તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગપણનું બીજું નામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સગપણનું બીજું નામ
ચકલીના માળા જેવા માધાપર ગામમાં કાળો કકળાટ વ્યાપી ગયો. ગામ આખું રડી પડ્યું. હજી તો જુવાનીનો ઉંબરો માંડ વળોટ્યો છે, ત્યાં મઘમઘતા ફૂલ જેવી રળિયાતને  રંડાપો ભરખી ગયો. બે દીકરા સોતી તે નોંધારી ને નકોરડી થઇ ગઇ. ખરા ટાણે મોટોભાઈ પડખે આવીને કહે: ‘બો’ન, તારી ચિંતા કાળજે ખટક્યા કરશે. નિંદર આવવા નંઇ દે!’ એક તો ઓછી ઉંમર, પંડ્યમાં બે પહુડા ને ઠીકઠીક કે’વાય એટલી જમીન. વેરવીને પણ ચિંતા થાય એવું હતું.

પણ રળિયાતે ધરપત આપતાં કહ્યું: ‘ભાઈ, ભરોંહો રાખજ્યો, મું તમારી બેન છંવ. મોત આવે તોય આ માટીમાં પાણી નંઇ મરે.’ નાનીબહેનનું કહેવું સોળવલા સોના જેવું હતું. એના રૂપ-જોબન પર કોઈની હીણી નજર લાગે ઇ પેલા પાડાના કાંધ જેવી ઉપજાઉ જમીન માથે નજર લાગી ગઇ હતી. ભાઈએ કહ્યું: ‘બો’ન! બે નાના ભાણેજ...ને જમીન કે’વી રીતે હંભાળીસ...?’ ‘ભાઈ, હૈયામાં હામ છે ને મારાં બાવડાંમાં બળ છે થઇ રે’હે હંધુંય. એવી ફીકર્ય નો કરો.’ રળિયાતના આવા રૂડા ને નક્કર જવાબે મોટાભાઈ તેની સામે જોઈ, મનમાં હતું તે કહી દીધું: ‘જો બો’ન, સમો ખરાબ છે.

આપણે ધારીએ ઇ હંધુય નો થાય.’ પછી ખોરા ટોપરા જેવી દાનતને ઉઘાડી કરતા કહે: ‘આ બેય ભાયું તારી ખેતી ખેડશે, વાવશે, લણશે … તારે તો નિરાંતે છોકરાં મોટાં કરવાનાં...’ ધીમેકથી ઉમેર્યું હતું: ‘ભાગીયું લખી દે!’ આ વાતે રળિયાતને ચારેકોર્યથી સંતાપ ને અજંપો ઘેરી વળ્યો હતો. રળિયાત મોટાભાઈનું કહેવું સમજી ગઇ હતી. તેણે બાંધ્યાભ્રમમાં ઉત્તર આપતા કહ્યું હતું: ‘ભાઈ, ઈમ ભાગીયું લખી નો દેવાય. છોકરાના બાપે મારા પર મૂકેલો ભરોંહો તૂટવા નંઇ દંવ!’ પછી ઉમેર્યું, ‘તમે માડીજાયા છો, ટાણે-કટાણે ખબર્ય લેવા આવી જાજ્યો. ને ભીડ પડ્યે પડખે ઊભા રે’શો...ભરોંહો છે.’

આયખામાં ઓછી પણ સમજમાં મોટી એવી રળિયાત ગાંઠે બંધાતી નહોતી. સામે મોટાભાઈની મનમાની થાતી નહોતી તે હુકમનું છેલ્લું પાનું રમી લેવું હોય એમ કહ્યું હતું: ‘ઇંનો અરથ એ થયો કે તારે ભાયુંની જરાકેય જરૂર નથી!’ ‘ભાઈ, મોર તો પીછાં થકી રૂડો લાગે..’ રળિયાતે સલુકાઇથી જવાબ આપ્યો, ‘ઇમ બેન તો ભાયુંની ઓથથી ઊજળી લાગે. તમે નો હોત તો ઇમનું કારજ કેમનું થાત!?’ ઘડીભર બેઉ અબોલ રહ્યાં હતાં. મોટાભાઇને નક્કી થઈ ગયું હતું કે રળિયાત એક ટળીને બે નહિ જ થાય એટલે ઘચરકાવીને કહી દીધું હતું: ‘તારે અમારું કીધું કરવું નો હોય તો તું જાણ, તારાં છોકરાં જાણે ને તારી જમીન. અમારે હવે કાંય લેવાદેવા નઈ હમજી!’ આવું સાંભળી રળિયાત માથે આભ તૂટી પડ્યું હતું, પણ જાતને સંભાળી લીધી હતી.

રળિયાત એકલપંડે ઝઝૂમી. સાથી-દાડિયા રાખીને ખેતી કરી. ક્યારેક વનના રોઝડા ઊભા પાકને રંજાડે એમ પિતરાઈઓની કૂડી ને કૂણી નજર રંજાડતી ને દઝાડતી રહી. તેમાં મેઘજી મોખરે હતો. પણ કાયાના કામણને કૌવત અડીખમ રાખી રળિયાત કુદરત ખેલાવે તેમ જીવતરના ખેલ ખેલતી રહી. દુઃખનું ઓસડ દહાડા. છોકરાં મોટાં થઇ ગયાં. ને તેનાં લગ્ન લેવાણાં પણ મામેરિયા આવે એમ ક્યાં હતાં? ‘ભાયુંએ ભલે મારી ભાળ નો લીધી પણ મામેરા લઈને તો આવશે જ...’

એવી રળિયાતની લીલીછમ આશા ઠગારી નીવડી હતી. પિયરિયામાંથી કોઈ આવ્યું નહોતું. ગોળ વગર કંસાર મોળો લાગે એમ પંડ્યના છોરુનો મંગળ પ્રસંગ મામેરા વગર મોળો ને ફિક્કો લાગે. ત્યાં વખતને વાતું રાખવી હોય એમ ઊજળા લૂગડે મેઘજી ખડકીમાં દાખલ થયો. અને તેણે પડકારો કરીને કહ્યું, ‘ક્યાં ગ્યાં બોન!?’ મોં ભરીને ભાભી કહેનારો મેઘજી, બોન બોલ્યો. રળિયાતને આંખ ને કાન પર વિશ્વાસ બેઠો નહીં. તે મોં વકાસી મેઘજી સામે જોતી રહી. મેઘજી મલકાતાં મોંએ ઓસરી ચઢી, ખાટલામાં બેઠો. રળિયાતની સમજમાં કાંઇ આવતું નહોતું. આંગણે આવેલાને જાકારો તો દેવાય નહીં. ત્યાં મેઘજી પડકારો કરીને કહે: ‘એલા છોકરાવ, ફૂઈનું મામેરું લઇ ઝટ અંદર્ય આવો, મોડું નો કરો...!’ રળિયાત તો સઘળું જાણી-જોઈ ઝાડવું થઇ ગઇ.

તેને તો પાછલી પરોઢનું સોણલું હોય એવું લાગ્યું. ત્યાં મેઘજી ઊભો થયો. રળિયાતની ઉરાઉર આવીને ભાવભીના સ્વરે બોલ્યો: ‘થયું કે લાવ્ય, સગપણનું નામ બદલી નાખું!’ પછી કહે: ‘ભાભીના ઠેકાણે બેન, લાગણી ક્યાં ઓછી થાવાની છે!’ પછી તો વીરનાં વધામણાં કરતી રળિયાતની આંખો હરખનાં આંસુથી છલકાવા લાગી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો