તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુનર્મિલન: તેની નોકરી છૂટી ગઈ, એને થયું કે આમ પણ એક વખત ચારિત્ર્યભંગ તો થયો જ છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે શાલિની ભૂતકાળને યાદ કરતી અરીસા સામે બેઠી હતી. આંખો નીચેનાં કૂંડાળાં અને ચહેરા પરની કરચલીઓ જોઈ નિરાશ થઈ ગઈ. હજી પણ અમુક રીતે સૌંદર્ય જળવાઈ રહ્યું હતું, તેથી એનો વ્યવસાય (ધંધો) આજે પણ જળવાઈ રહેલો. આ રીતે જીવન જરૂરિયાત તો મળી રહેતી. સારા ગ્રાહકો આવતા એના સારા સ્વભાવને લીધે. ઘર પણ સારા વિસ્તારમાં સુંદર મળી ગયેલું. એની હોશિયારી અને સ્વભાવને લીધે ગ્રાહકો આવતા જતા.

અનર્થ થયેલો. એને પરિણામે શાલિનીને પુત્રી જન્મી. તેની નોકરી છૂટી ગઈ. એને થયું કે આમ પણ એક વખત ચારિત્ર્યભંગ તો થયો જ છે, તો એ રસ્તો અપનાવું

આમ છતાં એના મનને સુખ-શાંતિ, ચેન ન હતાં. આવો ધંધો હવે દુ:ખદાયક લાગવા માંડ્યો. જો એને નાની પુત્રી ન હોત તો ક્યારની દસ વર્ષ પહેલાં બધું ત્યજીને આત્મહત્યા કરી લીધી હોત! તે રોજનું કામકાજ કરતી હતી, ત્યાં બહાર કોલાહલ સંભળાયો. બારણું ખોલી બહાર આવી જોયું તો દૂર થોડે અંતરે એક મોટર હતી અને ટોળાની વચ્ચે એક વ્યક્તિ બેભાન અવસ્થામાં પડી હતી. ટોળા વચ્ચેથી માર્ગ કરતી શાલિની વચ્ચે પહોંચી ને ધ્યાનથી જોયું તો ચીસ પડાઈ ગઈ. લોકોને વિનંતી કરી કે મદદ કરો ને એને મારા ઘરમાં લઈ આવો. નસીબજોગે બહુ ઈજા થઈ ન હતી. ડાૅક્ટરને બોલાવ્યા અને તપાસીને કહ્યું કે ચિંતા કરતાં નહીં. થોડીવારમાં ભાનમાં આવી જશે.

શાલિની પથારી પાસે બેસીને તેને જોઈ જ રહી! આ એ જ નિર્મળ સુંદર નિર્દોષ એવો ચહેરો! જૂની સ્મૃતિઓ ઊભરાઈ આવી. કોલેજકાળ યાદ આવી ગયો, જે જરા પણ બદલાયો ન હતો. હા, તો એ ક્રિશ્નન હતો! કોલેજમાં સુંદર વ્યક્તિત્વ ધરાવતો. શાલિની તેને મનોમન ચાહવા તો લાગેલી. પોતે સુંદર પણ હતી. ક્રિશ્નન જ્યારે કોલેજમાં પ્રશંસાપાત્ર બનતો જતો ત્યારે જ એના વિશે સાંભળવામાં આવ્યું કે ક્રિશ્નનના પિતા તો એ નાનો હતો ત્યારે જ ઘર છોડીને જતા રહેલા, કારણ એની મા ચારિત્ર્યહીન છે.

થયું એવું કે આ જ સમયે ‘દેવરાજન’ નામનો વિદ્યાર્થી ધનવાન, પૈસાપાત્ર પિતાનો છેલબટાઉ પુત્ર ક્રિશ્નનની ઈર્ષા કરતો હતો. એની વિરુદ્ધ થોડા વિદ્યાર્થીઓનો પક્ષ પણ ઊભો કરેલો. એટલે ઘણા ક્રિશ્નનનો અનાદર કરતા, પરંતુ શાલિનીને ઘણો જ આદરભાવ ને ચાહતભાવ હતો. આ બાબતે કંઈ કોઈનેય જણાવ્યું ન હતું ને એવો વર્તાવ પણ ન હતો. મા-બાપને પણ નહીં. એને વિશ્વાસ હતો કે જ્યારે મા-બાપને વાત કરીશ વખત આવે ત્યારે સહુનો સાથ મળી રહેશે. પરંતુ આ મનોસ્વપ્ન છિન્નભિન્ન થઈ ગયું.

એવું કંઈક બની ગયું કે ‘ક્રિશ્નન’ એમાં ફસાઈ ગયો. કોલેજમાં ‘લલિતા’ નામે વિદ્યાર્થિની હતી. એ પણ સુંદર હતી. શાલિનીની સખી હતી. એને પણ ક્રિશ્નન માટે આદરભાવ ને ચાહત હતી. એકાએક લલિતા કોલેજ આવતી બંધ થઈ ગઈ. અભ્યાસ છોડી દીધો. પછી સાંભળવા મળ્યું કે કોઈ વિદ્યાર્થી સાથે પ્રેમસંબંધ બંધાયો અને વાત ઘણી આગળ વધી. એમાં લલિતાને સહન કરવાનું આવ્યું, કારણ પેલાએ છોડી દીધી અને મા-બાપે જાકારો દીધો. ક્યાં જવું હવે? એની વિમાસણમાં આપઘાતનો પ્રયત્ન કર્યો.

હવે દગો દેનાર વિદ્યાર્થી-છોકરાનું નામ ‘ક્રિશ્નન’નું બોલાવા લાગ્યું. લલિતાનાં મા-બાપે ક્રિશ્નન પાસે લગ્ન કરવા કબૂલાત કરાવી. માનવતાના હિસાબે લગ્ન કરી ક્રિશ્નને લલિતાને સમાજમાં સ્થાન અપાવ્યું અને બચાવી. હવે લલિતા ક્રિશ્નનની મા સાથે રહેવા લાગી. નામોશી લાગતાં ક્રિશ્નને પણ અભ્યાસ છોડી દીધો. શાલિનીને આ બધું જાણીને ખૂબ જ આઘાત લાગ્યો, પણ દુ:ખનું ઓસડ દહાડા એ ન્યાયે બધી વાતો વિસરાઈ. શાલિની ક્રિશ્નનનાં મા-બાપને ધિક્કારવા લાગી. લોકો પણ હવે ક્રિશ્નનને અપરાધી ગણવા લાગેલા, પણ લલિતા ક્રિશ્નન સાથે કેવી રીતે સંડોવાઈ એ બધું એક રહસ્ય લાગ્યું. થોડા વખત પછી આ બધી ચર્ચા ચાલીને બંધ થઈ ગઈ.

શાલિની હતાશ થઈ ગઈ. એનું પણ ધ્યાન ‘દેવરાજન’ તરફ આકર્ષાયું. એની સાથે હરવા ફરવા લાગી. જેનું પરિણામ પણ સારું ન આવ્યું. દેવરાજને એનો લાભ લઈ ફસાવી. શાલિનીએ વાત જણાવીને ધમકી આપી, પણ દેવરાજન કંઈ કાચી માટીનો હતો? સામો આક્ષેપ મૂક્યો કે તારા જેવી માટે આ કોનું બાળક હશે શી ખબર? શાલિની પ્રત્યે વર્તણૂક પણ બદલાઈ ગઈ. શાલિની ઘણી ઉગ્ર બની ગઈ. ફરીથી હતાશા એને ઘેરી વળી.

ત્યાં સાંભળવામાં આવ્યું કે, લલિતા એક મૃત બાળકીને જન્મ આપી મરણપથારીએ છે. એને જોવા ખબર કાઢવા ગઈ ત્યારે બધો ઘટસ્ફોટ થયો. લલિતાને ફસાવનાર ‘દેવરાજન’ જ હતો, પણ વિશાળ હૃદયી ક્રિશ્નને માનવતા દાખવી કલંક માથે લીધું. લલિતાને અપનાવી. સમાજમાં સ્થાન આપ્યું. દેવરાજનનાં દૂષણાે, અપલક્ષણો તો શાલિનીને કોલેજકાળ દરમિયાન જાણીતાં હતાં. છતાં શાલિની ફસાઈ ગઈ. દેવરાજનનો બીજો શિકાર બની બેઠી. હવે બધું રહસ્ય સમજાયું. નિરાશ બનેલી, આશંકા ને બેચેનીથી ઘેરાયેલી શાલિનીએ દેવરાજનનું ઘર છોડ્યું. મા-બાપને પત્ર લખ્યો કે મારા પ્રેમી સાથે લગ્ન કરી લીધાં છે. સંજોગો અનુકૂળ થતાં હું પાછી ફરીશ. આમ, આત્મહત્યા કરવી એ સરળ રસ્તો લાગ્યો, પરંતુ પરિવારની આબરૂને નુકસાન થાય એટલે માંડી વાળ્યું.

શરૂઆતમાં તો શાલિનીએ કોઈ કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી સ્વીકારી લીધી. નોકરી અને પવિત્રતા એકસાથે જાળવી રાખવું મુશ્કેલ લાગ્યું. વળી, એ સમય એવો હતો કે છોકરી ઘરનો ઉંબરો ઓળંગી બહાર નોકરી કરવા જાય એ હલકું ને શરમભરેલું ગણાતું. થોડા સમયમાં અનર્થ થયેલો એને પરિણામે પુત્રી જન્મી એટલે નોકરી છૂટી ગઈ. એને વિચાર આવ્યો કે આમ પણ એક વખત ચારિત્ર્યભંગ તો થયો જ છે, તો એ રસ્તો અપનાવું. ગરીબીભર્યું જીવન શું કામ વિતાવવું અને પુત્રીને પણ ભવિષ્યમાં સારી રીતે ઉછેરીને ભણાવી શકાશે. આમ તે આ ‘ધંધા’માં આવી ગઈ.

એ અતીતરાગમાં હતી ત્યાં એકાએક અવાજ આવ્યો ને તે વર્તમાનમાં પાછી ફરી. એકાએક ‘ધંધા’ને લઇને બાઇની રકઝકનો અવાજ આવ્યો અને ક્રિશ્નનની આંખ ખૂલી અને તે સ્તબ્ધ થઈ ગયો! આ શાલિની? એની સ્થિતિ આવી? શાલિની પણ સમજી ગઈ કે ક્રિશ્નન સાંભળીને સમજી ગયો હશે. એ શાંત બેઠો રહ્યો હતો ત્યાં શાલિની એકદમ એના પગમાં ઢળી પડી ને રડવા લાગી. એને થયું કે દસ દસ વર્ષે પણ ઈશ્વર આવી રીતે શું કામ ભેગાં કરતો હશે? આજથી દસ વર્ષ પહેલાં ‘લલિતા’ને આવા કંઈ કારણસર અપમાનિત થતી બચાવી ને સમાજમાં સ્થાન અપાવેલું. હવે એ તો હયાત નથી. એની માનવતા-લાગણી જાગી ઊઠી કે પોતાની ફરજ શું છે? સામે એવા જ કપરા સંજોગો અને પરિસ્થિતિનો ભોગ બનેલી શાલિની છે, જેને પોતે મનોમન ચાહતો હતો. એને આશ્રય, રક્ષણની જરૂર છે. પોતે આપી શકે તેમ છે. રક્ષણ આપવું જ જોઈએ. પછી તે બંને એક પણ અક્ષર બોલ્યા વગર એકબીજામાં સમાઈ ગયાં. આ એક સોહામણું પુનર્મિલન હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો