એ અસહ્ય વેદના, જાણે કોઈ શરમજનક કામ કર્યું હોય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજની સવાર જ અલગ હતી. આંખો ખૂલી ત્યારે આખા શરીરમાં દુખાવો થતો હતો. થોડી વાર પછી જે શંકા હતી તે સાચી પડી. હવે તો હદ બહારનો દુખાવો થતો હતો. સરુની હિંમત જ નહોતી થતી કે પથારીમાંથી ઊઠીને કંઈ કામ કરે. 


ગયા મહિને આવી જ હાલતમાં સ્કૂલે ગઈ હતી. એક હાથ ટેબલ પર અને બીજા હાથે પેટ દબાવતાં માથું નીચું કરીને બેઠી હતી. કંઈ બોલવાનું મન નહોતું થતું. ન તો ક્યાંય જવાની ઇચ્છા થતી હતી. અસહ્ય દુખાવો થતો હતો, જેમાંથી દરેક સ્ત્રી દર મહિને પસાર થાય છે. સરુની સ્થિતિ જોઈને તેની સાથેની શિક્ષિકાઓ સમજી ગઈ હતી કે તકલીફ શી છે અને હસીને કહ્યું પણ હતું, ‘આટલી હેરાન થાય છે તો આજે સ્કૂલે કેમ આવી?’ 


સાથેના પુરુષ શિક્ષકો પણ વિચારતા હતા કે સતત બોલબોલ કરનારી આ સરુ આજે ચૂપ કેમ છે? ચહેરો પણ સાવ નંખાઈ ગયો છે. એમને ખ્યાલ તો આવી ગયો હશે કે છોકરી જ્યારે પેટના દુખાવાની વાત કરે ત્યારે લોકોને સમજાઈ જાય છે. ત્રીજા દિવસે પેડનું નવું પેકેટ લાવવાની જરૂર પડી. પહેલાં ઘરે હતી ત્યારે મમ્મી પપ્પા પાસે મગાવી આપતી, પણ હવે આ શહેરમાં એકલી હતી. જરૂર હોય એ વસ્તુ જાતે જ લાવવી પડતી. એક દુકાન પર પેડ લેવા ગઈ હતી.

 

દુકાનદારને ત્યાં કામ કરતા છોકરાને જેવું નામ કહ્યું કે એ સાંભળીને એવી રીતે હસ્યો જાણે કોઈ શરમજનક કામ કર્યું હોય કે કરીને આવી હોઉં. આ જોઈને ગુસ્સે થયેલી સરુએ પૂછી જ લીધું, ‘હસવું શેનું આવે છે? ટીવી પર જાહેરખબર જોઈ હશેને. ખબર તો હશે કે આ શેના ઉપયોગમાં આવે છે? તારા ઘરમાં બહેન અને માતા પણ આનો જ દર મહિને ઉપયોગ કરતી હશે એટલે જ આટલું હસવું આવે છે.’ બંનેએ નીચું જોઇ કહ્યું, ‘સોરી...’ 


એ દિવસ પછી સરુ સાથે બંને સરખી રીતે વાત કરે છે. એ નથી સમજાતું કે એક પુરુષ પોતાના જ અસ્તિત્વ સાથે સંકળાયેલી વાતની મજાક કેવી રીતે ઉડાવી શકે? સ્ત્રીના ગર્ભમાં શિશુના વિકાસનું એકમાત્ર સાધન આ લોહી જ છે. હું એ જ છું જેના લીધે તમે આ દુનિયામાં છો. કહે છે કે તકલીફનો ખ્યાલ એને જ આવે જેને એવી તકલીફ પડે. સાચી વાત છે. પુરુષને શું ખબર પડે કે સ્ત્રી દર મહિને કેટલી પીડા સહન કરે છે, પણ શરમને લીધે ચૂપ રહે છે. દુનિયાની તમામ સ્ત્રીઓ પોતાની અડધીથી વધારે જિંદગી આ વેદના સહન કરીને વિતાવે છે. 

અન્ય સમાચારો પણ છે...