શ્રદ્ધા ટકી રહી તો શરણ સાંપડી ગયું મારાથી તો જિવાયું નહીં બંદગી વગર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પચીસેક વર્ષનો યુવાન. નામ પર્જન્ય. ત્રેવીસ વર્ષની એની પત્ની. નામ ચિન્મયી. નયનરમ્ય યુગલ. આવીને મારી સામે ગોઠવાયાં. મેં કેસપેપરનું રજિસ્ટર ઉઘાડ્યું. વિગત પૂછવાની શરૂઆત કરી, ‘નામ? તકલીફ? મારી પાસે આવવાનું કારણ?’
‘સર, પ્લીઝ! કેસ કાઢવાની જરૂર નથી. અમે તમારી પાસે કોઈ મેડિકલ સારવાર માટે નથી આવ્યાં. અમે તો અમારી સાંસારિક સમસ્યાં લઈને આવ્યાં છીએ.’ પર્જન્યે મને અટકાવ્યો.
મેં ચોપડો બંધ કરી દીધો. પેન બાજુમાં મૂકી દીધી. વાતચીતનો ‘મોડ’ બદલી નાખ્યો. પૂછ્યું, ‘બોલો! તમે બંને જણા સુંદર દેખાવ છો. સુખી ઘરનાં હોવ એવું પણ દેખાઈ આવે છે. તમારે વળી સાંસારિક સમસ્યા જેવું શું હોઈ શકે?’


‘ચિન્મયી, તું જ કહીં દે!’ પર્જન્યે પત્નીની સામે જોયું.
ચિન્મયીએ પોતાના હોઠો પર હથેળી દાબી દીધી, ‘હાય! હાય! મારાથી તો કહેવાતું હશે? શરમ ન આવે મને? તું પુરુષ છે, તું જ કહી નાખ.’
પર્જન્ય થોડી વાર સુધી જમીન તરફ માથું ઝુકાવીને બેસી રહ્યો. પછી હિંમત એકઠી કરીને એણે મારી સામે જોયું, ‘સર, મારામાં વિકાર પેદા નથી થતો.’
‘એટલે? હું સમજ્યો નહીં. એક બાજુ તું એવું કહે છે કે તમારાં બંનેમાંથી કોઈને શારીરિક સમસ્યા જેવું નથી અને બીજી તરફ તું ‘ઇમ્પોર્ટન્સી’ની વાત કરે છે?’
‘ના, સર. હું શરીરસુખ માણવા માટે પૂરેપૂરો સક્ષમ છું. અમારાં લગ્નને બે વર્ષ થવા આવ્યાં. અત્યાર સુધી અમારી ‘સેક્સલાઇફ’ સાવ ‘નોર્મલ’ હતી, પણ છેલ્લાં બે-ત્રણ મહિનાથી મને સંસાર પરથી વૈરાગ્ય આવી ગયો છે. માત્ર જાતીય સુખ પરથી જ મન ઊઠી ગયું છે એવું નથી, પણ સારાં-સારાં કપડાં, શૂઝ, કાર, બંગલો, સ્વાદિષ્ટ ભોજન, જરૂર કરતાં વધારે ધન કમાવું, આ તમામ ભૌતિક બાબતોમાંથી મન ઊઠતું રહ્યું છે.’


હું કટાક્ષમાં હસી પડ્યો, ‘તો દીક્ષા લઈ લેવી હતી ને! આ યુવતીની જિંદગી શા માટે બરબાદ કરી દીધી?’
‘લગ્ન કરતી વખતે મેં આવું વિચાર્યું ન હતું.’ પર્જન્યની વાત નિખાલસ લાગી.
‘તો હજી પણ ખાસ કંઈ બગડ્યું નથી. જો ચિન્મયીની સંમતિ હોય તો તું ડિવોર્સ આપી દે. એ નવેસરથી નવો સંસાર...’
અત્યાર સુધી ચૂપ રહેલી ચિન્મયી પહેલી વાર બોલી પડી, ‘ના સર. ડિવોર્સની તો વાત જ ન કરશો. હું મારા પર્જન્યના ગાઢ પ્રેમમાં પડી ગઈ છું. જો એ ન જ માને તો હું પણ સંસારમાં રહીને મારી તમામ કામનાઓને ભૂલી જવા તૈયાર છું, પણ રહીશ તો પર્જન્યની સાથે જ.’


હું વિચારમાં પડી ગયો. આ એક સાવ અજીબોગરીબ કિસ્સો મારી સામે આવ્યો હતો. એક બાજુ જોબનનો ધસમસતો પ્રવાહ અને બીજી તરફ સંયમ અને વૈરાગ્યનો અભેદ્ય બંધ. હું શું સલાહ આપું?
મેં પાયાનો પ્રશ્ન પૂછ્યો, ‘તો પછી તમે મારી પાસે શા માટે આવ્યાં છો?’
અને જે જવાબ મળ્યો તે પણ પાયાનો જ હતો, ‘તમે એક-બે સપ્તાહ પહેલાં સ્વામી વિવેકાનંદ વિશેના તમારા વિચારો, અનુભવો અને સંન્યાસી બનવાની વાત લખી હતી ને! એ વાંચીને અમને લાગ્યું કે તમે અમને જરૂર માર્ગદર્શન આપી શકશો.’


‘શાંતમ્ પાપમ્! ભાઈ, તમે મારી સામે બેસીને કેવા મહાન સંન્યાસીની વાત કરી રહ્યા છો? એમનામાં તો જન્મજાત યોગ્યતા રહેલી હતી, માટે જ તેઓ નરેન્દ્રમાંથી વિવેકાનંદ બની શક્યા. હું તો વાલ્મીકિ જેવો બનવા માટે મથી રહેલો વાલિયો છું. એ લેખમાં મેં માત્ર મારી છટપટાહટ વિશે જ વાત લખી હતી. એ વાંચ્યા પછી સેંકડો વાચકોએ મને ફોન દ્વારા કે મેસેજ કરીને જિજ્ઞાસા દર્શાવી છે, પણ હું પોતે હજુ અધ્યાત્મના પ્રવાસમાં છું, જો પરમાત્મા કરશે તો દસેક વર્ષમાં મંજિલે પહોંચીશ.’


મને એમ હતું કે મારો જવાબ સાંભળીને પર્જન્ય મારો છાલ છોડશે, પણ એ ટસનો મસ ન થયો. ‘તમારે અમને રસ્તો બતાવવો જ પડશે.’
મેં મારી સમજણનો સાર અને અનુભવનો નિચોડ આપવાનું શરૂ કર્યું, ‘પર્જન્ય! ચિન્મયી! જગતનો દરેક માનવી એકસાથે બબ્બે ચહેરાઓ સાથે જીવતો હોય છે. એક, જે એ બહાર પેશ આવે છે, બીજી જિંદગી જે તે ભીતરથી હોય છે. બધાને સારા દેખાવું છે, કોઈને સારા થવું નથી. હું પોતે આમાંથી બાકાત નથી રહ્યો, પણ છેલ્લા કેટલાક સમયથી મેં મક્કમ નિર્ધાર કરી લીધો છે. હું જેવો દેખાઉં છું એવો જ બની રહીશ. ખૂબ અઘરું છે આ કામ, પણ એ માટેનો નિર્ધાર વધુ મક્કમ હોવો જોઈએ.’


‘સર, સંયમ અને બ્રહ્મચર્ય માટે શું કરવું?’
‘સંયમ માત્ર જાતીય પ્રવૃત્તિ માટે જ લાગુ નથી પડતો. બધી ભૌતિક સુખ-સુવિધાઓને લાગુ પડે છે. એના માટે આપણાં શાસ્ત્રો કહે છે, ન જાતુ કામ: કામાનામ્, ઉપભોગેન શામ્યતિ! ઇચ્છાઓ ક્યારેય એના ઉપભોગથી શમતી નથી, જેવી રીતે અગ્નિને ઠારવા માટે જો ઘી નાખવામાં આવે તો અગ્નિ વધુ ભડકે છે એવું જ ઇચ્છાઓનું પણ છે. હું તો ખૂબ મોડો જાગ્યો છું, પણ તમે વહેલાં જાગી ગયાં છો.’


‘ધન કમાવા વિશે તમે શું કહો છો?’
‘ધન એ બધું નથી, પણ ઘણું બધું છે એવું લોકો કહે છે. હું પણ આવું જ માનતો હતો, પણ જિંદગીના આ પડાવ પર ઊભો છું ત્યારે ધનેચ્છા પણ ધીમે ધીમે ઓસરતી જાય છે.’
‘સર, તમે તો તમારી લાઇફમાં કંઈ જ ખરાબ કે ખોટું કર્યું જ નહીં હોયને?’ ચિન્મઈની આંખોમાં મારા માટેનો પૂજ્યભાવ છલકાતો હું જોઈ શકતો હતો.
‘કોણે કહ્યું? આઇ હેવ ડન સો મેની થિંગ્ઝ ધેટ એ જેન્ટલમેન શૂડ નોટ ડું. જીસસ ક્રાઇસ્ટની સલાહ યાદ છેને? આ પાપી સ્ત્રી પર એ જ માણસ પથ્થર ફેંકે જેણે જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય. હું પણ જગતના ચોકમાં ઊભેલી ભીડમાંનો જ એક છું.’


‘સર, મને માનવામાં આવતું નથી, તમે અમારી સમક્ષ આટલી હદે નિર્ભીક અને નિર્દંભ કબૂલાત કરો છો?’
‘હા, કારણ કે મારે ભૂતકાળના વાલિયાને હણીને એને એક સાધુપુરુષ બનાવવો છે. ઈશ્વરપ્રાપ્તિ માટે પહેલી શરત એ છે કે તમે સત્યવક્તા બનો, સ્પષ્ટવક્તા બનો, તમારી ભૂલો, મર્યાદાઓ અને તમારા સ્ખલનોનો સ્વીકાર કરો. કીચડમાંથી બહાર આવો. ક્યાં સુધી કાદવના તળાવમાં અત્તર છાંટીને ઊભા રહેશો? તમે કોઈને અપમાનિત કર્યા હોય, કોઈ સ્ત્રીનો મર્યાદાભંગ કર્યો હોય, કોઈને નુકસાન કરવાની કોશિશ કરી હોય તો આ બધાં માટે ઈશ્વરની સમક્ષ ક્ષમા યાચી લો! ભૂલ તો કોનાથી નથી થતી? યે ધરતી હૈ ઇન્સાનોં કી, કુછ ઔર નહીં ઇન્સાન હૈ હમ!’


‘સર, આપણા વિચારો સાત્ત્વિક બની રહે એ માટે શું કરવું જોઈએ?’ ચિન્મયીએ પૂછ્યું.
‘વિલાસી વિચારોનો ત્યાગ કરો. સોશિયલ મીડિયા પરનાં લપસણાં પ્રલોભનોથી બચવાનું રાખો. ફાધર વોલેસની ‘બ્રહ્મચર્ય’ પરની બુક વાંચો. તમને જેનામાં પૂરી શ્રદ્ધા હોય તેવા કોઈ સાચા સંતનાં પુસ્તકો વાંચો.’


‘તમે કોને વાંચો છો?’, ‘મેં તો રામકૃષ્ણદેવ, વિવેકાનંદજીથી લઈને મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ, વેદો, ગુર્જ્યેફ આ બધાં ખૂબ વાંચ્યાં છે. હાલમાં હું શ્રી ગણેશપુરી તીર્થના ભગવાન નિત્યાનંદ અને સ્વામી મુક્તાનંદજીનાં પુસ્તકોને વાંચી રહ્યો છું. ધ્યાન કરવાની સર્વશ્રેષ્ઠ સમજ મને એમાંથી મળે છે. કુંડળીની જાગૃતિની સાધનાનું પણ સચોટ વર્ણન એમાં આપેલું છે. એક પુસ્તકનું તો નામ જ ‘તિમિરથી તેજની તરફ’ છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આમાં એ જ વાત છે.’


પર્જન્ય અને ચિન્મયી સંતુષ્ટ થઈને ગયાં, પણ એ એકમાત્ર દંપતી ન હતું જેણે આ વાતમાં રસ દર્શાવ્યો હોય. ‘ડૉ.ની ડાયરી’નું આ સિલ્વર જ્યુબિલી વર્ષ ચાલી રહ્યું છે. તેમાં સૌથી વધુ સંખ્યામાં વાચકોને રસ પડ્યો હોય તો આ વાતમાં છે. સ્વામી વિવેકાનંદે લખ્યું છે, ‘દરેક દેશને એક ચહેરો હોય છે, ઓળખ હોય છે, ભારતનો ચહેરો અધ્યાત્મનો છે.’

અન્ય સમાચારો પણ છે...