તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજબાનો ઝરૂખો: મુગ્ધ થઈ એના હાથ થોર ઉપર ફરી રહ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ટેલ મી મમ્મા, તને મારા પત્રો પરથી મારી ટેરેસા કેવી લાગી?’ યુરોપમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને ઘરે આવેલ જુવાન દીકરો એની માને, પોતાની બીમારી દરમિયાન સેવા કરનાર વિદેશી સ્ત્રીમિત્ર ‘ટેરેસા’ વિશે પૂછતો હતો. કાંટાળા થોર ઉપર જવલ્લે જ ઊગતાં ફૂલોને જોવામાં મમ્મા તલ્લીન હતી. મુગ્ધ થઈ એના હાથ થોર ઉપર ફરી રહ્યા. દીકરાના પ્રશ્નનું પુનરાર્વતન થયું. દરમિયાન અંદરના ખંડમાંથી ટેલિફોનની ઘંટડી વાગતાં ઋષિરાજ ઝરૂખો છોડીને ત્વરાથી અંદર ગયો.
પરણીને સાસરે આવેલી ‘રાજુ’ અહીંના અસ્સલ દરબારી દમામ અને કડપ દાબભરેલાં વાતાવરણ અને વ્યક્તિઓ વચ્ચે આવી ત્યારથી રાજુ મટીને ‘રાજેશ્વરી દેવી’ બનીને રહી ગઈ હતી. દરબારી ઠકુરાણીને હુકમ હતો, ગાવું, વગાડવું, ચીતરવું એ મહારાણીની શાનની ખિલાફ વાત ગણાશે! પ્રસંગે-પ્રસંગે પુરુષના અહંનું વરવું રૂપ ખમી લેવાનું ખમીર એ ક્યાંથી કાઢતી? પોતાના જેવા જ એકલવાયા થોર સાથે બેસીને એ ઝરૂખાથી બેએક વાત કરી લેતી. કદીક ઊગતાં ફૂલોને જોઈને હરખ કરી લેતી.
રાતે મોડે લગી બહાર રહેતા ઠાકુર રુદ્રદત્તની પ્રતીક્ષામાં ઝરૂખામાંથી દેખાતાં વૃક્ષોનાં પોતાની જિંદગી જેવા લાંબા-કાળા પડછાયા જોઈ જોઈને નિ:સાસા નાખ્યા કરતી. વિદેશમાં ભણતા વહાલસોયા દીકરાના કાગળથી ઝરૂખાના એકાંતમાં એક રોનક ભરી દઈને એ ખુશી સાચવવાનો પ્રયત્ન કરતી. અને આજે? ‘ઓફ મમ્મા, પહેલાં હું તને જ આ વાત કરું છું. તું હા કહીશ ટેરેસા માટે પછી હું ડેડીને વાત કરીશ. હું એની સાથે લગ્ન કરવા માગું છું, મમ્મા! ’

‘હશે બેટા! ટેરેસા દુનિયાની સૌથી સારી છોકરી હશે, પરંતુ અહીં આવીને એ સારી રહી શકશે, આઈ મીન.’ આ સ્વર એક માનો નહીં પણ એક ‘રાજુ’નો હતો એ ઋષિરાજ સમજી શક્યો હશે ખરો?
‘આઈ ડોન્ટ નો મોમ. વોટ આર યૂ સે?’ પરેશાન દીકરાને માથે હાથ મૂકીને મહારાણી રાજેશ્વરીદેવીએ કહ્યું, હું વિચારતી હતી કે ટેરેસાને ઝરૂખો ફાવશે કે કેમ? ઝરૂખો શબ્દ બોલતાં એનો સ્વર હલબલી ઊઠ્યો અને એ વાતને નોંધ્યા સિવાય ઋષિરાજે ત્વરિત જવાબ દીધો ‘કમઓન મમ્મા.’ તું એકદમ બાલિશ વાત કરે છે. ઝરૂખો નહીં ફાવે તો ફવડાવશે.

દીકરાના બેફીકરાઈથી બોલાયેલા શબ્દોમાંથી ઠાકુર રુદ્રદત્તના અહમશી સ્વભાવની ગંધ આવતી હતી. રાજબાએ અનુભવ્યું કે, આ ઝરૂખામાં ઊભો છે એ અદલ પુરુષ છે, અસલ પુરુષ ઠાકુર ઋષિરાજસિંહ રુદ્રદત્તસિંહ રાજપૂત.
અન્ય સમાચારો પણ છે...