તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ પ્રમુખનું મલાઇદાર પદ કોને મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2019 સંદર્ભે મંડળ સંરચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ બે દિવસ પહેલા ગાંધીધામમાં પ્રમુખ અને મહામંત્રીની વરણી થનાર હતી. પરંતુ સમગ્ર રાજ્યમાં સંગઠનની રચનાની જાહેરાત ભાજપે મુલત્વી રાખી હતી. ગાંધીધામ, ભચાઉ, રાપરમાં તા.13ના સંબંધિત પ્રતિનિધિ જઇને હોદ્દેદારોની જાહેરાત કરશે. છેલ્લી ઘડી સુધી દાવપેચ ચાલુ રહ્યા હતા અને ગાંધીધામ શહેરમાં ભારે ખેંચતાણો ચાલી રહી છે. આ મહત્વનું પદ કોના ફાળે જશે તે અંગે ભર્યા ના‌ળીયર જેવી સ્થિતિને કારણે જો અને તોમાં બે જૂથ વચ્ચે ચાલતા સંઘર્ષનો કેવો ખેલ ભજવાય છે તે તો આવનારા દિવસોમાં ખ્યાલ આવશે.

શહેર ભાજપ માટે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સંગઠન નબળું પડતાં અવારનવાર ભાજપને લોકોની નજરે ઝાંખપ લાગે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. એક યા બીજા કારણોસર હુંસાતુંસી અને ટાંટીયા ખેંચની રમતને લીધે કાર્યક્રમો પર તો અસર પડી હતી પરંતુ નગરપાલિકામાં જ્યાં વર્ષોથી ભાજપનું શાસન છે ત્યાં પણ તેની સીધી કે આડકતરી અસર પડી રહી છે. જોવામાં આવે તો અગાઉ જે રીતે ભાજપનો સિદ્ધાંત હતો હું નહીં તો તુ પરંતુ હવે આ સૂત્ર પણ બદલાઇ ગયું છે. કોઇપણ કાળે તું તો નહીં જ તેવી પ્રવાહી સ્થિતિ જણાઇ રહી છે. રાજકીય ખટપટની સાથે સાથે ભજવાતા ખેલને લીધે ભાજપની ભવાઇ અવારનવાર ચર્ચાના સ્થાને આવી ચૂકી છે. દરમિયાન તા.13ના ભચાઉ તાલુકો સવારે 10 કલાકે શ્રવણ કાવડીયા આશ્રમ અને સવારે 11.30 વાગ્યે આજ સ્થળે શહેર માટે નામકરણની જાહેરાત કરાશે. ત્યાર બાદ ગાંધીધામ શહેર માટે સવારે 10 કલાકે અને તાલુકા માટે 11 કલાકે ભાજપના કાર્યાલયે બપોરે 3.30 કલાકે રાપર તાલુકો અને પાંચ કલાકે રાપર શહેરમાં જિલ્લામાંથી મોકલાવવામાં આવેલા પ્રતિનિધિ દ્વારા હોદ્દેદારોની વરણીની જાહેરાત કરવામાં આવશે. તમામ સ્થળો પર હાલ ચાલતી ખેંચતાણ પછી કયું જુથ મેદાન મારી જાય છે તે કહી શકાય તેમ નથી. જોકે, ભચાઉમાં પરીસ્થિતિ થોડે ઘણે અંશે સારી ગણી શકાય. અપેક્ષીત કાર્યકરોને સંદેશાઓ મોકલી આપવામાં આવ્યા છે. સંખ્યાની દ્રષ્ટીએ જોવામાં આવે તો ગાંધીધામમાં કેવો દેખાવ થાય છે તે તો કાલે ખ્યાલ આવશે.

અંજાર માટે 15મીએ બેઠક
મંત્રી વાસણભાઇ આહિરના વિસ્તાર અંજારમાં પણ ખટપટનો ખેલ ચાલુ જ છે. કોના ભાગે પ્રમુખ અને મહામંત્રીની ખુરશી આવે છે તે કહી શકાય તેમ નથી. રાજકીય દાવપેચો રમાઇ રહ્યા છે તેવા સમયે 15મીએ તાલુકા માટે સવારે 10 કલાકે અને શહેર માટે સવારે 11.30 કલાકે ધારાસભ્યના કાર્યાલયની ઉપરના હોલમાં બેઠક બોલાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...