તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યા મળી પણ ફળી નહીં: ‘હું કોણ છું, ઇ એની માને પૂછો!’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊગતા પહોરે પાલનપુર તાબેના જોરાવર બાગના દીવાનખાનામાં ખાસંખાસનો એકડેઠઠ ડાયરો ભર્યો છે. ન સંભળાય, ન સમજાય એવો બણબણાટ થઇ રહ્યો છે ત્યાં ખાનાનું દ્વાર ઊઘડ્યું ને જાણે કવિરાજ શામળ બારોટના દિલ સાથે જાણે દ્વાર ઊઘડી ગયાં. ત્યાં છડી પુકારાણી ને નવાબસાહેબ તાલેમહંમદ ખાનજીની પધરામણી સાથે પહેલી નજરે જ અદ્દલ કવિની પ્રતીતિ થઇ. માથે ચટાકેદાર વેલ્યભાતનો સાફો, ડિલ માથે મારવાડી ચારણી ઢંગનું ધોળા બાસ્તા જેવું અચકન, હેઠે પિંડી ચપોચપ સુરવાળ ને પગમાં કાળાકુરમની રૂપકડી મોજડી. મોકળા મને આવકારી, સામે બેઠક લેવા ઈજન આપ્યું. તે વેળા કવિરાજની જિહ્વા પર મા સરસ્વતીના બેસણા થયા.
‘આ છે મારા વેલડાનો હાંકનાર!’આવું સાંભળતા શંકરસંગ માથે જાણે વીજળી પડી. તે હડફ કરતા ઊભા થઈને કહે: ‘હું કોણ છું, ઇ એની માને પૂછો!’
કવિતાનું ઝરણું કલકલ નાદે વહેવા લાગ્યું.‘વાહ કવિરાજ, બહોત અચ્છે...’ નવાબસાહેબ વારી ગયા. પછી તો શામળ પહાડી અવાજ સાથે દીવાનખાનાને ડોલાવવા લાગ્યો. તેમાં નવાબી રાજનાં પરાક્રમોની પ્રશંસા પ્રગટ થતી હતી. જે શામળને તેમના બાપ શંકરસંગ પાસેથી મળી હતી.

‘વાહ કવિરાજ, શું તમારા ગળાનો ઠાઠ છે ને શું તમારી કવિતાનાં કામણ!’
નવાબસાહેબનાં આવાં મોંફાટ વખાણ સાંભળતા શંકરસંગની છાતી ગજગજ ફૂલવા લાગી. જગતનો સર્વશ્રેષ્ઠ શિરપાવ સાંપડ્યો હોય તેવી અનુભૂતિ આતમરામને અમૃતના ઓડકાર જેવી લાગી પણ દીકરા શામળને જાણે અભિમાનના ડુંગર પર લઇ જઇને ઊભી રહી.

ઊગતા સૂરજના તેજપુંજને ઢાંક્યા ઢંકાય નહીં તેમ કવિત્વને પણ ઢાંક્યું ઢંકાય નહીં. કચ્છ-ભુજની પાઠશાળામાંથી કાવ્યવિદ્યા પામી વતન ચંડીસર આવ્યા પછી શામળની કાવ્યકીર્તિની સોડમ ચોમેર પ્રસરવા લાગી હતી. આખાય ડીસાવળ, ધાંધાર થઈને કાંકરેજી, વઢિયાર, હિંદવાણ ને ગઢવાડા લગી રણની આંધીને કાંધી જેમ ઘુમરીઓ મારવા લાગી હતી. મલાણી સાંઠ, ચુંવાળ-ધાનેરા ને જતવાડમાંથી ઠાકોરો ને જમીનદારો શામળની કવિતાનું રસપાન કરવા ચંડીસરના વડલે આવી બેઠક જમાવતા. કલાપ્રેમીને કદરદાન પાલનપુરના નામદાર નવાબને જાણ થતા શામળને ઈજન આપતા કહેણ મોકલાવ્યું હતું કે, ‘નવાબના શાહી દરબારમાં કવિરાજને નોતરું છે.’ શામળને આ નોતરાનો કેફ હતો તેમાં નવાબના મુખેથી ભરપેટ પ્રશંસા સાંપડી. હયાતીનો ઈતિહાસ અને જાણે ભુલાઈ ને ભૂંસાઈ ગયો. જગત વિસરાઈ ગયું.

કવિરાજ નવાબના દિલમાં વસી ગયા. તેમને થયું કે, આવું રતન તો રાજમાં જ શોભે. રાજકવિનો દરજ્જો આપી દેવો. ત્યાં એકાએક કવિરાજની અડતોઅડત બેઠેલા એક રૂખડિયા મનેખ પર નવાબની નજર ગઈ. ‘કોણ છે, આ તમારી સંગાથ!’ શામળ નવાબના પ્રભાવમાં આખોય ગળાડૂબ હતો. કોઈ સાધ રહી નહોતી. પણ ઘાટીલી ગરદન મરડીને જોયું, જોતા જ મોતિયા મરી ગયા. મોં કાળુંઢી ગયું. ભાવભંગિમા બદલાઇ ગયા. આ બાજુ શંકરસંગના અંગરખાની કસો તૂટવા લાગી. તેમણે હરખના સાવરણા જેમ ગર્વ ઉડાડતી નજરે ડાયરાને નોંધ્યો. પણ કોઈ આંખોમાં ઉમળકો ન દેખાણો. ધ્રાસ્કો પડ્યો. કારણ કે પોતાના દીદાર જ લઘરવઘર હતા.

કેશરબાઇ અને શંકરસંગનું એકનું એક સંતાન. પેલી, બીજીના પગથિયામાં ડુંગરની ટોચ જેવું દૈવત દેખાણું એટલે બારોટાણીને કીધું: ‘મારું માનો તો શામળાનું ભણતર કરાવીએ!’થોડીક ક્ષણો પછી બારોટે વાત પૂરી કરતા કહ્યું: ‘કચ્છડાના ભુજમાં કવિતાનું ભણતર કરાવતી પાઠશાળા છે. ન્યા મૂકીએ તો...’ ‘પણ ઈ ભણતરનાં દોઢિયાં કાઢશું ક્યાંથી!?’ આવી ફિકર જરાય ખોટી નહોતી. પણ ધરતીના જાયા ધરતી સાથે ને માથે લોહી-પાણી એક કરવા લાગ્યા. ખેતરની ખેડ કરી, બબ્બે પાક લણવા લાગ્યા ને એમાંથી પાઇ-પૈસો પેદા કરી, શામળાના ભણતર ભાર ઓછો કરવા લાગ્યા. સામે શામળ કવિતામાં કંચન થઇને ઊભો રહ્યો. તેથી મહેનત લેખે લાગી.

‘કવિરાજ!’નવાબના બડકમદાર અવાજે, માથે ગરમ પાણીની છાલક ઊડી હોય સફાળા થથરી જવાયું ને કવિતાના કેફમાં બોલાઇ જવાયું: ‘આ છે મારા વેલડાનો હાંકનાર!’ આવું સાંભળતા શંકરસંગ માથે જાણે વીજળી પડી. તે હડફ કરતા ઊભા થઈને કહે: ‘હું કોણ છું, ઇ એની માને પૂછો!’ અરવલ્લીની પર્વતમાળા ખળભળી. દીવાની ડાયરો દરિયા જેમ ડહોળાયો. સઘળું હાલકડોલક થઇ ઊઠ્યું. ચતુર સુઝાણ નવાબ પળના પા ભાગમાં પારખી ગયા. એને પેદા કરનાર, પાળી-પોષી ઉછેરનાર સગા બાપને આવું બોલે એ રજવાડા માટે પણ ઘસાતું બોલે. નવાબથી સહેવાયું નહી. કહે: ‘કવિરાજ! વિદ્યા મળી પણ તમને ફળી નહી.’ સભામાં સોપો પડી ગયો. ‘વાણી ને વર્તન એક ન હોય ઇ કવિતા કુચા બરાબર કહેવાય!’ હડફ કરતા ઊભા થઇ ગયા. પછી મોં ફેરવીને કહે:‘બાપને ચાકર-નોકર કહેનારાને જગતમાં કોઇ ના સંઘરે...જા, ચાલ્યો જા...'
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો