તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન પૂછ કેમ સુગંધિત આ હૃદયની માટી છે, ભીની ભીની ઘણી ઈચ્છાઓને મેં ત્યાં દાટી છે!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિ.રામ લાખાણી તાપસનો ફોટો જોઇને ચોંકી ગયા. આ તો બીજો બ્રિજમોહન! પણ બધા તો કહે છે કે બ્રિજ મારા જેવો જ દેખાતો હતો. તો આ પણ શું...?
સમગ્ર ઉદ્યોગજગતમાં હાહાકાર પ્રસરી ગયો. કેમ ન પ્રસરે? સમાચાર જ એવા હતા. બ્રિટનમાં મોટું અને જાણીતું કોર્પોરેટ હાઉસ ધરાવતા બિઝનેસમેન મિ. રામ લાખાણીના એકના એક પુત્રનું વાહન અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું હતું. રામ લાખાણી મૂળ ભારતીય નાગરિક હતા. છેલ્લાં ત્રીસેક વર્ષથી બ્રિટનમાં આવીને વસ્યા હતા. સાહસ, મહેનત અને સંઘર્ષ કરીને અબજોપતિ બન્યા હતા. એમના નામે અનેક જાતના વેપારો ધમધમતા હતા. લંડનના પોશ એરિયામાં કોઇ અંગ્રેજનો ન હોય એવો વિશાળ એમનો બંગલો હતો. યુરોપભરમાં એમની માલિકીના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની શૃંખલા ફેલાયેલી હતી. એમના દસેક જેટલાં વહાણો સાગરમાં તરી રહ્યાં હતાં. એક એક જહાજની કિંમત દસથી વીસ કરોડ રૂપિયા થતી હતી. સાતથી આઠ હજાર માણસો એના સ્ટાફમાં હતા. એનું વાર્ષિક ટર્ન ઓવર ફિફ્ટી હંડ્રેડ થાઉઝન્ડ યુરો હતું.

બ્રિજમોહન એમનો એક માત્ર દીકરો હતો. અબજોની સંપત્તિનો વારસદાર. એમના વ્યાપારી સામ્રાજ્યનો ભાવિ કર્તાહર્તા. આજે એ જ અકાળે અવસાન પામ્યો હતો. રામ લાખાણીના વિલાપનો અને વલોપાતનો કોઇ પાર રહ્યો ન હતો. એમને દિલાસો આપવા માટે પરિચિતોની કતાર જામી હતી. કોઇ આપસમાં ગણગણતું હતું: ‘મારા મતે તો રામભાઇએ ભૂલ જ કરી નાખી. જુવાન દીકરાને ભણવા માટે અમેરિકા મોકલવાની જરૂર જ શી હતી?’

જવાબ મળ્યો: ‘એમાં ભૂલ શેની? દુનિયાભરમાંથી છોકરા-છોકરીઓ ભણવા માટે અમેરિકા અથવા બીજા દેશોમાં જાય જ છે ને! આ બધું તો નસીબમાં લખ્યું હોય તે પ્રમાણે થાય!’
‘અરે, પણ રામભાઇનો પોતાનો બિઝનેસ જ એવો જામેલો છે કે જો ધાર્યું હોત તો બ્રિજને જાતે જ પલોટી શક્યા હોત; બિઝનેસના પાઠો શીખવા માટે બીજે મોકલવાની જરૂર જ ક્યાં હતી?’
‘મોકલવો પડે, ભાઇ! કહેવત છે ને કે પારકી મા કાન વીંધે!’

‘પણ અહીં તો આખે આખો દીકરો જ વધેરાઇ ગયો. હવે રામભાઇને જીવવામાં ક્યો રસ બાકી રહેશે?’
બંગલાના વિશાળ ખંડમાં સફેદ વસ્ત્રોમાં શોકગ્રસ્ત બનીને બેઠેલા શેઠશ્રી રામ લાખાણી પણ દીકરાની તસવીરને વળગીને વિલાપ કરતા કરતા આવું જ બોલી રહ્યા હતા, ‘ભાઇ! બેટા! તું પાછો આવી જા! તારા વગર એક પળ પણ જીવવું મારા માટે અઘરું છે. મારી તમામ સંપત્તિ કોઇ લઇ લો, પણ મારો દીકરો મને પાછો આપો! હે ભગવાન, તેં મને રાતોરાત ગરીબ કરી મૂક્યો.’

રામ લાખાણીનું આક્રંદ જોઇને માણસો તો શું, પણ જડ ભીંતો યે રડી ઊઠી! સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે સ્વજનના અવસાન પછી એક-બે મહિના માટે પરિવારજનો રડતાં રહે છે; પછી ધીમે ધીમે રોજિંદી જિંદગીમાં ખોવાઇ જાય છે. દુ:ખનું ઓસડ દા’ડા! સમય જેવો અકસીર મલમ બીજો કોઇ નથી. રામભાઇ પણ સમય જવાની સાથે પુત્રના મૃત્યુના શોકમાંથી બહાર આવતા ગયા. પણ એમની સ્થિતિ અન્ય પિતાઓ કરતાં જરાક અલગ હતી. જરાક જ જુદી. આઘાત અને દુ:ખની માત્રા તો બધા પિતાઓની એક સરખી જ હોય છે, પણ અહીં વાત વારસો જાળવવાની પણ હતી.

અબજો ડોલર્સની જાયદાદ હવે કોણ સંભાળશે? શેઠ રામભાઇ તો સંસાર ત્યાગીને સાધુ થઇ જવાનો વિચાર કરી રહ્યા હતા. એમની કંપનીના એચ.આર. ડિપાર્ટમેન્ટના મેનેજર મિ. નાયરને એમણે કહી પણ દીધું હતું: ‘નાયર, મને જીવવામાંથી રસ ઊડી ગયો છે. મારું ચાલે તો બધો વેપાર-ધંધો સંકેલીને હિમાલય ચાલ્યો જાઉં.’
‘સર, તો પછી આપણા હજારો કર્મચારીઓનું શું થશે? આપના કારણે કેટલા બધા લોકોના ઘરમાં ચૂલો જલતો રહે છે એમનો તો વિચાર કરો.’

‘એ વિચારીને તો હું પાછો પડું છું. આમ પણ ધંધામાંથી મારું મન છ એક મહિનાથી સાવ જ ઊઠી ગયું હતું. હું વિચારતો હતો કે બ્રિજ ભણી-ગણીને તૈયાર થઇને અમેરિકાથી પાછો ફરે એટલે હું બિઝનેસ એને સોંપી દઇને નીકળી જ જવાનો હતો; પણ ઇશ્વરે કંઇક જુદું જ ધાર્યું હશે.’
આ પ્રશ્ન દિવસો સુધી રામભાઇના મનમાં ઘોળાતો રહ્યો. એક તરફ સંસારત્યાગની તીવ્ર ઇચ્છા હતી અને બીજી તરફ ઉત્તરાધિકારીનો અભાવ હતો.

આખરે એક દિવસ રામભાઇના દિમાગમાં ઝબકારો થયો. એમણે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને અને એચ.આર.ડી. મેનેજર નાયરને બોલાવ્યા. ચર્ચા શરૂ કરી.
‘મિ. સ્મિથ! મિ. નાયર! હું એક નિર્ણય પર આવ્યો છું.’

‘યસ સર!!’ ડ્યુએટમાં હોંકારો સંભળાયો.
‘આપણે મારા વારસદારની તલાશ કરીએ.’
‘એ કેવી રીતે, સર?’
‘ન્યૂઝ પેપર્સમાં જાહેરાત આપીએ. ટી.વી. પર અને સોશિયલ મીડિયામાં પણ વાત વહેતી કરો. પણ મારી બે-ત્રણ શરતો રહેશે.’
‘સર!’

‘મારો વારસદાર યુવાન હોવો જોઇએ. આવડતવાળો હોવો જોઇએ. ચબરાક અને ચપળ હોવો જોઇએ. બધાને સાથે લઇને ચાલી શકે તેવો હોવો જોઇએ. ભલો અને ઉદાર હોવો જોઇએ. મારી સંપત્તિની લાલચ ધરાવતો ન હોય પણ આ સંપત્તિનો પોતે ટ્રસ્ટી હોય તેવી ભાવના ધરાવતો હોય એવા કોઇ યુવાનને તમે શોધી કાઢો.’
‘બસ? આટલું જ ને? આવો યુવાન તો દુનિયામાંથી ગમે ત્યાંથી...’

‘ના, ગમે ત્યાંથી નહીં ચાલે. મારી છેલ્લી શરત સાંભળી લો. એ યુવાન ભારતનો જ હોવો જોઇએ. અને બને ત્યાં સુધી એ કોઇ ધનવાન કુટુંબનો નબીરો ન હોવો જોઇએ. મારો બ્રિજ ધનવાન બાપનો બગડેલો દીકરો હોવાના કારણે જ શરાબ પીને ગાડી ચલાવવામાં...’ રામભાઇની આંખો છલકાઇ ઊઠી.

ભારતમાં પણ રામભાઇની કંપનીની ઓફિસ આવેલી હતી. તરત જ માણસો કામે લાગી ગયા. ઉમેદવારોનો મેળો જામ્યો. રોજના સો-સો જુવાનિયાઓના ઇન્ટર્વ્યૂઝ લેવાવા માંડ્યા. પૂરા પંદર દિવસની મહેનતના અંતે મુંબઇની ઓફિસમાંથી મિ. જગત ઉદવાડિયાનો ઇ-મેલ આવ્યો.

મિ.જગત લખતા હતા: ‘ રિસ્પેક્ટેડ રામ સાહેબ, લગભગ દોઢ હજાર ઉમેદવારોની પૂછપરછ બાદ એક યુવાન એવો મળી આવ્યો છે જે તમારી અપેક્ષાઓમાં સો એ સો ટકા ખરો ઊતરે છે. એનું નામ છે તાપસ. મને સૌથી વધુ ગમી ગયેલી વાત એ છે કે તાપસ દેખાવમાં અસલ આપણા સ્વ. બ્રિજભાઇ જેવો જ લાગે છે. આપ પણ જોઇને બોલી ઊઠશો કે મારો બ્રિજ પાછો જીવતો થઇને આવી ગયો! આપના માટે હું એનો બાયોડેટા અને એનો એક ફોટો પણ મોકલી રહ્યો છું. આપના નિર્ણયની પ્રતીક્ષા કરું છું.’

મિ.જગતે તાપસનો ફોટો પણ મોકલ્યો હતો અને સાથે એનું રેસિડેન્શિયઅલ એડ્રેસ તેમજ ટેલિફોન પણ.
મિ.રામ લાખાણી તાપસનો ફોટો જોઇને ચોંકી ગયા. અરે! આ તો જાણે બીજો બ્રિજમોહન! પણ બધા તો કહે છે કે બ્રિજ મારા જેવો જ દેખાતો હતો. તો આ પણ શું...?

એક ઝબકારો થયો અને પળવારમાં વિલાઇ ગયો. ના! ના! એ તો કેવી રીતે હોઇ શકે? એ તો ક્યારની સ્વર્ગભેગી થઇ ગઇ...!!
રામ લાખાણી લંડનના ડાઉનટાઉનમાંથી ઊંચકાઇને અમદાવાદની એક પચીસ-ત્રીસ વર્ષ પહેલાંની પોળમાં પહોંચી ગયા. નવરાત્રિના દાંડિયાના તાલ અને ઢોલના અવાજો સંભળાવા માંડ્યા.
‘એ....ઇ.....! દેખાતું નથી? દાંડિયો જોઇને માર ને! મારા હાથ પર વાગ્યો!!’ એક રૂપાળી છોકરીનો ગુસ્સાથી તમતમતો અવાજ સંભળાયો.

માફી માગવાને બદલે જુવાન રામે ટોણો માર્યો, ‘એટલા બધા નાજુક હો તો ઘરમાં બેસી રહો ને! દાંડિયા રમવા આવો તો વાગે પણ ખરું!’
દાંડિયાનો માર યુવતીના હાથ પર વાગ્યો હતો પણ આ ટોણાની ચોટ એના દિલ પર વાગી ગઇ. પછીની નવરાત્રિ બંને માટે પ્રેમરાત્રિઓ બની ગઇ. એક દિવસ સવારના પહોરમાં પ્રિયાને ઊલટીઓ થવા માંડી એની માને વહેમ પડ્યો. ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું. ઘરમાં હાહાકાર મચી ગયો.

એ પછી પોળમાં કોઇએ પ્રિયાને ક્યારેક જોઇ નહીં. શાંતામાસી સમાચાર લઇ આવ્યાં: ‘છોડી છિનાળ હતી એટલે એના બાપે અને કાકાઓએ ભેગા થઇને એને મારી નાખી. કટકા કરીને ભોંમાં દાટી દીધી.’
એ પછી રામ લાખાણી દેશ છોડીને ચાલ્યા ગયા. આજે આટલા વરસે આ ચહેરો, તાપસનો ચહેરો, એના ભૂતકાળની કંઇ કેટલીક શક્યતાઓ લઇને એમની સામે આવી ગયો હતો. રામભાઇએ ફોન નંબર વાંચ્યો. બબડ્યા: ‘હં....મ...! લેન્ડ લાઇનનો નંબર છે. લાગે છે કે ઘરની હાલત બહુ સારી નહીં હોય’ એમણે લોંગ ડિસ્ટન્સ કોલ લગાડ્યો. સામેથી કોઇ ખાંસતી સ્ત્રીનો થાકેલો અવાજ સંભળાયો, ‘કોણ? તમારે તાપસનું કામ છે ને? એ તો બહાર ગયો છે? કંઇ કહેવાનું છે એને? તમારું નામ?’

એક ઊંડો શ્વાસ છાતીમાં ભરીને રામ લાખાણી બોલ્યા, ‘પ્રિયા! તું? તું જીવે છે? મારે તારું જ કામ છે. હું રામ બોલું છું. વરસો પહેલાં નવરાત્રિમાં મેં એક પાપ કર્યું હતું. સમાજથી ખાનગીમાં તને એક દીકરો આપ્યો હતો; આજે તું એક પુણ્યનું કામ કરીશ? સમાજના દેખતાં એ દીકરો મને પાછો આપીશ?’ ફોનની લાઇન જાણે કદંબની ડાળી બની ગઇ અને બે છેડા બની ગયા શ્યામ અને રાધા!!
અન્ય સમાચારો પણ છે...