તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ભંગાર’: ફ્લેટનું બારણું બંધ કરીને અમી કિચનમાં જતી રહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘અરે ભૈ, તને કીધુંને કે મને નથી પોસાતો તારો ભાવ! માથું ન ખા અને ખાલીખોટી રવિવારની રજાની મજા ન બગાડ. જા ભૈ’સાબ. નાનકડી બાલ્કનીમાં બેઠાં-બેઠાં છાપું વાંચીને પોતાના ‘કાચા-રજવાડા’ની મજા માણી રહેલા અજિતના કાને અમીના આ શબ્દો વહી આવ્યા. અજિત અમીના કરકસરિયા સ્વભાવથી સારી પેઠે વાકેફ હતો એટલે જ તો એણે ડોક લંબાવીને નીચેના રસ્તા પર ઊભેલી ભંગારની લારી પર નજર ફેરવી લઈને એક સ્મિત કરી લીધું.

ભંગારવાળાને વળાવી દઈ, ફ્લેટનું બારણું બંધ કરીને અમી કિચનમાં જતી રહી. સન્ડેનું ફુલ કોર્સ લંચ ડાઇનિંગ ટેબલ પર સર્વ થઈ રહ્યા પછી અમીએ પતિ અને છોકરાઓને જમવા માટે બૂમ પાડી. ઉચ્ચ મધ્યમવર્ગીય કુટુંબમાં હોય એવી બધી જ સુવિધાઓ આ ફ્લેટમાં મોજૂદ હતી. હાઈ સોસાયટીના ફ્લેટ્સની વિશેષ સુવિધારૂપે આ ફ્લેટમાં એક સર્વન્ટરૂમ પણ હતો. કામવાળી બાઈને ક્યારેક કામકાજે રાત રોકાવાનું થાય તો એ આ ઠાંસોઠાસ સામાનવાળી સાંકડી રૂમમાં ટૂંટિયું વાળીને પડી રહેતી. ઘરની કોઈ ચીજ ભલે પછી એ સાવ નકામી કેમ ન હોય, અમીનો જીવ ભંગારમાં કાઢવા માટે ન ચાલતો! અજિત ઘણી વાર કહેતો પણ ખરો તો અમી દરેક ચીજ સાથે કોઈને કોઈ યાદને જોડતી દલીલ કરતી. એ સાંભળીને અજિત ચૂપ થઈ જતો.

આજે રવિવારની મોડી સવારે અમીએ જ્યારે બાલ્કનીમાંથી ભંગારવાળાને બૂમ પાડીને બોલાવ્યો ત્યારે અજિતને નવાઈ તો લાગી, પણ ઊંડી ઊંડે ક્યાંક આનંદ પણ થયો. જમવાનું પૂરું કરતાં કરતાં અજિતે અમીને સંબોધીને કહ્યું, ‘ગામડેથી પટેલનો ફોન હતો. કે’તાતા કે બા-બાપુજીની તબિયત હાલતા બગડી જાય છે. એટલે બા-બાપુજીને હવે ગામડે રાખવાને બદલે, અહીં આપણી પાસે શહેરમાં રાખવાં વધુ હિતાવહ છે.’

અજિતની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં અમી સહિત દીકરા-દીકરીનાં મોં પર આછો અણગમો સ્પષ્ટ જોઈ શકાયો. અમીએ થોડી વાર રહીને કહ્યું, ‘અજિત, આપણે એમને રાખીશું ક્યાં? તું તો જાણે છે કે જુવાન છોકરાંવ હવે...’ અજિત લાચાર નજરે બેય સંતાનો સામે જોઈ રહ્યો. ગડમથલભરી સ્થિતિ વધુ વાર ન ટકી. અમીએ કહ્યું, ‘વેલ અજિત, તું હમણાં થોડા દિવસ વાતને ટાળવાના પ્રયાસ કર. ત્યાં સુધીમાં હું આપણા સર્વન્ટ રૂમને ખાલી કરવાનું કંઈક કરું છું. કહેવાય ભલે ભંગાર, પણ એનોય સરખો ભાવ તો મળવો જોઈએ કે નહીં!’ અજિત સ્તબ્ધ નજરે જીવનસંગિનીને તાકી રહ્યો.
અન્ય સમાચારો પણ છે...