તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ કોઈ પાંપણો ઢળ્યા ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ કોઈ પાંપણો ઢળ્યા ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું
પ્રોસત્યકામ પોતાની કરિયરનું પ્રથમ લેક્ચર આપવા માટે કૉલેજના વર્ગખંડમાં પ્રવેશ્યા. માત્ર પચીસ જ વર્ષની તરોતાજા યુવાની. માપસરની ઊંચાઇ. કસાયેલું શરીર. કસરતી ભૂજાઓ. ગોળ, ભાવપૂર્ણ ચહેરો, નિર્મળ પાણીદાર આંખો. ટૂંકા કપાવેલા અને માથામાં તેલ નાખીને ઓળેલા વાળ. મક્કમ, આત્મવિશ્વાસભરી ચાલ.
વર્ગખંડમાં પિનડ્રોપ શાંતિ પથરાયેલી હતી. પ્રો. સત્યકામે ડાયસ પર જઇને સામે બેઠેલા સ્ટુડન્ટ્સનું અભિવાદન કર્યું, ‘જય હિંદ! વંદે માતરમ્!’

જવાબમાં છોકરાઓએ હુરિયો બોલાવ્યો. વિદ્યાર્થિનીઓએ મોં આડે હાથરૂમાલ દબાવીને ખિખિયાટા કર્યા. પાછલી બેન્ચ પરથી કોઇએ ઇલકાબ આપ્યો: ‘વેદિયો....!’
પ્રો. સત્યકામ થોડીક ક્ષણો સુધી શાંતિથી ઊભા રહ્યા. એમની અદબ વાળીને ઊભા રહેવાની સ્વામી વિવેકાનંદ જેવી મુદ્રા અને ચહેરા પરથી છલકતી સ્વસ્થતા જોઇને ધીમે ધીમે ઓરડામાં ઊઠતો શોર શમી ગયો.
પ્રો. સત્યકામે  બોલવાનું શરૂ કર્યું: ‘મિત્રો, તમે સાચા છો. હું વેદિયો છું. પણ મને વેદિયો કહેનાર એ મહાન આત્માને એટલી ખબર છે ખરી કે વેદિયો કોને કહેવાય છે? વેદિયો એટલે વેદ જાણનાર. હા, હું વેદિયો છું; મેં વેદો વાંચ્યા છે. અને મને એ વાતનું ગૌરવ છે. આ  મહાન આર્યાવર્તમાં જન્મેલો હું જો વેદ નહીં વાંચું તો બીજું શું વાંચીશ? મને જિંદગીમાં ક્યારેય પશ્ચિમી સંસ્કૃતિ કે શિષ્ટાચારોની ગરજ પડી નથી. ‘વંદે

માતરમ્’ કે ‘જય હિંદ’ કે ‘જયશ્રી કૃષ્ણ’ બોલવામાં જ મારું સંપૂર્ણ અભિવાદન સમાઇ જાય છે.’
વર્ગખંડમાં જે ઉપહાસભરી ખામોશી હતી તે હવે આદરપૂર્ણ શાંતિમાં પરિવર્તિત થઇ ગઇ.
‘મિત્રો, હું ભારતીય પરંપરાનો વિદ્યાર્થી રહ્યો છું અને આજથી ભારતીય પરંપરાનો શિક્ષક બની રહ્યો છું. બચપણથી હું સવારે વહેલાં ઊઠીને ભારતીય સાંસ્કૃતિક વાદ ધરાવતી સંસ્થામાં જઇને ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમે’ ગાતાં-ગાતાં જુવાન થયો છું. મારા આદર્શ પુરુષો આપણી હિંદી ફિલ્મોના પડદા પર વિકૃતિનો ઉકરડો ઠાલવતા અભિનેતાઓ નથી; મારા આદર્શ પુરુષો ભગતસિંહ, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ છે.

હું તમને આજથી વર્લ્ડ હિસ્ટ્રી ભણાવવાનો છું, પણ એની સાથે સાથે આપણા મહાન દેશનો ગૌરવવંતો ઇતિહાસ પણ અવશ્ય ભણાવવાનો છું. હમણાં ત્રણ મિનિટ્સ પહેલાં મારા મુખેથી ‘વંદે માતરમ્’ સાંભળીને તમે હસ્યા હતા એનાથી મારું અપમાન નથી થયું; પણ અપમાન એ અનગિનત જવાંમર્દોનું થયું છે જેઓ ‘વંદે માતરમ્’ના નારા સાથે ફાંસીના ફંદા પર ઝૂલી ગયા હતા. મારે તમને....’
પ્રો. સત્યકામ એની અસ્ખલિત ઓજસ્વી વાણીમાં પૂરી પિસ્તાળીસ મિનિટ્સ સુધી બોલતો રહ્યો. એનો ઘઉંવર્ણો ચહેરો આવેશના કારણે રક્તિમવર્ણો બની ગયો. એની આંખોમાં પુણ્યપ્રકોપની લાલ ચિનગારી ઝબૂકી ઊઠી.

એવું લાગતું હતું જાણે વિરાટ માનવ-મેદની સમક્ષ પ્રાચીન ભારતભૂમિના મહાન ઇતિહાસનો કોઇ ઉદ્દગાતા પ્રવચન આપી રહ્યો હોય!
જ્યારે ‘લેક્ચર’ પૂર્ણ થવાનો સંકેત આપતો ‘બેલ’ વાગ્યો ત્યારે જ શબ્દ-સમાધિમાં ગરકાવ બની ગયેલો વર્ગખંડ પુન:ભાનમાં આવ્યો. પ્રો. સત્યકામે જવા માટે પગ ઉપાડ્યો એ સાથે જ વિદ્યાર્થીઓએ તાળીઓ પાડવાનો પ્રારંભ કર્યો.

તમામ સ્ટુડન્ટ્સ પોતાના સ્થાન પર ઊભા થઇ ગયા. આ વખતે સ્વયંભૂ સમૂહનાદથી હવા ગુંજી ઊઠી: ‘જય હિંદ... વંદે..... માતરમ્.....!’
પ્રથમ દિવસથી જ સત્યકામની શાખ જામી ગઇ. પછી તો એવી પરંપરા બની ગઇ કે જ્યારે એનું વ્યાખ્યાન હોય ત્યારે એ વર્ગના તમામ વિદ્યાર્થીઓ તો હાજર રહે જ, પરંતુ અન્ય વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓ પણ પોતાનો ક્લાસ છોડીને સત્યકામ સરનું લેક્ચર સાંભળવા માટે આવી જતા હતા.

પ્રો. સત્યકામ અપરિણીત હતા. પણ એની સંસ્કારિતાની સુવાસથી ખેંચાઇને સારા-સારા ઘરની દીકરીઓનાં માગાં એના માટે આવવા માંડ્યાં. એ બધામાં બહારગામની એક સુયોગ્ય કન્યા જોઇને સત્યકામનાં મમ્મી-પપ્પાએ એનું લગ્ન કરી આપ્યું.  સલોની પત્ની બનીને ઘરે આવી, એ પછી સત્યકામને સમજાયું કે એણે જીવનસાથી પસંદ કરવામાં મોટી થાપ ખાધી છે. એનાં દિલ-દિમાગ પર કામનાઓનું ભૂત સવાર હતું. એનાં કપડાં, એની રુચિ-અરુચિ, એની ખાણી-પીણી, વાણી-વર્તન ભારતીય પરંપરાઓની સાથે જરા પણ સુસંગત નહોતાં.

એક દિવસ સલોની સ્નાન કરવા બાથરૂમમાં ગઇ અને એનો સેલફોન બેડ પર ભૂલી ગઇ. સત્યકામ બેડરૂમમાં જ હાજર હતો. અચાનક ફોન રણક્યો. સત્યકામે રિસીવ કર્યો, ‘કોણ? એનો અવાજ સાંભળીને ફોન કપાઇ ગયો. કુતૂહલવશ સત્યકામે મેસેજીસના ખાનામાં જઇને જોયું તો એ જ નંબર પરથી સલોની પર સેંકડો મેસેજીસ આવેલા હતા. આઘાતની વાત એ હતી કે સલોનીએ પણ સામે જવાબો આપેલા હતા.
સલોની સ્નાન પતાવીને બહાર આવી. સત્યકામે પૂછ્યું: ‘આ કોણ છે?’

‘એ મારો જૂનો લવર છે.’ સલોનીએ જરા પણ લાજશરમ વગર કહી દીધું: ‘તારી સાથે લગ્ન કરતાં પહેલાં પણ હું એને મળતી હતી અને અત્યારે પણ અમારું મળવાનું ચાલુ જ છે.’
‘મારા ઘરમાં આવું નહીં ચાલે.’ ‘કેમ નહીં ચાલે? તું પાંચ હજાર વર્ષ પહેલાંના ભારતનો પુરુષ છે; હું એકવીસમી સદીની સ્ત્રી છું. જો તું જરા પણ મને રોકવાનો પ્રયત્ન કરીશ તો હું તને હેરાન-પરેશાન કરી દઇશ.’
સત્યકામ વિવશ બનીને જોતો રહ્યો અને સલોની એના ફાગણિયા ખેલ ખેલતી રહી. એક દિવસ એના ફેમિલી ડૉક્ટર એક જગ્યાએ મળી ગયા. સત્યકામને જોઇને પૂછવા લાગ્યા, ‘કેમ છો પ્રોફેસર? મજામાં?

તમારી વાઇફને હવે કેવું છે?’
સત્યકામ ગૂંચવાયો, ‘મારી વાઇફને? એને શું થયું છે?’
‘અરે, તમને યાદ નથી? સલોનીને તો ગુપ્તરોગ....?’ આટલું બોલ્યા પછી ડૉક્ટરને ભાન થયું કે પોતે બાફ્યું છે; એ અટકી ગયા.

સત્યકામે ઘરે આવીને ખાંખાંખોળાં કર્યાં. સલોનીના કબાટના ખાનામાંથી મેડિકલ રિપોર્ટ્સની ફાઇલ મળી આવી. સત્યકામ ડઘાઇ ગયો. ક્યાં એના સંસ્કાર? ક્યાં એનો સંસ્કૃતિ પ્રેમ? ક્યાં એનું ચારિત્ર્યપાલન? અને ક્યાં એના નસીબમાં લખાયેલી આવી હીન સ્ત્રી???
સલોનીને જ્યારે ખબર પડી કે એના પતિને બધી ખબર પડી ગઇ છે ત્યારે એ બેગ લઇને પિયર ભેગી થઇ ગઇ. પાછી આવી જ નહીં. વકીલની નોટિસ મોકલાવી દીધી: ડોમેસ્ટિક વાયોલન્સ અને દહેજ ઉત્પીડનની કલમો લાગુ પાડતી ફરિયાદો અદાલતમાં દાખલ કરાવી દીધી.

કૉલેજમાં વિદ્યાર્થીઓને પણ થોડું ઘણું સમજાવા માંડ્યું, ‘સર ભણાવે છે તો દિલથી પણ આજ-કાલ ક્યાંક ખોવાયેલા લાગે છે. પહેલાંની જેમ સોળે કળાએ ખીલતા નથી.’
કૉલેજમાં પ્રો. સત્યકામની લોકપ્રિયતા પહેલાંની જેવી જ હતી. છોકરાઓ એમની સાથે દેશભક્તિના કાર્યક્રમોમાં ખભેખભા મિલાવીને સાથ આપતા હતા. છોકરીઓ માટે પણ ‘સત્યકામ સર’ એટલે આસ્થાનું કેન્દ્ર હતા.

એક દિવસ ફર્સ્ટ યરની એક સ્ટુડન્ટ નામે મૌલી ડરતી, ધ્રૂજતી, સંકોચાતી, પ્રો. સત્યકામ પાસે આવી. સમય જોઇને આવી હતી. સ્ટાફ રૂમમાં માત્ર સત્યકામ સર એકલા જ હાજર હતા.
‘બોલ, શું છે?’ પ્રો. સત્યકામે પૂછ્યું.
સર, હું ખૂબ મોટી મુસીબતમાં ફસાઇ ગઇ છું. મારી પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો રસ્તો બચ્યો નથી.’

‘તું શાંતિથી બધી વાત કહે; જગતમાં એવી કોઇ સમસ્યા નથી જેનો કોઇ ઉકેલ ન હોય.’
‘સર, હું એક ફરેબીની લવ-જાળમાં ફસાઇ ચૂકી છું. એણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું. એણે પોતાનું સાચું નામ છુપાવ્યું, પોતાનો ધર્મ છુપાવ્યો. હવે એ મને બ્લેકમેઇલ કરે છે. મને હમણાં જાણવા મળ્યું કે એ તો પરણેલો છે અને ત્રણ બચ્ચાંનો બાપ છે.’

‘સમજી ગયો. તેં એની સાથે લક્ષ્મણરેખા ઓળંગી છે?’
‘હજુ સુધી તો નહીં. પણ એની પાસે મોબાઇલ ફોનમાં મારા મેસેજીસ છે. ચેટિંગ છે. મારા કેટલાક અશોભનીય ફોટોગ્રાફ્સ છે.  આ બધાના આધારે એ મને દબાવી રહ્યો છે.’
પ્રો. સત્યકામે હિંમત બંધાવી, ‘ચિંતા છોડી દે. મેં આવા કંઇક લંપટોને સીધા દોર કર્યા છે. તું ભણવામાં ધ્યાન આપ. હું એની ઉપર ધ્યાન આપું છું. હવે પછી એ તને ભૂલી જશે.’
 
ખરેખર એવું જ થયું. પેલા મજનૂભૈયા બીજા દિવસથી એ કૉલેજમાં તો ઠીક, પણ એ શહેરમાં દેખાતા બંધ થઇ ગયા. મૌલી આવીને આંખોમાંથી સરતાં જળથી ‘સર’નાં ચરણોનો અભિષેક કરી ગઇ.
વર્ષો પસાર થઇ ગયાં. પ્રો. સત્યકામ અને સલોનીનો કેસ અદાલતમાં ચાલતો જ રહ્યો. તારીખ પે તારીખ. તારીખ પે તારીખ. પણ છેવટે જ્યારે દલીલો શરૂ થઇ ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી ગયું.

જજ સાહેબે ચુકાદો જાહેર કર્યો, ‘કેસનો સમગ્રતયા અભ્યાસ કરતાં ફરિયાદીની વાત સત્યથી વેગળી માલૂમ પડે છે. મોબાઇલના પુરાવા, ફેમિલી ડૉક્ટરની ગવાહી અને પૂર્વપ્રેમીની ઊલટતપાસ કરતાં અદાલત એવા નિર્ણય પર આવે છે કે...’
પ્રો. સત્યકામ તમામ આરોપોથી બાઇજ્જત બરી થઇ ગયા. પછી તો સાવ આસાનીથી એમને છૂટાછેડા પણ મળી ગયા. પણ આ બધામાં એમની જુવાનીનાં સોનેરી વર્ષો બરબાદ થઇ ગયાં. એમનાં માતા-પિતા પણ હવે વૃદ્ધાવસ્થામાં જીવી રહ્યાં હતાં. એમને એક જ વાતની ચિંતા સતાવતી હતી, ‘અમારો પુત્ર આટલો સંસ્કારી અને તેજસ્વી છે તો પણ એ હવે પત્ની વગરનો જ રહી જશે?’

એક દિવસ મૌલી સામે ચાલીને સત્યકામ પાસે પ્રસ્તાવ લઇને આવી, ‘તમે મને મૃત્યુમાંથી બચાવી છે; હવે નવી જિંદગી પણ તમારે જ આપવી પડશે. હું તમારી સાથે લગ્ન કરવા ઇચ્છું છું.’
‘મૌલી, તું મારાથી દસ વરસે નાની છું.’
‘તો શું થઇ ગયું? હું શરીર જોઇને તમારી પાસે નથી આવી, સંસ્કારો જોઇને આવી છું.’
(સત્યઘટના. પ્રો. સત્યકામ અને મૌલી ટૂંક સમયમાં લગ્ન કરવાનાં છે.)
(શીર્ષક પંક્તિ : ‘ગની’ દહીંવાલા)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો