તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજેય પોતાના મૃત્યુની જાણકારી પલાશના મનને ધ્રુજાવી રહી હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રકરણ -41
પલાશને પહેલાં તો ગડ ન બેઠી કે કમલનાથને આવી શંકા કેમ ગઈ, પણ પછી જરાક વિચારતાં સમજાયું કે ઈન્સ્ટિટ્યૂટ પર ત્રણ મહિના પહેલાં થયેલા હુમલા વિશે પપ્પા અને નાથ અંકલ સિવાય માત્ર અંકિતને જ ખબર હતી. એટલે જ પોતે નાથ અંકલને એ હુમલા વિશે પૂછ્યું ત્યારે એમણે બે ને બે ચાર કર્યા હશે. જોકે એને એ ન સમજાયું કે નાથ અંકલે એની સાથે થયેલી વાત પીએમને કેમ કરી.
‘પલાશ, મને લાગે છે કે તારે આદિત્યજીને ન મળવું જોઈએ. દાટેલાં મડદાં ઉખેળવાથી માથું ફાટી જાય એવી ગંધ સિવાય બીજું કંઈ નહિ મળે.’

પલાશના વિચાર વાંચી લીધા હોય એમ વડાપ્રધાને કહ્યું: ‘મેમરી ટ્રાન્સપ્લાન્ટનો પ્રયોગ દેશ માટે બહુ મહત્ત્વનો છે. એ વિશે પહેલાં મેઘનાદજી મને રિપોર્ટ કરતા. હવે કમલનાથજી કરે છે. આઈ નીડ ટુ નો કે આ પ્રયોગ કેટલો સફળ રહ્યો છે અને હજી રિસર્ચની જરૂર છે કે નહિ.’

‘ઓકે ફાઈન.’ પલાશ અંકિતની યાદોને તાજી કરતાં સ્વગત બોલતો હોય એમ બોલ્યોઃ ‘નાથ અંકલને આવી શંકા ગઈ એનો અર્થ એ થાય કે ઈન્સ્ટિટ્યૂટ પરના હુમલામાં ખરેખર મારું મૃત્યુ થયેલું. છતાં પપ્પાએ મને ખોટું કહ્યું હતું કે ઈન્સ્ટિટ્યૂટમાં કાચના દરવાજા સાથે ભટકાઈને હું કોમામાં જતો રહ્યો હતો.’

‘હા, મેઘનાદજીએ ખોટું બોલવું પડેલું, કેમ કે એમને ડર હતો કે...’ વડાપ્રધાનના અવાજમાં ખેદ ભળ્યો, ‘કે તારું મૃત્યુ થઈ ચૂક્યું હતું એ વાત તું જાણીશ તો એનો આઘાત પચાવી નહિ શકે. જોકે મેઘનાદજી તને એ હકીકત થોડા સમય પછી કહેવાના હતા, પણ એમનું અપહરણ થઈ ગયું. મારી એમની સાથેની છેલ્લી મુલાકાત વખતે આ બધી જ વાતો એમણે મને કરી હતી.’

આ વાત પલાશના ગળે તરત ઊતરી ગઈ, કેમ કે આજેય પોતાના મૃત્યુની જાણકારી એના મનને ધ્રુજાવી રહી હતી. તો, મેમરી ટ્રાન્સપ્લાન્ટ થયા પછી તરત જો એને આ વાતની ખબર પડી હોત તો એ સાચે જ ગાંડા જેવો થઈ ગયો હોત.

‘અચ્છા... અંકિતની કેટલી મેમરી તારામાં પાછી આવી છે?’ વડાપ્રધાને અચાનક પૂછ્યું. એમના ચહેરા પર આતુરતા અને ઍન્ક્ઝાઈટી ચોખ્ખાં દેખાતાં હતાં.
‘અંકિત પપ્પાને જેલમાં મળ્યો ત્યારથી એનું મેમરી ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યાં સુધીની.’

તરત વડાપ્રધાનના ચહેરા પર હાશકારાનો ભાવ આવી ગયોઃ ‘જો પલાશ, મેં તને એટલું જ કહેવા અહીં બોલાવ્યો હતો કે અંકિતની થોડી મેમરી પાછી આવી હોય તો એમાં ડરવા જેવું નથી. કમલનાથજીનું કહેવું છે કે એ તારા પર ફરી પ્રયોગ કરીને એ મેમરી ભૂંસી શકે તેમ છે.’

પલાશને આ ઑફર સાંભળીને ગુસ્સો આવ્યો. એને થયું, આ લોકો એને ગિની પિગ સમજે છે કે શું? હા, બે વ્યક્તિત્વનો ભાર ઝીલવામાંથી મુક્તિ મળશે, પણ એ કાયમી હશે એની ખાતરી શું? છેવટે એણે હોઠ ભીડીને કહ્યું, ‘થૅન્ક્યુ સર, પણ મારે જાત સાથે કે કુદરત સાથે ચેડાં નથી કરવાં.’

‘તું પણ આદિત્યજીની ભાષા બોલી રહ્યો છે,’ પીએમ હસ્યા, ‘આ તારી જિંદગીનો સવાલ...’
‘સર, પ્લીઝ. મારું ડિસિશન ફાઈનલ છે. હવે તમારે બીજું કંઈ ન કહેવાનું હોય તો હું જાઉં?’

વડાપ્રધાનના ચહેરા પર નિરાશા છવાઈઃ ‘ઠીક છે, તારી મરજી. પણ તારો નિર્ણય બદલાય તો મને કે કમલનાથજીને એક ફોન કરજે.’ પલાશે જવાબ આપ્યા વિના બહાર જવા માટે પગ ઉપાડ્યા ત્યારે એની પીઠે વડાપ્રધાનના શબ્દો અથડાયાઃ ‘પલાશ, મને લાગે છે કે તારે આદિત્યજીને ન મળવું જોઈએ. દાટેલાં મડદાં ઉખેળવાથી માથું ફાટી જાય એવી ગંધ સિવાય બીજું કંઈ નહિ મળે.’

પલાશ એમની તરફ ફર્યોઃ ‘આ તમારી સલાહ છે કે ઑર્ડર એ સમજાયું નહિ, સર. પણ જે હોય તે, હું નહિ માની શકું, સૉરી.’ કહીને પલાશ જોશભેર પાછો વળ્યો. એમાં એનો પગ સૉફાના પાયા સાથે અથડાયો. એ લથડ્યો અને સંતુલન જાળવવા જતાં પુસ્તકોના રૅક સાથે ભટકાયો. કેટલાંક થોથાં નીચે દદડી પડ્યાં. એક બુકમાંથી એક સ્ત્રીનો ફોટો ફરસ પર પડ્યો. પલાશની નજર એના પર પડી ન પડી ત્યાં જ ફોટો સરકીને રૅકની નીચે જતો રહ્યો.
પલાશ પુસ્તકો ઉપાડવા નીચે વળ્યો, પણ વડાપ્રધાને કહ્યું, ‘ડોન્ટ વરી, હું ઉપાડી લઈશ.’ પલાશ તરત રૂમમાંથી નીકળી ગયો. વડાપ્રધાન કંઈક ગુસ્સા અને કંઈક હતાશાથી એને જતો જોઈ રહ્યા. પછી કંઈક વિચારીને એમણે કમલનાથને ફોન જોડીને કહ્યું:‘નાથ... ઝવેરી બોલું છું. અંકિત અને પલાશની મેમરી ડિસ્ક ડિસ્ટ્રૉય કરી નાખ.’

આદિત્ય રાયે સુરત એરપોર્ટ પર મોકલેલી કાર ચાપલધરાની સીમમાં પ્રવેશી ત્યારે રાતના બારેક વાગ્યા હતા. કાળીડિબાંગ ચાદરથી ઢંકાયેલાં ખેતરોમાંથી આવતો તમરાંનો અવાજ અને દૂરનાં જંગલમાંથી સંભળાતી શિયાળવાની લાળી ભેંકાર માહોલ ઊભો કરતો હતો. થોડી જ વારમાં કાર એક નાની બંગલી સામે ઊભી રહી. આર્યા, મોહિત, પલાશ અને આસ્મા ઊતર્યાં અને બંગલીની પડથાર પર ગયાં. આર્યાએ દરવાજો ખખડાવ્યો કે તરત 85ની ઉંમરના વૃદ્ધે દરવાજો ખોલીને એમને સ્મિત સાથે આવકાર આપ્યો.

એ હતા આદિત્ય રાયના બાપુજી કનકરાય જોશી. આર્યા, પલાશ અને મોહિત એમને ઓળખતાં, કેમ કે એ ક્યારેક દિલ્હી આવતા, પણ મોટા ભાગે એ ચાપલધરામાં એકલા રહેતા. એમના બધા વાળ ધોળા થઈ ગયા હતા અને આંખે થોડું ઓછું દેખાતું, છતાં શરીર હજી કડેધડે હતું. પોતાનાં બધાં કામ એ જાતે કરતા. પલાશ, મોહિત અને આર્યા એમને પગે લાગ્યાં. આસ્માએ પણ એમને નમસ્કાર કર્યા. પલાશે મિત્ર તરીકે આસ્માની ઓળખાણ આપી. કનકરાય બધાંને આશીર્વાદ આપીને ઘરમાં લઈ ગયા. લાંબો ઓરડો વટાવીને બધાં બંગલીની પાછળના ભાગમાં આવ્યાં, જ્યાં ડાબી ને જમણી તરફ બે ઓરડા હતા અને પાછળના દરવાજા પાસે ઉપરના માળે જવાનો દાદરો હતો.

કનકરાયે દક્ષિણ ગુજરાતની બોલીમાં કહ્યું: ‘પોયરાંઓ, આદિ ઉપર ઊંઘી ગેયલો છે. એણે કહ્યેલું કે તમે ખાઈને આવવાનાં છો. તો બી મેં ઓરડામાં દૂધ રાખેલું છે. મન થાય તો પી લેજો. જાવ હવે ઊંઘી જાવ. હજી કૂકડો બોલવાને વાર ઓહે.’ પછી બે ઓરડા તરફ આંગળી ચીંધીઃ ‘તાં તમારી પથારી કરી રાખેલી છે.’

પછી એ શ્રીહરિ શ્રીહરિ બોલતાં બોલતાં પાછા વળી ગયા. મોહિત અને પલાશ ડાબી બાજુના ઓરડામાં ગયા અને આસ્મા અને આર્યા જમણી બાજુના. પલાશે પહેરેલે કપડે જ ગાદલામાં પડતું મૂક્યું. અસલમાં તો એ મોહિત સાથે વાત કરવાનું ટાળવા માગતો હતો. દિલ્હીથી સુરતની ફ્લાઈટમાં તથા સુરતથી ચાપલધરા સુધીના પ્રવાસમાં મોહિતે એને કેટલીય વાર ફેરવી ફેરવીને ત્રણ મહિના પહેલાંના હુમલા વિશે પૂછ્યું હતું, પણ દરેક વખતે એ જવાબ ટાળી ગયો હતો. ખરેખર તો એ હુમલો થયો જ નહોતો.

પલાશને મોડી સાંજે હિંડન એરબેઝના રડાર ઑપરેટર અબ્દુલ સૈયદનો મેસેજ મળી ગયો હતો કે ગઈ 28મી ઑગસ્ટે કોઈ જ હેલિકૉપ્ટર ઈન્સ્ટિટ્યૂટના વિસ્તારમાં ઊડ્યું નહોતું. એનો અર્થ એ હતો કે પપ્પાએ હુમલા વિશે અને પોતાની શહીદી વિશે અંકિતને ખોટું કહ્યું હતું. પણ કેમ? પપ્પાને આવી વાર્તા ઘડી કાઢવાની શી જરૂર પડી એ એને સમજાતું નહોતું. એમાંય વડાપ્રધાનના નિવાસસ્થાનેથી નીકળતી વખતે દેખાયેલો પેલો ફોટો એની વિહ્વળતાનો ગુણાકાર કરતો હતો. એટલે જ એ ઊંડું વિચારીને કોઈક તારણ પર પહોંચવા માગતો હતો. એટલે જ અત્યારે મોહિત સામે એણે ઊંઘી જવાનો ડોળ કર્યો.

એણે ફોટામાં જોયેલી સ્ત્રીનો ચહેરો બંધ આંખ સામે ઉપસાવવાની કોશિશ કરી, પણ ચહેરો સ્પષ્ટ ન થયો. વડાપ્રધાનના ખંડની બહાર નીકળ્યા પછી એને લાગેલું કે કદાચ એ ફોટો એની મમ્મી અંજલિનો હતો. એને ખંડમાં પાછા જઈને એ ફોટો ધ્યાનથી જોવાની પ્રબળ ઇચ્છા થઈ હતી. જોકે પાછા જવું એને અજુગતું લાગ્યું હતું એટલે એ ત્યાંથી નીકળી ગયો હતો.

ફોટો જોયાની એ પળ અત્યારે પલાશના માનસપટ પર રિવાઈન્ડ થવા માંડી. એણે બેચેનીમાં પડખાં બદલ્યાં. ટૂંટિયું વાળીને સૂતો. માથા સુધી ગૂંથમૂંથ ઓઢ્યું. કલાકેક આળોટ્યા પછી ઊભા થઈને પાણી પીધું. પાછલો દરવાજો ધીમેકથી ખોલી વાડામાં ગયો. લીમડાના ઝાડ નીચે ઊભો રહ્યો. બહારની ઠંડકે અને નિઃસ્તબ્ધ શાંતિમાં ફેલાયેલી જંગલી ફૂલોની મહેકે એનું ચિત્ત થોડું શાંત કર્યું. એણે જાત સાથે વાત કરવાની શરૂ કરીઃ ધારો કે એ ફોટો મમ્મીનો જ હતો. પણ તો એ પીએમ પાસે કેમ હતો? શું મમ્મી અને પીએમ વચ્ચે કોઈ સંબંધ હતો?

આ વિચાર શાહુડીનાં પીંછાંની જેમ એના મનમાં ભોંકાયો અને એણે ઓરડામાં પાછા ફરીને પથારીમાં પડતું મૂક્યું. બાજુમાં મોહિતને સૂતેલો જોઈને એના મનમાં કંઈક ઝબક્યું. આંખો સામે ઘટનાઓનાં છુટ્ટાંછવાયાં ટપકાં ઊપસવાં માંડ્યાં. એણે મન પર જોર કરીને એ ટપકાંને સ્મૃતિરેખાઓથી જોડવાની કોશિશ કરી. એક ચિત્ર ધીમેધીમે આકાર લેવા માંડ્યું. પપ્પાને અગ્નિદાહ અપાયા પછીની સવારે મોહિતે આશ્ચર્યથી પૂછેલું કે ‘કૅન્સર ડિટેક્ટ થયા પછી ઝવેરી અંકલે પોતાની મેમરી બીજા માણસના મગજમાં કેમ ન રોપી?’ એ સાંભળીને આદિત્ય અંકલ ચોંકી ગયા હતા.

અત્યારે પલાશ પણ ચોંકીને પથારીમાં બેઠો થઈ ગયો. જો ખરેખર પપ્પાએ બીજા માણસના મગજમાં પોતાની મેમરી રોપી હોય તો? શું એ માણસ પીએમ અચ્યુત પાલ હોઈ શકે? હોઈ જ શકે. એટલે જ એમના ખંડમાં મમ્મીનો ફોટો હતો. નહિતર અચ્યુત પાલ મમ્મીનો ફોટો શું કામ રાખે? એ સાથે જ પલાશની ધારણા દૃઢ થઈ કે પપ્પાનું શરીર ભલે મૃત્યુ પામ્યું, પણ એ અચ્યુત પાલના શરીરમાં જીવે છે. જોકે બીજી જ પળે એને લાગ્યું કે આ ધારણાની આ ઈમારત માત્ર એક ફોટાના પાયા પર ઊભી હતી. જો એ ફોટો મમ્મીનો ન હોય તો? તો આ ઈમારત ફસકી પડશે? એની અંદરથી જવાબ મળ્યોઃ ‘ના, બીજા ઘણા પાયા હતા એ ઈમારતને. બસ, થોડું ખોદકામ કરીને એ શોધવાના હતા.’ હવે પલાશ કોઈ પુરાતત્ત્વવિદની ધીરજથી માનસિક ઉત્ખનનમાં જોતરાયો અને કેટલીક ઘટનાઓ પર જામેલી માટી ઉલેચવા માંડ્યોઃ

અચ્યુત પાલે જ પપ્પાના આપઘાત પછી એમના વિશ્વાસુ સહાયક કમલનાથને ઈન્સ્ટિટ્યૂટનો કારભાર સોંપ્યો હતો. અચ્યુત પાલે જ સ્મશાનમાં વ્યથિત સ્વરે આદિત્ય અંકલને કહેલું કે પપ્પાએ વિશ્વાસઘાતની પીડા ભોગવી હોવા છતાં પોતાના અપહર્તાને માફ કરી દીધા હતા. અચ્યુત પાલ જ હિંદીભાષી હોવા છતાં મારી સામે ગુજરાતીમાં બોલી પડ્યા હતા કે ‘તારી આંખમાં કચરો ગયો છે કે શું?’ અચ્યુત પાલે જ મને પપ્પાના મૃત્યુનો શોક ન કરવાની સલાહ આપીને કહેલું કે માણસ મરતો હોય છે, પ્રેમ નહિ. અચ્યુત પાલે જ મોહિતને ફોન કરીને આદિત્ય અંકલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની મનાઈ ફરમાવેલી, કેમ કે આદિત્ય અંકલ પપ્પાના મિત્ર હતા. અચ્યુત પાલે જ મારા મગજમાં ફૂટેલી અંકિતની મેમરી ભૂંસી નાખવાની ઑફર કરી હતી, કારણ કે એમને મારી ચિંતા હતી.

આ બધી વાતો એ સત્યની છડી પોકારતી હતી કે અચ્યુત પાલ જ પપ્પા છે. પપ્પા જીવિત છે એવા ઘટસ્ફોટની વાછટે પલાશને પલાળી દીધો. કંઈકેટલીય સમસ્યાઓથી સૂકુંભઠ્ઠ થઈ ગયેલું એનું મન આ ભીનાશને કારણે પુલકિત થઈ ગયું. એ હર્ષાવેશમાં આવી ગયો. એને થયું, મનસાગરના મંથનમાંથી નીકળેલું આ અમૃત એ બધાંને વહેંચે. મોહિત અને આર્યાને જગાડીને બધું કહી દે. દોડીને પપ્પા પાસે જઈ એમને ભેટીને રડે. જોકે થોડીક જ પળોમાં મનના હવામાને પલટો ખાધો. લાગણીની હેલી અટકી ગઈ. વૈશાખી બપોર ઊગી આવી. ઊજળા સત્યની કાળી બાજુ ઉઘાડી થઈ ગઈ. મંથનમાંથી નીકળેલું અમૃત વિષમાં ફેરવાઈ ગયું. એણે નીલકંઠની જેમ એ વિષ પીવું પડ્યું અને એમાં એનું મન નીલવર્ણું થઈ ગયું.

એને થયું, પપ્પાએ એમના જીવિત હોવાની હકીકત મારાથી શા માટે છુપાવી? હું પપ્પાના મૃત્યુ પર રડતો રહ્યો અને પપ્પા મારી લાગણી સાથે અટકચાળાં કરતા રહ્યા. શા માટે? કેમ એમણે અંકિતને ખોટી કહાણી સંભળાવી કે ઈન્સ્ટિટ્યૂટ પરના હુમલામાં મારું મૃત્યુ થયું હતું? શા માટે એમણે વડાપ્રધાનમાં જ પોતાની મેમરી રોપી? શા માટે એમણે લોકશાહીનું ચીરહરણ કર્યું? શું કામ એ સરમુખત્યાર બની ગયા? માનવીય મૂલ્યોનું આજીવન સન્માન કર્યા પછી એમણે જતી જિંદગીએ એ મૂલ્યોનો હ્રાસ કેમ કર્યો? કેમ પોતાની નાસ્તિકતા દેશ પર ઠોકી બેસાડી? શા માટે લોકોને ધર્મસ્વાતંત્ર્યથી વંચિત કરી દીધા? આખા દેશને આમ આંતરવિગ્રહને આરે લાવીને એમને શું મળ્યું? અમર્યાદિત સત્તા? શું એમને સત્તાનો મોહ હતો?

આ બધા પ્રશ્નોના ઉત્તરરૂપે પપ્પાનો જે ચહેરો સામે આવતો હતો એ કાળમુખા માણસનો હતો. પપ્પા જીવિત હોવાનો અર્થ તો એ જ થતો હતો કે પીએમ અચ્યુત પાલ મૃત્યુ પામ્યા હતા. પીએમનું માત્ર શરીર હરતુંફરતું હતું અને એ શરીરના સારથિ હતા એના પપ્પા - એક એવા છલનાયક, જેમણે સત્તાના લોભમાં પીએમનો ભોગ લીધો હતો. નિરોગી, પ્રામાણિક અને નિષ્ઠાવાન પીએમ પપ્પાને આ મેમરી ટ્રાન્સપ્લાન્ટ માટે સંમતિ આપે એ શક્ય જ નહોતું. એનો મતલબ એ કે પપ્પાએ દગાખોરીથી વડાપ્રધાનની મેમરી ભૂંસી નાખી હતી. આ હત્યા હતી અને પપ્પા હત્યારા હતા. કદાચ આદિત્ય અંકલ પપ્પાના મલિન ઈરાદાને પારખી ગયા હતા. એટલે જ એમણે પપ્પાનું અધઃપતન રોકવા એમનું અપહરણ કરાવ્યું હતું, પરંતુ એ નિષ્ફળ રહ્યા હતા.

પપ્પાના મૃત્યુના આઘાત કરતાંય એમના ચારિત્ર્યના મૃત્યુનો આઘાત પલાશ માટે વધુ વસમો નીવડ્યો. ઘોર હતાશાના ધૂળિયા ચક્રવાતે જાણે એને અધ્ધર તાણી લીધો હોય એમ ક્યાંય સુધી એનું મન ચક્કર-ભમ્મર થતું રહ્યું અને અંતે પિસાઈને કણ-કણ થઈ ગયું.(ક્રમશ:)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો