તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનદાનીનું ખમીર: ભાભીને પે’રવા, ભાઈ બેનનાં ઘરેણાં લૂંટશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાડામાં બેઠેલી સ્ત્રીએ લુટારાનું વેણ પકડીને સામે કહ્યું: ‘ભાભીને પે’રવા, ભાઈ બેનનાં ઘરેણાં લૂંટશે!’ સ્ત્રીનું આવું બોલવું સાંભળી નિર્જન વગડો પણ એક કાને ને ધ્યાને થઇ ગયો
માફાળું ગાડું જોઈ, ઊંડા રસ્તાના બેઉ કાંઠે ડીંડલિયા થોરના જેમ મિયાણા ગોઠવાયા ગયા હતા. આંકડેને મધમાખીયું વગરનું તે લૂંટી લેવાનું હતું. ગાડું ઊભું રહ્યું. અંદરથી બાઇમાણસનો અવાજ આવ્યો: ‘ભાઈ, ગાડું કાં ઊભું રાખ્યું?’ પણ જવાબ કોણ આપે? ગાડાખેડુને મિયાણાએ મોંભરાણ ઉલાળ્યો હતો તે પાછું વાળુંને જોવાય ઊભો રહ્યો નો’તો. મિયાણાએ કહ્યું: ‘ગાલાવેલી થ્યા વગર ઘરેણાં ઉતારી દે, ઘેર્ય તારી ભાભીને પે’રવા જોશે ને!’ આવું સાંભળતા ગાડામાં બેઠેલી સ્ત્રી પળમાં સ્થિતિ પામી ગઇ. લુટારા છોડશે નહીં ને વખ ઘોળવાનો વારો આવશે. પણ લુટારાનું વેણ પકડીને સામે કહ્યું: ‘ભાભીને પે’રવા, ભાઈ બેનનાં ઘરેણાં લૂંટશે!’ સ્ત્રીનું આવું બોલવું સાંભળી નિર્જન વગડો પણ એક કાને ને ધ્યાને થઇ ગયો. તે આગળ બોલી: ‘પધ્ધર ગામના વાઘજી ઠક્કરની તો શરમ ભરો?’

‘વાઘજી ઠક્કર તો અમારો વેરવી, સામો મળે જીવતો નો છોડીએ. બેન, તને શું થાય એ ઠક્કર?’ ગાડામાં બેઠેલી સ્ત્રી ચકરાવે ચઢી. પોતાના બાપુનું નામ દીધા પછી લુટારા છોડી દેશે. ભલા હશે તો ઘર લગી મૂકી જશે. પણ ધરમ કરતાં ધાડ પડ્યા જેવું થયું. આ તો બાપુના વેરવી નીકળ્યા.

એક દી’ વાઘજી ઠક્કરના નામની ફેં ફાટતી. એનું નામ પડતાં જ ભલભલા રસ્તો ચાતરી જાતા. ઠક્કરની આવી ખુમારી, રખેવાળી ને લોક માટેની ખેવનાના લીધે અવળા મારગે ચાલનારાના ધંધા ભાંગી પડ્યા હતા. તે સૌ ઠક્કરના જીવલેણ દુશ્મનો થઇ ગયા હતા, પણ ઠક્કર હવે ચેતી ગયા હતા.

કલકતાથી દીકરીનો કાગળ આવ્યો હતો. તેમાં લખ્યું હતું: ‘બાપુ, હું કુકમા સ્ટેશને ઊતરીશ ત્યાંથી મને લઇ જાશો.’ ટપાલ વાંચી ટટ્ટાર થઇ ગયા હતા. દીકરી પ્રત્યેનું હેત સાગરના જેમ ઉછાળા મારવા લાગ્યું હતું. ‘દીકરી લાંબી વાટ કાપીને આવે છે, લેવા જાવું પડે...’ સાબદા થઇ ગયા હતા. પણ સામે વેરીઓ નજરે ચઢ્યા હતા. જીવતો છોડે એમ નથી. દીકરીની નજર સામે જ ખાંડા ને કાંડાનો જીવલેણ ખેલ ખેલાય અને બાપને પોતાની હાજરીમાં હારતો ને મરતો જોવે તો મનખો બગડ્યો કે’વાય. ઠક્કરે દીકરીને લેવા જાવાનું માંડી વાળેલું. એને ખબર હતી કે કુકમા સ્ટેશને ગાડી વધારે પડી રહે છે. સ્ટેશન પર કોઈને નહીં જુએ તો એ જ ગાડીમાં ભુજ હાલી જાશે. અને એમ જ બન્યું હતું.

પણ દીકરીને એક વાતે ભરોસો હતો તે કહ્યું: ‘ભાઈ થઇને બેનને લૂંટશે?’ આવું સાંભળતા મિયાણા મૂંઝાણા. એક બોલ્યો: ‘આપણે તો લૂંટીને ગદરી ખાનારા. એમાં સગપણનું શિરામણ ન હોય!’ વાત કાંઇ નાખી દીધા જેવી નહોતી. હરમત કરીને પાછા લૂંટવા સાબદા થયા.

‘અમે તારા સામે નજરેય નહીં નાખીએ...પણ અંગ પર હોય ઇ ઘરેણાં ઉતારી દે.’
મોવડી જેવો મિયાણો કહે: ‘બાઇમા’ણા એકલી છે તે ઘરેણાં આપી દેશે પણ મલક શું કે’શે?’ પછી કહે: ‘થૂંકશે. બાપને પહોંચી ન શક્યા તે વેર દીકરી સાથે લીધું.’ વળી કચ્છના વેરાન વગડાએ કાનસૂરી માંડી.

‘તો જાવા દ્યો, નથી લૂંટવી.’ મોવડીની વાત સમજીને વધાવી લીધી. ત્યાં મોવડી કહે: ‘વાટમાં બીજા કોઈ લૂંટી લે તોય આપણા માથે આવે. મલકના મોંએ ડૂચા દેવા ક્યાં જાવું?’
બીજા સાથીઓ મનોમન કહે: ‘આવા કાળા કામાતો એક ઘાને બે કટકા જેમ થાય. આમાં લાંબી પીંજણ કરવાની નો હોય!’ ત્યાં કહે: ‘પધ્ધર ગામમાં તેના ઘર લગી વળાવવા જાવી પડે.’

ભલે કહેતા સાબદા થઇ રસ્તે પડયા. ગાડું વાઘજી ઠક્કરની ડેલી આગળ આવીને ઊભું રહ્યું. પોગીને સાદ દીધો: ‘એલા ઠક્કર હવે તો બારો નીકળ, આ તારી દીકરીને મૂકવા આવ્યા છીએ.’ ઠક્કરે જોયું તો જીવલેણ દુશ્મનો આંગણે આવીને ઊભા હતા એટલું જ નહીં, પોતાની લાખેણી લાજ રાખી હતી. ‘તો પછી લ્યો, વેર!’ ઠક્કર બે ડગલાં આગળ આવીને કહે: ‘ઘર આંગણે માર્યાનું કે’ણ નો રાખવું હોય તો તમે કો’ ત્યાં આવું?’

‘વાઘજી ભા, તલવાર ઉપાડવાની ત્રેવડ નો હોય એવા દુશ્મન માથે કેમ કરવો?’ પછી પારોઠ ફરતા કહે: ‘લ્યો ત્યારે જીવ્યા મર્યાના જુહાર..!’ ત્યાં દીકરી આડે આવીને ઊભી રહી: ‘એમ શિરાવ્યા વગર નો જવાય’ બાપનો દુશ્મન પણ ઘરઆંગણેથી ભૂખ્યો ન જાય એવી પરંપરાની સાક્ષી પૂરતી વાઘજી ઠક્કરની ડેલી, ફળિયું ને આખું ઘર જાણે કાંડાવઢ તાણ કરવા લાગ્યું. ત્યાં ‘મારા ગળાના સમ છે...’ કહીને ઠક્કર તો અદકા ભાવથી ભેટી પડ્યા!
અન્ય સમાચારો પણ છે...