તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારા વજૂદ ખુશ્બુ સે ભર ગયા શાયદ તેરા ખયાલ હદોં સે ગુજર ગયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સારા વજૂદ ખુશ્બુ સે ભર ગયા શાયદ તેરા ખયાલ હદોં સે ગુજર ગયા
હં...મ...મ...મ...!’ મેં ચૌલાનો સોનોગ્રાફી રિપોર્ટ વાંચીને હજુ તો આટલું જ કહ્યું એટલામાં તો એનો પતિ સ્નેહલ આકળવિકળ થઈ ઊઠ્યો. આંખોમાંથી ચિંતા ટપકવા લાગી. ચહેરો તો આખેઆખો ચિંતાનો નકશો બની ગયો.
‘સર, શું છે રિપોર્ટમાં? મારી ચૌલાને કંઈ થઈ તો નહીં જાયને?’
‘અરે! ના રે ના! રિપોર્ટ તદ્દન નોર્મલ છે.’ મેં કહ્યું.

‘પણ તો પછી તમે ‘હં...મ...મ...મ’ કેમ કહ્યું?’
‘અચ્છા, મેં એટલું કહ્યું એમાં તમે ગભરાઈ ગયા એમને? પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. તમારી વાઇફનો સોનોગ્રાફી રિપોર્ટ સાવ નોર્મલ છે. અંદરના બાળકનું વજન લગભગ બે કિલો ને આઠસો ગ્રામ જેટલું છે. એના એક પણ અંગમાં સહેજ પણ ખોડખાંપણ નથી. એની મેચ્યોરિટી લગભગ સાડત્રીસ અઠવાડિયાં જેટલી છે. એની ફરતે ગર્ભજળનું પ્રમાણ પણ યોગ્ય માત્રામાં છે. પ્લેસેન્ટા પણ સલામત સ્થાને રહેલી છે.’
હું જેમ જેમ બોલતો ગયો તેમ તેમ સ્નેહલના ચહેરા પરથી, આંખોમાંથી, દેહના રૂંવે-રૂંવેથી ચિંતાનાં વાદળો એક પછી એક હટતાં ગયાં.

મેં ચૌલાની સામે જોયું. એ જાણે આ બધાંથી અલિપ્ત થઈને બેઠી હતી! સૌંદર્યની મૂર્તિ સમી ચૌલા ગર્ભવતી હોવાના કારણે હરી-ભરી લાગી રહી હતી અને મૂળ હશે એના કરતાં થોડીક વધુ રૂપાળી પણ.
સ્નેહલે હવે વાતચીતનું સુકાન બદલ્યું, ‘સર, અમે આપની પાસે આ જ હેતુથી આવ્યાં છીએ. આમ તો અમે નદીની પેલે પાર રહીએ છીએ. એટલે અમારા વિસ્તારના એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ પાસે નિયમિત રીતે ચેકઅપ માટે જઈએ જ છીએ, પણ ચૌલા તમારી વાચક છે એટલે ખાસ એના આગ્રહને લીધે અમે તમારી પાસે આવ્યાં છીએ. અમારે આપનો સેકન્ડ ઓપિનિયન જાણવો છે. બધું બરાબર છેને?’, ‘હા, મેં કહ્યુંને કે સોનોગ્રાફીનો રિપોર્ટ...’

‘એ તો હું સમજી ગયો, પણ તમે બીજા પેપર્સ પણ જોઈ લોને સર! આ ફાઇલ એટલે તો સાથે લઈને આવ્યાં છીએ.’
સ્નેહલની વિનંતીને માન આપીને મેં ફાઇલ હાથમાં લીધી. બ્લડ અને યુરિનના બધા રિપોર્ટ્સ વાંચી ગયો. લગભગ આઠ-સાડા આઠ મહિના સુધી ચૌલા જે ડોક્ટરને ત્યાં ચેકઅપ માટે જતી હતી એના તમામ કાગળો પણ હું જોઈ ગયો. બ્લડ પ્રેશર, ટીટેનસનાં ઇન્જેક્શનો, ગર્ભાશયનો વિકાસ આ બધું હું વાંચી ગયો. ક્યાંય કશું જ ‘એબનોર્મલ’ ન હતું. મેં ચિંતાનો કોથળો બનીને બેઠેલા સ્નેહલને કહ્યું, ‘શી ઇઝ નોર્મલ. એબ્સોલ્યુટલી નોર્મલ. નથિંગ ટુ વરી એબાઉટ.’

‘હાશ!’ સ્નેહલે રાહતનો શ્વાસ લીધો, ‘હવે મને શાંતિ થઈ, સર. અમારો ધક્કો વસૂલ થઈ ગયો. આટલે દૂરથી અમે આવ્યાં એ આના માટે જ.’
હું સ્નેહલને અને ચૌલાને જોતો રહ્યો અને વિચારતો રહ્યો, ‘કેટલું સુંદર યુગલ છે આ! જાણે ભગવાને એકમેકના માટે જ સર્જ્યાં હોય એવાં! ચૌલા સુંદર છે. અનહદ ચાહવાને પાત્ર અને સ્નેહલ પ્રેમી-પતિ છે, ચૌલાને અનહદપણે ચાહનારો પતિ. પ્રેગ્નન્ટ પત્નીની આટલી બધી કાળજી લેનારો પતિ ભાગ્યે જ જોવા મળે છે. હી ઇઝ સચ એ ગાય!’

મારી પાસે એન્ટિનેટલ કેર માટે આવતી મોટા ભાગની બહેનોની સાથે કાં એમની સાસુ આવતી હોય છે, કાં એની મમ્મી. માંડ દસેક ટકા જેટલી ગર્ભવતી બહેનોની સાથે એમના પતિ આવતા હોય છે. જ્યારે પણ હું આવા ‘પતિઓને’ જોઉં છું ત્યારે મનથી મુદિત થાઉં છું.
‘સર, એક વિનંતી કરું?’ સ્નેહલ હજુ કંઈક કહેવા માગતો હતો.

‘હા, બોલોને.’, ‘તમે દવાઓનાં નામ પણ વાંચી ગયાને?’, ‘હા, બધી દવાઓ યોગ્ય જ છે.’, ‘છતાં પણ જો તમને કંઈક ખૂટતું લાગતું હોય તો તમે એમાં ઉમેરો કરી દો, સારવારમાં જરા પણ કમી ન રહી જવી જોઈએ.’
હું હસ્યો. ચૌલાની સામે જોઈને મેં કહ્યું, ‘તમારા પતિ તમારી બહુ કાળજી લેતા લાગે છે.’
‘હા, સર. અહીં તો કંઈ નથી, ઘરે તો...’ ચૌલાએ વિગતવાર કહેવાનું શરૂ કર્યું.

ઘરમાં તો સ્નેહલ સગર્ભા પત્ની માટે સ્નેહનો મૂર્તિમંત અવતાર બની જતો હતો. એણે ક્યારે જાગવું, કેટલા કલાક ઊંઘવું, સવારે બ્રેકફાસ્ટમાં પ્રોટીનયુક્ત વાનગીઓ જ લેવી, ચાને બદલે દૂધ જ પીવું, એ પણ પ્રોટીનના પાઉડરવાળું જ, લંચમાં અને ડિનરમાં શું લેવાય, શું ન લેવાય, ફળો, વિટામિન્સ, ઇવનિંગ વોક, પ્રસૂતિ પૂર્વેની હળવી કસરતો, સારું-સાત્ત્વિક વાંચન, સૂતી વખતે મનને શાંતિ આપે તેવું સંગીત સાંભળવું વગેરે વગેરે.

‘સારી વાત છે. તમારો પતિ તમારો ડાયટિશિયન પણ હોય, ફિઝિયો પણ હોય, પેરામેડિકો પણ હોય અને ચોવીસ કલાક જાગતો રહેતો તમારો કેરટેકર (રખેવાળ) પણ હોય એનાથી વધારે રૂડું બીજું શું હોઈ શકે?!’
બંને જવા માટે ઊભાં થયાં. સ્નેહલ પહેલાં ઊભો થયો, પછી એણે પત્નીનો હાથ પકડીને ઊભા થવામાં આધાર આપ્યો. બંને બારણાં સુધી પહોંચ્યાં ત્યારે અચાનક ચૌલા થંભી ગઈ.
‘શું થયું ડાર્લિંગ?’

સ્નેહલ પાછો ચિંતાનું સગુણ, સાકાર ઘન સ્વરૂપ બની ગયો, ‘તને ચાલવામાં તકલીફ પડે છે? પેટમાં દુ:ખે છે? હું કાર અહીં સુધી લઈ આવું?’
‘ના, મને કશું નથી થયું. મારે ડોક્ટર સાથે બે-ચાર મિનિટ એકલાં વાત કરવી છે. તું થોડી વાર બહાર બેસીશ?’ ચૌલાએ સહજ સ્વરમાં કહ્યું.
‘અરે! કેમ નહીં? કેમ નહીં? તું નિરાંતે વાત કરી લે. બે-ચાર મિનિટ્સ શા માટે? બે કલાક સુધી પણ વાત કરીશ તો મને વાંધો નથી. તારે જે પૂછવું હોય તે ડોક્ટરને...’ પ્રેમમાં ગળાડૂબ બની ગયેલા ‘ઘેલાભાઈ’ બહાર ચાલ્યા ગયા. બારણું પણ જાતે જ ખેંચીને બંધ કરતા ગયા.

ચૌલા પાછી સોફા પર બેસી ગઈ. મને લાગ્યું કે એ હવે એના વધારે પડતી સંભાળ રાખતા પતિદેવ વિશે કંઈક ફરિયાદ કરશે. મેં પૂછ્યું પણ ખરું, ‘શું છે ચૌલા? તારો સ્નેહાળ પતિ સ્નેહલ તારી ઝીણી ઝીણી બાબત માટે આટલું ધ્યાન રાખે છે એ તને નથી ગમતું કે શું?’
‘ગમે છેને સર, બહુ ગમે છે. કોઈ પણ સ્ત્રીનું આવું જ સપનું હોય છે.’, ‘તો તારો પ્રોબ્લેમ શો છે?’, ‘બસ, એ જ તો પ્રોબ્લેમ છે. મને આવો પ્રેમાળ પતિ મળશે એવી મારી કલ્પના ન હતી.’, ‘મને લાગે છે કે તું
મારાથી કંઈક છુપાવી રહી છે. તારે મને કશુંક કહેવું છે?’

‘હા, એટલા માટે તો મેં સ્નેહલને બહાર બેસાડ્યા છે.’ ચૌલા આટલું બોલીને ચૂપ થઈ ગઈ. નીચું જોઈ ગઈ. જ્યારે કોઈ સ્ત્રી આવું વર્તન કરે ત્યારે એ માટેનાં બે જ કારણો હોઈ શકે છે, કાં એને શરમ આવતી હોય, કાં એણે કંઈક શરમજનક કૃત્ય કર્યું હોય.
‘સર, આ બેબી સ્નેહલનું નથી.’ ચૌલા હિંમત કરીને બોલી ગઈ.

‘હેં???’, ‘હા, સર. હું તમને વર્ષોથી વાંચું છું. તમારા માટે હું અજાણી હોઈશ, પણ તમે મારા માટે સ્વજન સમાન છો. મારા પાપની કબૂલાત કરવા માટે જ આજે હું તમારી પાસે આવી છું.’, ‘હં...મ..મ..!’
‘લગ્ન પહેલાં હું નિત્ય નામના છોકરાના પ્રેમમાં હતી. અમે બધી રીતે ઇન્ટિમેટ હતાં. લગ્ન ન થઈ શક્યાં. ઘણાં કારણો હતાં. હું સ્નેહલ સાથે પરણી ગઈ. શરૂઆતથી જ મેં નિત્યને કહી દીધું હતું કે સ્નેહલ તો મારો નામ પૂરતો જ પતિ હશે, ખરો પતિ તો એ જ હશે. અમારું મળવાનું ચાલ જ રહ્યું. આ બેબી એનું પરિણામ છે.’, ‘ઓહ!’, ‘સર, તકલીફ મારી પ્રેગ્નન્સી રહી એ પછી જ શરૂ થઈ. સ્નેહલે મારું એટલું બધું ધ્યાન રાખ્યું, એટલો બધો પ્રેમ વરસાવ્યો કે હવે હું અપરાધભાવ ફીલ કરું છું.

એણે મને જીતી લીધી છે. હું નિત્યને ભૂલવા માંડી છું, પણ હવે મને એવો વિચાર આવે છે કે મેં ભોળિયા શંભુ જેવા મારા પતિનો દ્રોહ કર્યો છે. હું અત્યારે પણ એને છેતરી રહી છું. જે બાળક માટે એ આટલી બધી કાળજી લઈ રહ્યો છે એ તો બીજા કોઈનું છે. હવે મારે શું કરવું? હું સ્નેહલને બધું જણાવી દઉં? કે આ બાળકને પડાવી...’
‘મારું માને તો આ બંનેમાંથી એક પણ પગલું ન ભરીશ. તારી પ્રેગ્નન્સી એટલી બધી આગળ વધી ગઈ છે કે હવે એબોર્શન શક્ય નથી અને સ્નેહલ તને એ હદે ચાહે છે કે જો તું એને બધું કહી દઈશ તો એ સહન નહીં કરી શકે. કદાચ આત્મહત્યા પણ કરી નાખે. માટે હવે તો બધું જેમ ચાલે છે તેમ જ ચાલવા દે!’

‘પણ મારા પેટમાં આ પાપ...?’, ‘ચૌલા, આ પૃથ્વી પર જન્મ લેતું કોઈ પણ બાળક કદીયે પાપ હોતું જ નથી. પાપ તો સ્ત્રી અને પુરુષે બાંધેલો અવૈધ સંબંધ હોઈ શકે છે. એ પણ ખાસ સંજોગોમાં જ. હું તને સલાહ આપું છું કે તું પ્રસન્ન રહીને તારી પ્રેગ્નન્સીની પૂરી મુદત પસાર કરી નાખ. સ્નેહલનો સ્નેહ મન ભરીને માણતી રહે. નિત્યને દિલમાંથી, દેહમાંથી અને દિમાગમાંથી પણ કાઢી નાખ. પૂર્ણપણે તારા સ્નેહલની બની જા! મારા તને આશીર્વાદ છે.’

(આ ઘટના અડધે સુધીની મેં વર્ષો પહેલાં લખી હતી. એ પછી એમાં થોડુંક નવું ડેવલપમેન્ટ થયું છે. સ્નેહલ-ચૌલાનાે દીકરો આનંદ હમણાં જ એક ખ્યાતનામ મેડિકલ કોલેજમાંથી હોશિયાર ડોક્ટર બનીને બહાર આવ્યો છે. સ્નેહલ એને સુપર સ્પેશિયાલિસ્ટ બનાવવા માટે થનગની રહ્યો છે. એના નર્સિંગ હોમ માટે બે કરોડ રૂપિયાની લોન લેવાનું વિચારે છે. નિત્યને એનાં પાપકર્મો નડી ગયાં છે. એનું લગ્નજીવન ભાંગી પડ્યું. દીકરો-દીકરી વંઠી ગયાં. એ પોતે પાઈ-પાઈનો મોહતાજ બનીને દરબદરની ઠોકરો ખાતો ફરે છે.)
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો