તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતૃભક્તિ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માતૃભક્તિ

ધડકતાં હૃદયે એણે ફોન ઉપાડ્યો હતો.
‘ભાઈ, અત્યારે જ નીકળી જા, બા ઝાઝું ખેંચે એવું લાગતું નથી. શ્વાસ ઉપડ્યો છે. મોટા ભાઈની વાત સાંભળતાં જ એ દુકાન બંધ કરીને મારતી મોટરસાઇકલે ભાગ્યો હતો. બાની માંદગી દરમિયાન બન્ને ભાઈઓ દુકાન સાંભળવાના વારા કરતા હતા. હજી દુકાન ખોલી જ હતી અને મોટા ભાઈનો ફોન આવ્યો હતો.

કેટલી તકલીફો વેઠીને બાએ બન્ને ભાઈઓને મોટા કર્યા હતા. વિચારતાં વિચારતાં એની આંખે ઝળઝળિયાં આવી ગયાં. ‘બા સાથે મોં મેળો તો થઈ જશેને કે પછી?’ વિચારમાત્રથી મોટર સાઇકલની ઝડપ વધી ગઈ.
બસ, હવે ચાર કિલોમીટર તો છેટું હતું. ઘર તરફના રસ્તે જવા એણે જમણી તરફ ટર્ન માર્યો અને બ્રેક મારીને બાઇક રોકી દેવી પડી.
‘એ હીરો, અભી નહીં જા શકતે, મંત્રીજી કી સવારી આનેવાલી હૈ.’ એક હવાલદારે ડંડો બાઇકની આગળ રાખીને એને રોક્યો.

‘અરે સાબ! મેરી માં. આપ જરા સોચિયે, ઇસ રાસ્તે કે અલાવા કોઈ રાસ્તા ભી તો...’ એ રીતસર કરગરી પડ્યો. બાની માંદગી પાછળ છેલ્લા દસ દિવસથી દાઢી પણ થઈ શકી નો’તી.
‘અરે! ઐસે કૈસે જાને દે? ઉપર સે હુકમ હૈ ઔર યે તેરી દાઢી દેખ, લગતા ભી હૈ આતંકવાદી જૈસા. ચલ આઈ ડી નિકાલ.’, ‘હત્તારીની, ઉતાવળમાં પાકીટ તો ગલ્લા પર જ...’ લાખ કાલાવાલા છતાં હવાલદાર એકનો બે ના જ થયો, ઉપરથી બાઇક પણ રસ્તાના છેડે પાર્ક કરાવી દીધી. નેતાજીનું હેલિકૉપ્ટર તો હજી હવામાં દેખાતું પણ ન હતું. બાઇકને ભૂલી જઈને એણે ઘર તરફ પગપાળા દોટ મૂકી. ટોળામાંથી જગ્યા કરીને ઝડપી કદમે ભાગવું અશક્ય હતું.

સાંજે બાની સ્મશાન યાત્રા વખતે નનામી ઉપાડીને આગળ ચાલતાં એનાથી એક દુકાનમાં પડેલા ટીવી સામે જોવાઈ ગયું. આજ સવારે શહેરની મુલાકાતે આવેલા નેતાજીના ભાષણનું ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું.
‘ભારત મેરી માતા હૈ, માતૃભક્તિ સે વિશેષ મેરે લિયે ઔર કુછ ભી નહીં, મૈં જબ ભી વિદેશ કા દૌરા કરતા હૂં, તબ અપની માતા કે દર્શન કો તરસ જાતા હૂં.’
સવારે બાને છેલ્લી વાર ન મળી શકવાનો વસવસો, સણકો બનીને દિલની આરપાર નીકળી ગયો અને એણે ટીવીમાં દેખાઈ રહેલા નેતા સામે દાઝપૂર્વક જોઈને એક આમ આદમીને છાજે એવું કડવાશભર્યું  થૂંકી
નાખ્યું.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો