં ટ્રીટમેન્ટ માટે તો તમે છ જ મહિ‌નાથી આવો છો.’

'તમારી પાસે ભલે છ મહિ‌નાથી જ આવું છું, પણ એ પહેલાં છ-છ વર્ષથી છ-છ ડોક્ટરોનાં દવાખાનાં ખૂંદી વળી છું. એનું શું? બધા ડોક્ટરો માત્ર દિલાસો આપે છે, હિંમત આપે છે, તગડી ફી ખંખેરીને બદલામાં અમને હથેળીમાં ચાંદ બતાવે છે. ડોક્ટર સાહેબ, પ્લીઝ કંઈક કરો. તમારે દવા બદલવી હોય તો એમ કરો. હજુ વધારે ઇન્વેસ્ટિગેશન્સની જરૂર જણાતી હોય તો એ પણ કરાવી લો, પણ અમને રિઝલ્ટ ખપે છે. હથેળીમાં ચાંદ નહીં, ખોળામાં સંતાન ખપે છે.’

બંને પક્ષે દલીલોની જુગલબંધી ચાલી રહી હતી. આવું દરેક ડોક્ટરની સાથે બનતું હોય છે. ગાયનેક ડોક્ટરોની સાથે સહેજ વધુ વાર બને છે. એમાં પણ મોટા ભાગના દર્દીઓ વંધ્યત્વના હોય છે. વાસંતી વૃક્ષ કરતાં પાનખરનાં ઠૂંઠાંની પીડા વધારે તીવ્ર હોય છે.

ડો. પટેલે જો ધાર્યું હોત તો નિશ્રાને આવું કહી શક્યા હોત કે, 'બહેન, તું આટલા બધા ડોક્ટરોનાં દવાખાનાંનો ઉંબરો ટોચી આવી કે રૂપિયાનું પાણી કરી આવી, એ બધું તારી ગરજે કર્યું છે, મારા માટે નથી કર્યું અને અમે ડોક્ટર છીએ, ભગવાન નહીં. અમે સારવાર આપીએ છીએ, વરદાન નહીં.’ પણ ડો. પટેલ આવું ન કહી શક્યા, કારણ કે તેઓ એક ભલા ઇન્સાન હતા. નિશ્રાની અકળામણ સમજી શકવા જેટલી સહૃદયતા એમનામાં હતી અને માટે જ તેઓ નિશ્રાના દરેક સવાલનો તર્કબદ્ધ જવાબ આપી રહ્યા હતા.

કડવો જવાબ આપવાને બદલે ડો. પટેલે ફરી એક વાર નિશ્રાની કેસ-ફાઈલ ખોલી અને તમામ રિપોર્ટ્સ પર બારીક નજર ફેરવી ગયા. બધું જ બરાબર હતું, નિમિત્તનો સીમેન રિપોર્ટ, નિશ્રાનો લેપ્રોસ્કોપી રિપોર્ટ, ઓવ્યુલેશન સ્ટડી રિપોર્ટ, ક્યુરેટિગનો રિપોર્ટ બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ બધું જ ર્નોમલ રિઝલ્ટ બતાવી રહ્યા હતા.

'બહેન, અમારી ભાષામાં આને 'નો કોઝ ઇન્ફર્ટિ‌લિટી’ કહે છે. બાળક ન થવાનું કોઈ દેખીતું કારણ પકડાતું ન હોય અને છતાં રિઝલ્ટ ન મળતું હોય. આવી પરિસ્થિતિ ક્યારેક જ જોવા મળે છે, પણ મળે છે અવશ્ય.’ નિશ્રા ઝૂંઝલાઈ ઊઠી, 'ડોક્ટરસાહેબ, એક સ્ત્રીના મનની વેદના તમે ક્યારેય નહીં સમજી શકો. તમારા શબ્દકોશમાં ધીરજ, હિંમત, શાંતિ, સમજણ અને પ્રતીક્ષા જેવા જ શબ્દો હોય છે, પણ એક પરિણીત સ્ત્રીના શબ્દકોશમાં માતૃત્વ, પ્રસૂતિ, સંતાન, ઝભલું, ધાવણ, મીઠા ઉજાગરા અને રમકડાં જેવા શબ્દો હોય છે. આપણા બંનેના શબ્દકોશો ક્યારેય એક નહીં થઈ શકે.

મારી માતૃત્વની ઝંખના હવે થોડી પ્રતીક્ષા કરવા માટે પણ તૈયાર નથી. કાં તમે એવી સારવાર કરો કે એક-બે મહિ‌નામાં મને ગર્ભ રહી જાય, નહીંતર મને કોઈ એવા ડોક્ટર પાસે 'રિફર’ કરી દો જે મને તાત્કાલિક 'રિઝલ્ટ’ અપાવી શકે.’
નિશ્રાનું ઝનૂન, જિદ્દ, માતૃત્વ માટેની તીવ્ર ઝંખના વાસ્તવિકતાની અને સૌજન્યની તમામ હદો પાર કરી ગયું હતું, એ વાત ડો. પટેલ સમજી ગયા. એમણે છેલ્લો ઉપાય અજમાવવાનું નક્કી કરી લીધું, 'જુઓ, બહેન આવતા મહિ‌નેથી હું તમને આઇ.વી.એફ.ની ટ્રીટમેન્ટ પર મૂકવાનું વિચારી રહ્યો છું. એ સારવાર ખર્ચાળ છે, પણ તમારા સંતાનથી વધુ મોંઘી નથી.

એક ડોક્ટર તરીકે હું જાણું છું કે તમારે ગર્ભધારણ માટે એ ટ્રીટમેન્ટ લેવાની શત પ્રતિશત જરૂર નથી જ નથી. જો ભગવાન ઇચ્છે તો તમે એક ગોળી ગળ્યા વગર પણ ગર્ભધારણ કરી શકો છો, પણ એવું થશે કે નહીં અથવા ક્યારે થશે એની ગેરંટી હું ન આપી શકું માટે આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ માટે તૈયાર હો તો એક વાર તમારા પતિને લઈને મને મળવા આવી જજો.’

બીજા દિવસે જ નિમિત્ત-નિશ્રા આવી ગયાં. ડો. પટેલે જે સમજાવ્યું તેની સાથે સંમત થઈ ગયાં. આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ એ અમારો પારિભાષિક શબ્દ છે, બિનતબીબી જગત એને 'ટેસ્ટ ટયૂબ બેબી’ તરીકે ઓળખે છે. ડો. પટેલ ખુદ આવી સારવાર આપતા હતા. બીજા મહિ‌નાથી નિશ્રાની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. પહેલા મહિ‌ને પરિણામ ન મળ્યું. એક-દોઢ લાખ રૂપિયા પડી ગયા. બીજા મહિ‌નામાં ખર્ચ સહેજ ઓછો થયો, પણ પરિણામ તો ન જ આવ્યું. નિમિત્ત નોકરિયાત માણસ હતો. વધારે રૂપિયા ખર્ચવા જેટલી એની હેસિયત ન હતી. એણે પત્નીને સમજાવવાની કોશિશ કરી જોઈ, 'રહેવા દે, નિશ્રા, હવે વધુ સારવાર નથી કરાવવી. દુનિયામાં લાખો પતિ-પત્નીઓ સંતાનસુખ વગર જિંદગી ગુજારી નાખતાં હોય છે. એમાં આપણે પણ...’

'ના...’ નિશ્રાએ વાઘણની જેમ ત્રાડ પાડી, 'તમારી પાસે પૈસા ન હોય તો હું મારા પિયરમાંથી લઈ આવીશ. જરૂર પડશે તો મારા દાગીના વેંચી દઈશ, પણ સારવાર તો બંધ નથી જ કરવી. મારે મા બનવું જ છે.’

કદાચ નિશ્રાની તીવ્ર ઇચ્છાનું જ આ પરિણામ હોઈ શકે કે ત્રીજા મહિ‌ને એને ગર્ભ રહી ગયો. એ ખુશ હતી. નિમિત્ત પણ ખુશ હતો. એ પછી ગર્ભાવસ્થાને લગતી સારવાર શરૂ થઈ ગઈ. રેગ્યુલર વિઝિટ્સ, મેડિકલ ચેકઅપ, બ્લડ ટેસ્ટ્સ સવારની ઊલટીઓ, બપોરનો આરામ અને સાંજનો થાક અને છતાં રાતનું સહિ‌યારું સુખ. મોડી રાત સુધી જાગીને પથારીમાં પડયાં પડયાં નિશ્રા અને નિમિત્ત નવ મહિ‌ના પછીની સ્થિતિનાં સપનાઓ જોતાં રહેતાં હતાં. દિવસો સોનેરી હતા, રાતો સુગંધી.

ત્યાં એક દુર્ઘટના ઘટી ગઈ. કોઈએ સપનામાં પણ ન વિચાર્યું હોય એવું બની ગયું. નિશ્રાને ત્રીજો મહિ‌નો પૂરો થવા આવ્યો હતો. એ દિવસે બપોરે જ એ ડો. પટેલના કન્સલ્ટિંગ રૂમમાં જઈને ઘરે આવી હતી. નિમિત્ત એની ઓફિસમાં 'જોબ’ પર હતો. નિશ્રાને એણે ફોન કરીને પૂછયું, 'ડોક્ટર પાસે જઈ આવી? બધું બરાબર છેને? શું કહ્યું ડો. પટેલે?’
'બધું બરાબર છે. ડોક્ટર સાહેબે કહ્યું છે કે જે દવાઓ ચાલે છે તે જ ચાલુ રાખવાની છે. તમે એક કામ કરજો, સાંજે કામ પરથી જ્યારે ઘરે આવો ત્યારે બંને પ્રકારની ટેબ્લેટ્સ ખરીદતા આવજો. પ્રિસ્ક્રિ‌પ્શન તો છે ને તમારી પાસે?’ નિશ્રાએ યાદ કરાવ્યું.

નિમિત્તે હા પાડી. તેમ છતાં ખાતરી કરવા માટે શર્ટના ખિસ્સામાંથી દવાનો કાગળ કાઢીને તપાસી લીધો. સાંજે કામ પરથી છૂટીને એણે બાઈકને કિક મારી. દવાઓ ખરીદીને ઘરે પહોંચવાની ઉતાવળમાં એને સ્પીડનું ભાન ન રહ્યું. રસ્તા પર કોઈ વાહનમાંથી ઢોળાયેલા ઓઇલ પરથી બાઈકનું પૈડું સ્લિપ થઈ ગયું. નિમિત્ત ઊછળીને જઈ પડયો રોડ ડિવાઈડરના પથ્થર પર. ખોપરીની કાચલી પળ વારમાં ફાટી ગઈ. પ્રાણપંખી ઊડી ગયું. નિશ્રા પતિની રાહ જોઈને ઘરે બેઠી હતી, પતિ ન આવ્યો, પણ એની લાશ આવી. નિશ્રા લાશ જોઈ મૂચ્છિર્‍ત થઈ ગઈ. એ પછીની કહાણી વર્ણન કરવા માટે નથી. નિમિત્તના અંતિમસંસ્કાર અને કારજક્રિયા નિશ્રા માટે એક ટ્રેજિક ફિલ્મની દૃશ્યાવલીની જેમ પસાર થઈ ગયા.

બરાબર પંદર દિવસ પછી એ ડો. પટેલના દવાખાનામાં જઈ પહોંચી. ડો. પટેલે ખેદપૂર્વક શરૂઆત કરી. 'મેં સમાચાર જાણ્યા. મને ખૂબ મોટો આઘાત લાગ્યો, બહેન. ધિસ વોઝ નોટ ધી એઇજ ટુ ડાઇ. જો મરવાનું નક્કી જ હતું તો પછી આ દુર્ઘટના છ-સાત મહિ‌ના પછી ઘટી હોત તો એક આશ્વાસન રહેત કે નિમિત્ત પોતાના સંતાનનું મોં જોઈને ગયા. એની વે, એની આખરી નિશાની તમારા પેટમાં છે, નિશ્રા એને જન્મ આપો, ઉછેરીને મોટું કરી એ જ નિમિત્ત પ્રત્યેની તમારી...’
'સોરી, ડોક્ટર હું તમારી પાસે એર્બોશન માટે આવી છું.’ નિશ્રાનો ચહેરો પથ્થર સમો હતો અને અવાજ ભાવશૂન્ય.
'વ્હોટ?’ ડો. પટેલ ચિત્કારી ઊઠયા, 'તમને ભાન છે કે તમે...’

'હા, હું પૂરેપૂરા હોશ-હવાસમાં છું, ડોક્ટર તમને માત્ર શરીરની સ્થિતિ જ દેખાય છે. સ્ત્રીના મનની અંદરની સ્થિતિ તમે જોઈ શકતા નથી.’

'પણ તમારા મનની સ્થિતિ, તડપ, માતૃત્વની ઝંખના આ બધું સમજીને પછી તો મેં તમને આઇ.વી.એફ.ની સારવાર આપી હતી. લગ્નનાં સાત-સાત વર્ષ પછી તમને ખોળાનો ખૂંદનાર...’

'છોડો એ બધા લાગણીવેડા. મારે આ પ્રેગ્નન્સી કોઈ પણ સંજોગોમાં ચાલુ નથી જ રાખવી. મારે બાળક હશે તો બીજાં લગ્ન કરવામાં તકલીફ પડશે. માતૃત્વની વાત પછી આવે છે, પહેલા મારું સ્ત્રીત્વ અને પત્નીત્વ’ નિશ્રા વધુ દલીલો કરવાને બદલે અંતિમ નિર્ણય પર આવી ગઈ, 'પટેલ સાહેબ, આ એર્બોશન તમે કરી આપવાના છો કે પછી હું બીજા કોઈ ડોક્ટર પાસે ચાલી જાઉં?’ ડોક્ટર વિકલ્પ વગરના આ સવાલને સાંભળી રહ્યા. આ એક એવો સવાલ હતો જેનો માત્ર એક જ જવાબ હતો અને તે ફરજિયાત હતો.'(ર્શીષક પંક્તિ: મનોજ ખંડેરિયા)
drsharadthakar@yahoo.com