વરસાદી નાળાં પર કેબીનો બનાવવાના ઠરાવની અમલવારી ઘોંચમાં પડશે ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકા દ્વારા કેટલીક વખત આંધળે બહેરૂ કુટાય તેવી સ્થિતિ જાણે અજાણે થતી હોય છે. હાલ બહૂમતિના જોરે ઠરાવ કરી નાખ્યા પછી ઠરાવની અમલવારી કરવામાં સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિમાં પાલિકાના વહીવટદારોને મુકાઇ જવું પડ્યું છે. કારણ કે કુદરતી વહેણ અટકાવીને તેની ઉપર કોઇ બાંધકામો થઇ શકતા નથી જ્યારે પાલિકાની સભામાં ગ્રીન પાન પેલેસ નેશનલ હાઇવેથી કલેક્ટર રોડ જતા નાળાની અંદાજે 300 જેટલી કેબીનો પાકી બનાવવા અને કવર્ડ કરવા રજૂઆત બાદ નક્કી કરવામાં આવ્યું હતું. તા.26-10-2019ની સભામાં ઠરાવ નં.1389થી થયેલો ઠરાવ હવે કેવી રીતે અમલમાં લાવવો તે અંગે અમલદારશાહી મુંઝવણમાં મુકાઇ ગઇ છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા વરસાદી નાળા પર કલેક્ટર રોડ પર આવેલી 300 જેટલી કેબીનોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષોથી આજ સ્થળે ધંધો કરીને પેટીયું રળતા દૂકાનદારોને રઝળતા ન થાય તે માટે રજૂઆતો થયા પછી તમામ કેબીનો દૂર કરીને ત્યાં નવે સરથી પ્રોજેક્ટ બનાવી સંબંધિત દુકાનદારોને નાળા પર કવર્ડ કરી દેવા માટે પણ નક્કી કરવામાં આવ્યું હતું. પાલિકા અને વેપારીઓ વચ્ચે અંદાજે સવા કરોડના ખર્ચે કામ કરવા માટે સહમતિ પણ અપાઇ હતી અને આ બાબતે આગળ વધવા માટે નગરપાલિકા દ્વારા ઠરાવ પણ કરી દીધા પછી પાછળથી કોઇ ધ્યાન દોર્યું કે, વરસાદી પાણીના વહેણ કે નદી તળાવ પર આ રીતે કોઇ બાંધકામો થઇ ન શકે. અને મંજુરી પણ આપી ન શકાય. અગાઉ આવી જ રીતે ઉભા થયેલા કોઇ વિવાદ અંગે પણ સંબંધિતોનું ધ્યાન દોરવામાં આવ્યા પછી હવે આ પરીસ્થિતિમાં શું કરવું તે હાલના શાસકો નક્કી કરી શકતા નથી. આ સ્થિતિમાં પાલિકા હવે કેવી રીતે આગળ વધે છે તે જોવું રહ્યું. પાલિકાના વર્તૂળો એવો પણ દાવો કરી રહ્યા છે કે, ઠરાવની અમલવારી થઇ શકે તેમ ન હોવાથી સંબંધિત વેપારીઓ પોત પોતાની રીતે બાંધકામ કરે તેવો રસ્તો કાઢવા માટે પણ વિચારણા થઇ શકે તેમ છે. દરમિયાન આ ઉભા થયેલા વિવાદ અંગે પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન વિજય મહેતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓએ ફોન રીસીવ ન કરતા પાલિકાનું મંતવ્ય જાણી શકાયું નથી.

ગેરવહીવટ | સમિતિની રચના પણ કરાઇ છે

હંગામી ધોરણે કેબીનો બનાવવા માટે કામગીરી પેટે કેબીન ધારકો પાસેથી નક્કી થયા મુજબની રકમ વસૂલવાની સાથે આ અંગેના નિયમ અને શરત બનાવવા સમિતિની પણ રચના કરવા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પાલિકાના પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, મુખ્ય અધિકારી અને પાલિકાના જૂનિયર એન્જીનીયરનો સમાવેશ થાય છે.

સચિવની ભૂમિકા બનતી હોય છે અગત્યની

સામાન્ય સભા કે કારોબારી કે અન્ય કોઇ સમિતિઓમાં કરવામાં આવતા ઠરાવોમાં નિયમ મુજબ ઠરાવથાય છે કે કેમ તે જોવાની જવાબદારી સંબંધિત વિભાગના સચિવ કે મુખ્ય અધિકારીની હોવાનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે. નિયમનો ભંગ થતો હોય તેવા ઠરાવ થાય તો આવા ઠરાવો રદ્દ કરવા માટે નિયમ મુજબ કલેક્ટરમાં અપીલ પણ કરવામાં આવતી હોય છે.
અન્ય સમાચારો પણ છે...