કુમળી કળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુમળી કળી
જીવીને આંખે અંધારાં આવી ગયા. દૂરથી બિસ્કિટ્સ સામે ભૂખી નજરે જોતી જીવીની આંખોનું દૃશ્ય, પેટમાંના ભૂખ્યા શિશુ સુધી પણ પહોંચી ગયું હોય એમ પેટમાંથી પાછી એક નાજુક લાત જીવીને વાગી. ‘આજથી તારો હિસાબ પૂરો, હવે તારાથી ઈંટો ઉપાડવાનું કામ નહીં થાય.’ આજે સવારે જ પાછળની તરફ ચણાઈ રહેલા બહુમાળી મકાનના મુકાદમે આજે જ જીવીના ઉપસેલા પેટ તરફ જુગુપ્સાભરી નજર નાખીને કહ્યું હતું. હિસાબના નામે ચડત એક પૈસો પણ એને આપ્યો ન હતો. ‘શેઠ આવે ત્યારે હિસાબ લઈ જજે’ કહીને એણે પીઠ ફેરવી લીધી હતી.

બંગલાના ઝાંપાને અઢેલીને વધ્યા ઘટ્યાની આશાએ જીવી ઊભી રહી. એક અડવડિયું આવી ગયું. દીવાલનો ટેકો ન હોત તો એ નીચે પડી ગઈ હોત. પેટમાં રહેલા બાળકની લાતથી એક સણકો ઊપડયો. બંગલાના ઝાંપા સુધી પહોંચી ગયેલી જીવીએ સહેજ ડોક ખેંચીને અંદર જોયું. માળી કોઈ છોડની માવજત કરી રહ્યો હતો. શહેરનાં નામાંકિત સમાજસેવિકા અને બંગલાનાં માલિક ચારુબહેન ઇઝિચેર પર લાઇમ ટી અને સોલ્ટી બિસ્કિટ્સનો નાસ્તો કરતાં કરતાં મોબાઇલ પર કોઈની સાથે સાંજની મિટિંગ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં.

ઝાંપે ઊભેલી જીવીને જોતાં જ સમાજસેવિકા ચારુબહેન તાડૂકી ઊઠ્યાં, ‘પાછી પેટ ઉપાડીને હાલી આવી? તમને લોકોને પોસાતું નથી તો સરકારી દવાખાને જઈને બાળક પડાવી કેમ નથી નાખતાં? બે મિનિટ ખમ હવે, ડોક્ટરને હું જ ચિઠ્ઠી લખી આપું છું.’ પીઠ ફેરવીને ચારુબહેને માળીને સૂચના આપવાનું ચાલુ કર્યું.‘રઘુ, પેલા ગુલાબના છોડના કૂંડાને છાંયડામાં મૂકી દે. એમાં હમણાં જ કળી બેઠી છે. બિચારી તડકામાં મૂરઝાઈ ન જાય.’ કોણ જાણે કેમ, પણ આ વખતે પેટમાંના બાળકની લાત પણ જીવીને મૂરઝાયેલી લાગી.
 
અન્ય સમાચારો પણ છે...