તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૈં અગર ડૂબ કે ઊભરું તો સહારા દેના, કભી આના તો હલ્કા સા ઇશારા દેના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અભિનવે જીપની બારીનો કાચ નીચે ઉતાર્યો. જાણે ઝાપટ વાગતી હોય તેવી વરસાદી વાછટ એના જમણા ગાલ પર ધસી આવી. આવા તોફાની વરસાદમાં પૂછવું તો પણ કોને કે, ‘મને ગોરધનદાસ એસ્ટેટ તરફ જવાનો રસ્તો બતાવો.’
‘જાય છે. જાવ તમતમારે! મારે શું? આજકાલના જુવાનિયા બે ચોપડી ફાડે એટલામાં તો ભૂતનીયે મશ્કરી કરતા થઈ જાય!’ પેલો માણસ બબડતો રહ્યો

પાણીની દીવાલની આરપાર એક આદમીનો આકાર દેખાયો. સસ્તા પ્લાસ્ટિકનું આવરણ ઓઢીને કોઇ ગરીબ માણસ પગપાળા ચાલતો જઇ રહ્યો હતો. અભિનવે બૂમ પાડવા જેવા અવાજમાં પૂછ્યું, ‘એ ભાઇ.....!’ પેલો ઊભો રહી ગયો. અભિનવે પૂછ્યું, ‘મારે ગોરધનદાસ એસ્ટેટ જવું છે. આ રસ્તે થઇને જવાશે ને?’

‘હા, જવાશે તો ખરું, પણ અત્યારે નહીં.’
‘કેમ? રસ્તો બંધ છે?
‘રસ્તો તો ખુલ્લો છે, પણ વચ્ચે એક બેઠો પુલ આવે છે ત્યાં જરાક સાચવવા જેવું છે.’
‘શું સાચવવું પડેે? નીચે વોંકળો છે? નદી છે? પાણી પુલની પરથી વહે છે? જીપ નહીં જઇ શકે?’
‘એ બધું તો ખરું જ, પણ....’

‘પણ શું એ કહોને, ભાઇ! મારે મોડું થાય છે અને સાંજ પણ થઇ ગઇ છે. આ અંધારામાં મને રસ્તો પણ સૂઝશે નહીં.’
‘આ રસ્તે ભૂત થાય છે.’
‘થાય છે મતલબ?’
‘લોકો વાત કરે છે.’
‘શું?’

‘કે આ રસ્તે આગળ જતાં એક પુલ આવે છે. વર્ષો પહેલાં આવો જ ધોધમાર વરસાદ પડ્યો હતો. અેમાં ઉપરવાસથી પાણીનું પૂર ધસમસી આવ્યું. એ પૂરમાં એક ગાડી તણાઇ ગઇ. ગાડીમાં એક જોડું હતું. એક યુવાન પુરુષ અને એની પત્ની. બંને તણાઇ મર્યાં. એ પછી ક્યારેક આવો વરસાદ પડે ત્યારે એ પુલ પર સ્ત્રીનું ભૂત...’

‘બકવાસ!’ અભિનવ બબડ્યો, ‘આ દુનિયામાં ભૂત-પ્રેત જેવું કંઇ હોતું જ નથી. નબળા માણસોના મનનો માત્ર વહેમ હોય છે. મને એટલું કહી દો કે આ રસ્તો ગોરધનદાસ એસ્ટેટ તરફ....?’

‘જાય છે. જાવ તમતમારે! મારે શું? રસ્તો તો જાય છે, પણ તમે જઇ શકવાના નથી. આજકાલના જુવાનિયા બે ચોપડી ફાડે એટલામાં તો ભૂતનીયે મશ્કરી કરતા થઇ જાય!’ પેલો માણસ આમ બબડતો, શરીર પરનું પ્લાસ્ટિક સંકોરતો રવાના થઇ ગયો. એક ક્ષણ માટે અભિનવ વિચારતો થઇ ગયો. પછી મન મક્કમ કરીને એણે ગાડી ચાલું કરી દીધી. આજે રાત સુધીમાં ગમે તેમ કરીને ‘એસ્ટેટ’માં પહોંચવું એના માટે જરૂરી હતું. એ જે કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો એના માલિકે તાકીદનું કામ સોપ્યું હતું, જે આવતી કાલે સવારે જ કરી દેવું પડે તેમ હતું. એમાં અચાનક આ વરસાદ નડી ગયો.

એક બાજુ ચેતવણી હતી, બીજી બાજુ ફરજ હતી. ભયમિશ્રિત રઘવાટ સાથે અભિનવે કારને પાણીમાં દોડાવી મૂકી. શહેર પાછળ રહી ગયું. માનવ-વસ્તી છૂટી ગઇ. હવે જ્યાં નજર પડે ત્યાં જળનું જ રાજ હતું. એકધારો વરસાદ સાંબેલાધારે વરસી રહ્યો હતો. રસ્તાઓ, ઝાડપાન, ટેકરાઓ, ટેલિફોનના થાંભલાઓ, ક્યાંક રડ્યાં-ખડ્યાં દેખાતાં મકાનો, બધું જ જાણે પાણીમાં રસબોળ!

અંધારું હવે ઘેરું થયું. હેડ લાઇટનો શેરડો પણ હવે મીણબત્તીની જ્યોત જેવો લાગી રહ્યો હતો. એવામાં અભિનવની નજર એક પાટિયા ઉપર જઇ પડી. કાર સાવ નજીક લઇ જઇને એણે લખાણ વાંચવાનો પ્રયત્ન કર્યો. હેડલાઇટના ઝાંખા-પાંખા પ્રકાશમાં વંચાયું: આગળ કાચો પુલ છે. ડેન્જર!

શરીરમાં કંપારી વ્યાપી ગઇ. પેલા માણસના શબ્દો સાંભરી આવ્યા. રસ્તામાં એક બેઠો પુલ આવશે. વર્ષો પહેલાં ત્યાં એક ગાડી...!

હિંમત એકઠી કરીને અભિનવે કારને આગળ ધપાવી. ફર્સ્ટ ગીઅરમાં ધીમે ધીમે પાણીને કાપતી કાર પાંચેક મિનિટ બાદ એ જગ્યાએ જઇ પહોંચી જ્યાંથી પુલની શરૂઆત થતી હતી. ‘ઓહ્ માય ગોડ!’ અભિનવના મોંમાંથી નીકળી ગયું: ‘આટલું બધું પાણી?!?’ એને ટી.વી. પર જોયેલા મધ્યપ્રદેશના અને ઉત્તરાખંડનાં પૂરનાં દૃશ્યો યાદ આવી ગયાં. ગંગા, જમુના કે બીજી નદીઓના ધસમસતાં વહેણમાં તણાઇ રહેલાં મોટાં મોટાં વાહનો આંખ સામે તરવરી રહ્યાં. શું કરવું? અહીંથી જ પાછા વળી જવું? કે આગળ...?

બોસની તાકીદ યાદ આવી ગઇ. કોઇ અકળ શક્તિની દોરવણી હેઠળ અભિનવે ગાડીને પુલ તરફ વહેતી મૂકી દીધી. પાણી હવે ગાડીના બારણામાં થઇને અંદર પ્રવેશી રહ્યું હતું. આવામાં જો એ બ્રેક મારે કે ક્લચ દબાવે તો કાર તરત જ બંધ પડીને ઊભી રહી જાય. કોઇ જાણકારે એને આવું કહ્યું હતું. અભિનવે કારના એક્સિલેટર પર પગ દબાવેલો જ રાખ્યો. પાણીનું જોર વધતું જતું હતું. લગભગ અડધું અંતર કપાયું હશે ત્યાં થથરી જવાય એવું દૃશ્ય જોવા મળ્યું પુલની રેલિંગ પકડીને એક ખૂબસૂરત યુવતી ઊભી હતી!!!

‘ઓહ! તો આ દુનિયામાં ભૂતનું અસ્તિત્વ છે એ વાત સાચી.’ અભિનવ ખરેખર ડરી ગયો. એણે ગાડીને દોડાવી મૂકી. બંધ કાચને વીંધીને પેલી યુવતીની ચીસ એના કાનમાં પડી: ‘ પ્લીઝ, સેવ મી. સ્ટોપ ધ કાર. ડોન્ટ રન અને પ્લીઝ... પ્લીઝ....હેલ્પ મી....!’

પણ ગાંડો હોય તો અભિનવ કારને ઊભી રાખે. એ તો સડસડાટ પાણીને વીંધીને પુલના સામા છેડા પર પહોંચી ગયો. હવે ગાડી પાણીના પ્રવાહમાંથી બહાર નીકળીને નક્કર રેતાળ જમીન પર આવી ઊભી હતી. અભિનવે ન્યૂટ્રલ ગીઅરમાં એન્જિન ચાલુ રાખીને ગાડી થંભાવી દીધી. પછી ડોકું ફેરવીને પાછળની દિશામાં નજર ફેંકી. વરસાદી દીવાલની આરપાર માત્ર અંધારું જ અંધારું હતું.

હવે અભિનવના દિમાગમાં સળવળાટ શરૂ થયો. એ છોકરી ખરેખર ભૂત હશે? જો હું રોકાયો હોત તો મને ભરખી ગઇ હોત? કે પછી મારી જેમ જ મજબૂરીની મારી આ પુલ પરથી પસાર થવા ગઇ હશે અને પાણીમાં ફસાઇ ગઇ હશે?

‘જે હોય તે પણ એ હતી અત્યંત ખૂબસૂરત.’ અભિનવે પળભર માટે જોયેલું એ ‘ભીનું’ યૌવન યાદ આવી ગયું. હેડલાઇટના મંદ પ્રકાશમાં ઘેરા બ્લુ રંગના સલવાર-કમીઝમાં કમનીય લાગતો એનો દેહ, વરસાદમાં ભીના થઇને ચીપકી ગયેલાં કપડાંમાંથી દેખાતા માદક ઉભારો, છુટ્ટા ભીના કેશ, મૃત્યુના ભયથી વિસ્ફારિત બની ગયેલી આંખો અને બચાવ માટે ઝંખતી, વીનવતી, રોકાઇ જવા માટે બાહુઓ પ્રસારતી એની દેહાકૃતિ! અભિનવને લાગ્યું કે જો એ યુવતી ભૂત હોય તો પણ અત્યંત રૂપાળું ભૂત હતી. આવી ખૂબસૂરતીને આ રીતે મરવા ન દઇ શકાય. એ હેન્ડબ્રેક ખેંચીને કારમાંથી બહાર નીકળ્યો. પગપાળા ચાલતો પાછો ફર્યો. રેલિંગને પકડીને પાણીમાં ઊતર્યો. ધીમે ધીમે એક એક ડગલું કાપતો પુલની મધ્યમાં પહોંચ્યો. પણ ત્યાં હવે ન તો કોઇ યુવતી હતી, ન એનો આવાજ સંભળાતો હતો.

અભિનવનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. નક્કી એ ભૂત જ હતું! એ પાછો ફરવા જતો હતો ત્યાં એનો પગ ક્યાંય અથડાયો. એક કણસાટ સંભળાયો: ‘પ્લીઝ... સેવ મી...! હેલ્પ મી...!’

રેલિંગનો સળિયો પકડીને બેહોશીની સરહદ પર પહોંચી ગયેલી યુવતીને અભિનવે બે મજબૂત હાથોમાં ઉઠાવી લીધી. હજુ જીવંત હતી. ધીમે ધીમે પ્રવાહને ચીરતો, હાંફતો, પૌરુષી શીના સાથે કોમળ વક્ષનું સાન્નિધ્ય અનુભવતો એ કાર સુધી પહોંચ્યો.

બારણું ખોલીને યુવતીને પાછળની સીટ પર સુવડાવી દીધી. પછી કાર દોડાવી મૂકી. વહેલું આવે ગોરધનદાસ એસ્ટેટ!
બીજા દિવસે સવારની ચા માણતી વખતે અભિનવ સામે બેઠેલી અકાટ્ય, અનવદ્ય, અનુપમ સૌદર્યાનાં મુખેથી એની વાત સાંભળી રહ્યો.

‘મારું નામ અનાયા. કાલે હું, પપ્પા અને મમ્મી ગાડીમાં જતાં હતાં. પપ્પા થાપ ખાઇ ગયા. ગાડી પાણીમાં ખાબકી પડી. હું જેમ તેમ કરીને બારણું ખોલીને બહાર નીકળી શકી. પપ્પા-મમ્મી ગાડીની સાથે જ...! હું ઉપરવાસથી તણાતી, ડૂબતી, પાછી સપાટી પર આવતી છેવટે આ પુલ સુધી આવી ગઇ. હિંમત કરીને રેલિંગ પકડીને...! બચાવ માટે ચિલ્લાતી રહી, પણ આવી મેઘલી રાતે મારી ચીસો કોણ સાંભળે? છેવટે ભગવાને તમારા રૂપમાં ફરિશ્તો મોકલી આપ્યો.’ આટલું કહીને અનાયા રડવા લાગી,’ પણ હવે મને થાય છે કે હું પણ તણાઇ મરી હોત તો સારું હતું. દુનિયામાં હવે હું એકલી પડી ગઇ. મારું કોઇ જ નથી. આ અફાટ વિશ્વમાં મારા જેવી સુંદર, જુવાન, એકલી યુવતી ક્યાં ક્યાં ભટકતી ફરશે?’

અભિનવે ચાનો કપ મૂકી દીધો. પછી પ્રેમપૂર્વક અનાયાનો હાથ પોતાના હાથમાં લીધો. વેણીભાઇ પુરોહિતની બે પંક્તિઓ રૂપની દિશામાં રવાના કરી દીધી: ‘આ આંખ ભટકતાં થાકી ગઇ, આ રૂપને પોરો ખાવો છે; આ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે’? અનાયાએ હસીને હથેળી દબાવી દીધી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો