તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરમ હેત: આ બધાંની સાથે રહેવું હવે તો ખૂબ મુશ્કેલ બનતું જાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘હેલ્લો, હેત!
આજે જરા પણ મૂડ નથી મારો. એટલે તને ફોન કર્યો. મારા સંકટ સમયની સાથી એટલે તું જ તો! શું કરું એ જ કંઈ સમજાતું નથીને! આ બધાંની સાથે રહેવું હવે તો ખૂબ મુશ્કેલ બનતું જાય છે.
તને એમ થતું હશે કે એવો તે શું પ્રોબ્લેમ છે?

પ્રોબ્લેમ એટલો જ કે ઘરના લોકો એમનો અહમ્ છોડી નથી શકતા ને એમના કહેવાતો મોભો અને અભિમાન વચ્ચે લટકતો એ હું પરમ જ તો! ઘરમાં લોકોના વૈચારિક સંઘર્ષમાં પિસાતો–ઘસાતો–પરિસ્થિતિને સંતુલિત કરવાની કોશિશ કરતો, હું જ ઘંટીના બે પડની વચ્ચે ચગદાઈ રહ્યો છું. તે છતાં ઘરમાં કોઈને મારી પડી જ નથી. બસ એ લોકો એમના ‘હું’ને સાચવવામાં જ રચ્યાંપચ્યાં રહે છે. મન થાય છે કે બધાંને છોડીને બસ તારી પાસે આવી જાઉં, પણ એય ક્યાં સહેલું છે! એનો અર્થ એવો નથી કે મને તારા માટે હેત નથી. તારું નામ હેત ખરેખર યથાર્થ જ છે. કેટલી હેતાળ છે તું! તને સમય ન આપી શકવાનો મને બહુ જ રંજ છે.

સાચું કહું, અપરિપક્વ ઉંમરે ઘરના લોકો નાજુક સંબંધોનું જોડાણ કરી આપે છે ને પછી શરૂ થાય છે ઘર ઘરની રમતનો એક અઘરો અધ્યાય. પૂરતી સમજ પણ ના હોય અને ઘરનું આંગણું નાજુક કિલકારીઓથી ભરાઈ જાય. ક્રમશ: એ શૈશવ કિશોરાવસ્થામાં ડગ ભરે.

એમને એમનું પોતીકું આકાશ જોઈએ. એમને મોં માગી સગવડો આપો તોયે ઓછું પડે. ક્યારેક તો રાતે ઝબકીને જાગી જાઉં ને પછી એમના ચહેરાને આછા ઉજાસમાં નિહાળતો જ રહું. એમના મુખ પરની શાંતિને અનિમેષ નીરખ્યાં કરું ને જાતને ધન્ય માનું કે, હાશ આ લોકો તો સંતુષ્ટ છે. એ સંતોષને લઈને પાછો સૂઈ જાઉં. આમ જોઈએ તો મને મારી જિંદગીથી કોઈ તકલીફ નથી. બધું જ રાબેતા મુજબ ટાઇમ ટેબલ પ્રમાણે ચાલે છે અને હું જીવી રહ્યો છું હા, જીવી રહ્યો છું, એક મશીનની જેમ એકધારી જવાબદારીઓ પાર પાડતો ને સાથે સાથે ધંધામાં પણ મેં પોતાનું એક અલાયદું નામ બનાવ્યું છે. તને તો ખબર છે જ ને! પણ કંઈક ખૂટે છે.

તને મળ્યા પછી જાણે હું મારા માટે જીવતો હોઉંને એવું લાગે છે. ભલે એકબીજાથી આપણે દૂર છીએ. તોયે આપણાં વચ્ચેની સમજણ ગજબની છે. હું જે વિચારું એ જ તું કહેતી હોય છે. રોજ સવારે ઊઠીને અફસોસ કરતો હોઉં છું કે, તું કેમ આટલી મોડી મને મળી? ભગવાનમાં ઓછી શ્રદ્ધા રાખતો હું, રોજ ભગવાનને એટલું જ કહું છું કે, ‘જિંદગીમાં એક મોકો આપજે કે, જ્યારે હું બધું છોડીને તારી સાથે આવીને રહી શકું. લોકો શું કહેશે એની મને પરવા નથી. મારે મારી જિંદગીને તારી સાથે ખીલતી જોવી છે. તું સાથ આપીશને?

મને ખબર છે, તું રહી ખુલ્લા વિચારોવાળી ને હું રહ્યો થોડો રિજિડ. તારા સંપર્કમાં આવ્યા પછી, છેલ્લાં 5 વર્ષથી મારો સ્વભાવ પણ થોડો બદલાયો છે. તું તો છે જ એવી. એક જ પ્રોબ્લેમને અલગ–અલગ રીતે જોવાની દૃષ્ટિ આપીને મને વિચારતો કરી મૂકે ને મારી મુશ્કેલીને દૂર કરી દે છે. કેટલી વાર તને કીધું કે, તું બિઝનેસ કર. તારામાં એ આવડત ગજબની છે. તું ખૂબ જ સરળતાથી ઠંડા દિમાગ સાથે તકલીફોને જવાબદારીપૂર્વક જવાબ આપી દે તેવી છે તું!

તું વાતને હસી નાખે છે અને કહે છે, “આ તારો આઇડિયા સરસ છે. ક્યારેક વિચારીશ એના પર, પણ અત્યારે તું આપણી વાત કરને!’ હસતાં હસતાં વાતને બહુ જ ચાલાકીથી તું ટાળી દે છે. તને ખબર છે, ભલે આપણે ફોનમિત્ર બનીને વાત કરતાં હોઈએ, તોયે તારી આંખમાં ડોકાતું અશ્રુબિંદુ મને જોજનો દૂરથી પણ દેખાઈ જાય, તરત જ કહું તને, “તું પાણી પી લે.’ આપણે હસી લઈએ છીએ.

જિંદગી પણ કેવા કેવા ખેલ રચે છે! જે આપણી સાથે રહી નથી શકવાના, એને માટે આપણે કેવી મમત રાખીએ છીએ ને જે રહે છે સાથે એ લોકો આપણને સમજી પણ નથી શકતા. ડિમાન્ડ એન્ડ સપ્લાયવાળા સંબંધો. બીજી બાજુ તું!

તને કંઈ ખાસ સમય ન આપી શકવાનો રંજ મને ખૂબ ડંખે છે. તોયે, તું હસીને વાતને ટાળી દે. વસવસો તને છે, પણ બહુ બતાવતી નથી. એથી તું વધુ ને વધુ મારી નિકટ લાગે છે.
હેત, તું સાંભળે છેને મારા બળાપાને.’

અને તું જવાબ આપે છે, “હા પરમ, હું તને જ સાંભળું છું, તને જ ચાહું છું ને તારી સાથેના ઘર વિશેનાં સપનાંઓ જોઉં છું. એ બધાં જ સપનાં કોરાં છે, મને ખબર છે. તોય એ કોરાં સપનાંઓની મેં ડાયરી બનાવી છે. ક્યારેક આપીશ તને વાંચવા.

ડાયરીનું નામ ‘પરમ-હેત’ છે. કદાચ આ રીતે તો આપણાં નામ જોડે રહી જ શકેને! હા, એ પણ ડાયરીમાં જ ને!!
ચાલ હવે, ફોન મૂક. પછી વાત કરીશું. હું જાઉંને! ઊંબરે ઊભી વાટ નીરખું. વ્યોમ–વાણી હમણાં આવતાં જ હશે.’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો