તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અચાનક: ‘કેમ આજ ચૂપ?’ ‘સ્વરા તને એક ખાસ વાત કરવી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા બે દિવસથી એકધારો વરસાદ સાંબેલાધારે વરસી રહ્યો હતો. રસ્તા, મકાન, ઝાડપાન બધું જ પાણીમાં જળબંબાકાર હતું, પરંતુ રાત સાવ શાંત ભાસતી. દિવસભરના ધડાકા કડાકા પછી વરસાદ જાણે હાંફી રહ્યો હોય તેમ સાવ બંધ થઈ જતો. ચોપાસ એક નિ:સ્તબ્ધતા છવાઈ જતી. કાળું ધબ્બ આકાશ સાવ કોરું ધાકોર દીસતું. સ્વરા દિવસભર બારીમાંથી આ તોફાની વરસાદને કોસતી રહેતી. આવા તોફાનમાં બહાર ક્યાં નીકળાય! તેની સાહિર સાથેની મિલન મુલાકાત સાવ બંધ થઈ ગઈ હતી.
દિવસભર મેસેજીસ, ઇમોજીસ, ચેટિંગ બધું છતાં પણ દૂર પેલા ખંડેર પાછળની પાળ પર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સાહિરના હાથમાં હાથ ઝાલી ગાંડા ઘેલા પ્રેમાલાપ કરવાની એ લિજ્જત તો આ આધુનિક ટેક્નોલોજીમાં તેને ક્યાંથી આવે! છેવટે ત્રીજા દિવસે મેઘરાજે તેમનું રૌદ્ર સ્વરૂપ સંકેલ્યું ત્યારે સ્વરાને હાશ થઈ. એક્ટિવા પર સવાર થઈ તે આછી આછી ઝરમરમાં પેલા ખંડેર તરફ ઊપડી.

દૂરથી સાહિરની બાઇક ને તેની પર ગોઠવાયેલો સાહિર આજ ‘યલ્લો’ ટીશર્ટમાં તેને બહુ ‘ડેશિંગ’ લાગ્યો. એક્ટિવા પાર્ક કરી તે દોડી સાહિરને પાછળથી વળગી પડી. સાહિર ધીમું ધીમું મુસ્કરાઈ રહ્યો. બસ, આ જ તો એની સ્ટાઇલ હતી. સદાય શાંત, સૌમ્ય, ધીર ગંભીર ને સ્વરા ઊછળતી કૂદતી નદી જેવી, સદાય થનગનતા તેના પગ. સ્વરા તેની આંખમાં જોઈ રહી. આજની ઠંડક તેને કંઈ વધુ લાગી. એ ગંભીરતા પાછળ ડોકાઈ રહેલી ઉદાસીની આછી આછી ઝાંખી જાણે તેને થઈ ગઈ. આટલા વખતના વિરહ વિયોગ પછી આમ કેમ! સ્વરા મૂંઝાઈ, છતાં હસતું મોઢું રાખી વાત કરવા મનમાં નક્કી કર્યું.
‘જો તારી માનીતી આ ગરમ ચીઝી મકાઈ લાવ્યો છું.’

‘ને તું? મારા માટે આ રહી વેજી સેન્ડવિચ.’
બંને જણા ખંડેરના આગળના તૂટેલા સ્થંભને અઢેલાં પગથિયાં પર ગોઠવાયાં. થોડી વાર ચૂપકીદી છવાઈ ગઈ. દૂર મોરલો ટહુકતો હતો. આછાં આછાં વાદળો જાણે નિચોવી નિચોવીને રહ્યું સહ્યું પાણી ધરતી પર ઠાલવી રહ્યાં હતાં. ઘડીક રહી સ્વરાએ ટહુકો કર્યો, ‘કેમ આજ ચૂપ?’ ‘સ્વરા તને એક ખાસ વાત કરવી છે. મારે હવે જોબ માટે દિલ્હી સેટલ થવું પડશે.’ તો પછી તું ઘેર આવી પપ્પાને મળી આપણા વિશે વાત કરી જા.’ સ્વરા ઉત્સાહભેર બોલી.

‘મને લાગે છે હમણાં લગ્નની કંઈ વાત નહીં થાય. આમ પણ પપ્પાની તબિયત સાવ પથારીવશ છે. ને શું દરેક પ્રેમ લગ્નમાં જ પરિણમે એવું થોડું છે! આપણો તો ‘પ્લેટોનિક લવ’ છે.’
‘શું કહ્યું? એવા ‘પ્લેટોનિક લવ’ની વાત ના કર.’ સ્વરાની આંખમાં આંસુ ઝળક્યાં.

‘જો સ્વરા, પહેલી નજરે જ તું મારા હૃદયમાં વસી ગઈ છું ને એ સ્થાન પર બીજું કોઈ નહીં હોઈ શકે. કદાચ આપણાં લગ્ન ન થાય તો દૂરથી પણ તને ચાહતો રહીશ. દુ:ખી ન થા. મારે કાલે વહેલી સવારની ફ્લાઇટ છે એટલે હું નીકળું. તું પણ જલદી ઘેર પહોંચ.’ ‘કેમ આમ બોલે છે સાહિર? શું કોઈ બીજી... ના, ના, ના એવો તો વિચાર જ ના કરતી. ચલ, નીકળું.’ બાય : સાહિરે મુખ આડું ફેરવી લીધું, પણ વીજળીના ચમકારામાં તેની આંખોમાં ચમકી રહેલાં મોતી તે જોઈ શકી.

સ્વરા સ્તબ્ધ હતી! આમ અચાનક શું થયું આને. તેનો વિચાર આમ અચાનક કેમ બદલાઈ ગયો? ઘેર આવી સ્વરા રૂમમાં ભરાઈ ગઈ. થોડા દિવસો રડી. મેસેજીસ કર્યા, પણ સાહિર જાણે હવામાં જ ઓગળી ગયો. ધીરે ધીરે તેણે ભણવામાં મન પરોવ્યું ને બી.બી.એ.નું છેલ્લું વર્ષ પાસ કરી દીધું. સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ. તે વધુ ને વધુ સમય કામમાં વ્યસ્ત રહેતી. ભૂતકાળને ભૂલવા મથતી, પરંતુ સાહિરનું અચાનક બદલાયેલું વર્તન તેના માટે એક કોયડો બની ગયું. એ વરસાદી સાંજે જાણે તેનું જીવન બદલી નાખ્યું. પહેલાંની નટખટ, ચંચળ સ્વરા હવે ધીર ગંભીર બની ગઈ હતી. આ દરમિયાન લગ્ન માટે છોકરાને જોવાનું તે ટાળતી રહેતી. મમ્મી પૂછતી, ‘તારા મનમાં શું છે બેટા, કહે તો ખરી’ પણ સ્વરા ચૂપ રહેતી.

ત્રણ વર્ષ પછીની એક વરસાદી સાંજે તેણે બારી બહાર નજર કરી. આછા ઝરમર વરસાદમાં તેને ચાલવા જવાની ઇચ્છા થઈ. લાવ, ચાલતી મોલમાં જઈ ત્યાં કાફેટેરિયામાં બેસી ગરમ ગરમ કોફીની ચુસ્કી લઉં. આવા આહ્્લાદક વાતાવરણમાં તૈયાર થઈ તે બહાર નીકળી.
મોલ પહોંચી તે પગથિયાં ચઢી રહી હતી, ત્યાં જ સામેથી આવતી તેની કોલેજ સખી સોનાલી પર તેની નજર પડી, ‘ઓ, સોના’ તેના મુખમાંથી ઉત્સાહભેર આછી ચીખ નીકળી ગઈ. બંને ભેટ્યાં ને પછી કાફેટેરિયામાં એક ખૂણા પરના ટેબલ પર ગોઠવાયાં. ‘બોલ અહીં ક્યાંથી?’ ‘તું તો જાણે છે હું દિલ્હી સેટલ થઈ છું, આકાશ સાથે, પણ તારા શું સમાચાર છે?’

સ્વરાના મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ. ‘ચલ તને એક ખુશીના સમાચાર આપું.’ ઘડીભર સ્વરાની આંખમાં ચમક આવીને ગાયબ થઈ ગઈ. ‘સાહિરની ઓફિસ મારી ઓફિસ નજીક છે.’ સ્વરા ભાવશૂન્ય ચહેરે બેસી રહી. ‘અમારે બહુ ખૂલીને બધી વાતો થઈ. સાહિર જેને પપ્પા કહે છે તે તો તેના પાલક પિતા છે. બાળપણમાં તેમણે સાહિરને અનાથાશ્રમમાંથી ગોદ લીધો હતો, પણ છેલ્લા પાંચ વર્ષથી તેઓ પથારીવશ હતા ને સાહિર તેમની ખડે પગે સેવા કરતો હતો. છ મહિના પહેલાં જ તેમનો દેહાંત થયો. સાહિરે દિલ ખોલીને વાત કરી.
પ્રથમ નજરે જ તું તેના મનમાં વસી ગઈ હતી, પરંતુ તેને સદાય એવું લાગતું કે તારાં માતા-પિતા એનો સ્વીકાર નહીં કરે. દિવસે દિવસે તમારી વધતી જતી નિકટતા પ્રેમમાં પરિણમશે તે સમજતો હતો ને તેમાંથી બહાર નીકળવા ઘણું મથતો હતો, પરંતુ તેના માટે બહુ કપરું થતું જતું હતું. છેવટે તેણે નક્કી કર્યું બહારગામ ક્યાંક જોબને બહાને નીકળી જવું. તને કદાચ આઘાત લાગે, પણ જે સંબંધ લગ્ન સુધી ના પહોંચી શકે તેનો જલદીથી અંત લાવ્યા વગર છૂટકો નહોતો, પણ એક વાર તો મને ખૂલીને વાત કરવી જોઈતી હતી.’ સ્વરા અકળાઈ ઊઠી, ‘તેને હતું કે જે વ્યક્તિનાં કુળ, માતા-પિતા, ધર્મની બિલકુલ જાણ ના હોય તેને કોઈ પિતા પોતાની દીકરી જીવનભર માટે કઈ રીતે સોંપે. બસ, એટલે જ એણે અચાનક તારાથી દૂર જવાનો નિર્ણય લઈ લીધો.’

‘મારાં માતા-પિતા તો શિક્ષિત છે, માનવતાવાદી છે, તેઓ કદી અમારાં લગ્નનો વિરોધ ના કરત.’ તો હજુય ક્યાં મોડું થયું છે? હજુ પણ તે તને યાદ કરે છે. એટલો જ પ્રેમ કરે છે. લે એનો મોબાઇલ નંબર સેવ કરી દે.’ આજ સ્વરા કેટલાય વખતે મુક્તપણે હસી પડી. ‘બસ, હવે ઘેર જઉં કે વાત.’ ઝડપભેર તેનાં પગલાં ઘર ભણી ઊપડ્યાં, ન જાણે ક્યાંથી આટલું જોશ એના પગમાં આવી ગયું.

ઘેર પહોંચી તેણે રૂમનું બારણું બંધ કરી નંબર ડાયલ કર્યો. એ જ પૌરુષસભર ગંભીર સ્વર આજ કેટલા વખતે કાને પડ્યો, ‘હલો સાહિર, હું સ્વરા. આજ સોનાલી મને મળી ને સાથે તારો નંબર પણ. આટલી અમથી વાત માટે તું આપણા સંબંધનો અંત લાવવા માગતો હતો? મારાં માતા-પિતા કુળ, જ્ઞાતિ, ધર્મના ભેદભાવમાં બિલકુલ માનતાં નથી. માનવતા એ જ એમના માટે સાચો ધર્મ છે. આવી વ્યક્તિ માત્ર તું અનાથ હોવાને કારણે તારો અસ્વીકાર કરી શકે ખરી? હું ભાગ્યશાળી છું કે મારું કુટુંબ એવી સંકુચિત, રૂઢિવાદી માનસિકતાથી બિલકુલ પર છે.
તું એક સારો માણસ છે એ જ પૂરતું છે. તેઓ તારા ગુણ જોશે, કુળ નહીં ને હું માનું છું દરેક વ્યક્તિની માત્ર એક જ જાતિ છે, માનવ જાતિ ને એક જ ધર્મ છે, માનવતા. બોલ હવે પપ્પા પાસે તું ક્યારે આવે છે?’ ‘બસ, આજે જ નીકળું છું.’ સાહિરના શબ્દોમાં રહેલો આનંદનો ઉછાળ તેને કંઈક અનેરો લાગ્યો. તેનું રોમ રોમ પુલકિત થઈ ઊઠ્યું. શરીર લંબાવી તેણે આંખો મીંચી દીધી ને સ્વપ્નોની દુનિયામાં સરી પડી.
અન્ય સમાચારો પણ છે...