ધોળાવીરાથી કુરન જાન લઇ જતી બે જીપ રણ વચાળે ફસાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ તાલુકાના ધોળાવીરાથી કુરન જાન લઇ જતી બે જીપ રણમાં મીઠાની પરત તૂટી જતાં ફસાઇ ગઇ હતી જેને પગલે જાનૈયાઅોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે, ટ્રેક્ટર દ્વારા મહામહેનતે જીપને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ધોળાવીરાથી કુરન કાચા માર્ગે 75 કિલો મીટરનું અંતર થાય છે જ્યારે પાકા રોડથી જવું હોય તો 330 કિલો મીટરનું લાંબું અંતર થાય છે. અામ 255 કિલો મીટરનો ફેરો બચાવવા અા જાન ખડીરથી ખાવડાના કાચા રસ્તા પર નીકળી હતી ત્યારે રણ વચાળે મીઠાની પરત તૂટી જતાં બન્ને જીપ ફસાઇ ગઇ હતી. અેક દિવસ પૂર્વે અહિંથી જાન પસાર થતી હતી તેનું વાહન પણ અાવીજ રીતે ફસાઇ ગયું હતું જે બીજા દિવસે કાઢી શકાયું હતું.

અા અંગે ધોળાવીરાના પૂંજાભાઇઅે જણાવ્યું હતું કે, ઘડુલી-સાંતલપુર રોડના ટેન્ડર બહાર પડ્યાને ખાસ્સો સમય વીતી ગયો હોવા છતાં કામ શરૂ નથી કરાયું. કાઢવાંઢ અને ધોળાવીરા વચ્ચે રણમાં 14 કિલો મીટરનું કામ પૂર્ણ થઇ ગયું છે હવે 14 કિલો મીટર જેટલું બાકી છે તેના માટે વિલંબ થઇ રહ્યો છે. જો અા માર્ગ બની જાય તો ખડીર અને ભુજ તાલુકાના પચ્છમ વિસ્તારનું અંતર નોંધપાત્ર રીતે ઘટી જાય તેમ છે. ખડીર અને પચ્છમ વચ્ચે દલિત પરિવારોના વર્ષોથી સામાજિક વ્યવહારો થાય છે. રણ સૂકું હોય ત્યારે અા સમાજ 255 કિલો મીટરનો ફેરો બચાવવારણના ટુંકા માર્ગે જ અાવવા જવાનું પસંદ કરે છે. અા માર્ગ સત્વરે બનાવાય તેવી માગ લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...