માણસની ધારણાઓ ક્યારેક ધરાશાયી થવા જ સર્જાઈ હોય છે શું? સંપૂર્ણસિંહે એ વિચાર્યું. ઘણી બધી જહેમત પછી પણ વિચારોએ એનો કેડો ન મૂક્યો. એની વૃદ્ધ આંખોનાં બંધ પોપચાંમાંથી ખારાં પાણીની ધાર દદડી આવી.
દીકરીને પોતાની વાત ન સમજાવી શકવાની બેબશ-લાચારીથી સંપૂર્ણસિંહનું મન જાણે કે તરફરાટ કરી-કરીને દમ તોડી દેતાં કબૂતર જેવી લાગણી અનુભવી રહ્યું.
ના, દીકરીની કોઈ વાતને એ નકારતા નહોતા.
એક બાપ તરીકે દીકરીના એ નિર્ણયને પણ એણે ખેલદિલીથી સ્વીકારી જ લીધો હતો કે દીકરી પોતે પસંદ કરેલ પાત્ર સાથે જીવન જોડવા જઈ રહી છે. મૂળ પ્રશ્ન આ હતો જ નહીં.
સંપૂર્ણસિંહ જે વાત સમજાવવામાં પોતાની જાતને સંપૂર્ણ નિષ્ફળ રહ્યાનું માનતા હતા એ કદાચ એમના સ્વભાવની મર્યાદા હતી. જમવાના ટેબલ પર છેડાયેલી ચર્ચા, ન ચાહવા જેવી જુદી જ દિશામાં વહી ગઈ હતી અને કુશળ વાકપટુ ન હોવાના રંજથી સંપૂર્ણસિંહ વલવલીને રહી ગયા. દીકરીની મા તરફથી તો કોઈ મદદની આશા આમ પણ વ્યર્થ હતી.
વિદેશની ધરતી પર જીવનનાં 25-25 વર્ષ રહીને જે કંઈ કમાણી કરી હતી એનાં જ ફળ અહીં વતનની ભૂમિમાં રહીને મા-દીકરીએ ચાખ્યાં જ હતાં. પણ દીકરીના જન્મની સાથે જ વિદેશની કંપનીની અધધધ પગારવાળી નોકરીની ઓફરને હરખભેર પોતે સ્વીકારી હતી. બહુ બધા રૂપિયા કમાઈ લીધા પછી પોતે ઘરના સભ્યોને બહુ બધાં સુખ આપ્યાં છે. એવું માનવું કેટલું મોટું છળ હતું. એ જમ્યા વગર જ ચૂપચાપ ઊઠી ગયા હતા અને એણે તીવ્રતાથી અનુભવ્યું કે, પત્ની અને દીકરી પોતાનાથી જોજનો દૂર ઊભાં છે.
સહજીવનનાં અમૂલ્ય વરસોના સુખને માણ્યા વગર પોતે આંખો મીંચીને રૂપિયા ભેગા કરવા મચી પડેલા એ વાતની આ કિંમત વસૂલાતી હતી, કદાચ. સાત સમંદર પારનું ભૌતિક અંતર તો ઓગાળી દીધું હતું પોતે, પરંતુ આ સાવ હવે જેની નિકટ જીવી રહ્યા છે એ લોકોએ કેળવી લીધેલું અંતર કેમ ઓગાળવું? અને જે જે લોભામણી વાતોને વશ થઈને પોતે વિદેશ ગયેલા એ જ બધી વાતો દીકરી જેને પરણવાની છે એ છોકરો બોલી રહ્યો છે! ભવિષ્યનાં તમામ સુખોની ખાતરી અને સલામતી વિદેશની ઓફરમાં ત્યારે પણ હતી અને આજે પણ છે, પરંતુ એના માટે ચૂકવવી પડેલી કિંમત અને આપવો પડેલો ભોગ ત્યારેય નહોતો દેખાયો અને આજે જ્યારે પોતાને એ બધું દેખાઈ રહ્યું છે ત્યારે દીકરીના અને એના વચ્ચેનું અંતર.