કંડલામાંથી કર્મચારીની શીફ્ટીંગના મુદ્દે ચાલતી લાલીયાવાડી બંધ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટના ચાલતા પોલમપોલ વહીવટની નસ પારખવા માટે નવા આવેલા ચેરમેને અભ્યાસ કર્યા પછી હવે ધીરે ધીરે પગલા ભરવાની શરૂઆત કરે તેવું વાતાવરણ ઉભુ થઇ રહ્યું છે. આજે મળેલી મીકેનીકલ એન્જીનીયરીંગ વિભાગના એચઓડી સાથેની બેઠકમાં ચેરમેને એવી તાકીદ કરી હતી કે, કર્મચારીઓને લાવવા હોય તો તે અંગે બોર્ડમાં દરખાસ્ત લાવો. આમ અગાઉ કેટલાક એચઓડી દ્વારા કંડલા પોર્ટમાંથી મહત્વના કર્મચારીઓને કોઇપણ કારણ વગર મમત્વ દાખવીને એઓ બિલ્ડીંગમાં લાવી દેવામાં આવતા જે તે સમયે ફરિયાદ ઉઠી હતી પરંતુ તેની સામે કોઇ પગલા ભરાયા ન હતા. પરંતુ હવે આ લાલીયાવાડી નીતિ પર અંકુશ આવે તેવા સંજોગો ઉભા થઇ રહ્યા છે.

પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચેરમેન એસ.કે. મહેતાએ આ કર્મચારીઓના શીફ્ટીંગનો મુદ્દો બોર્ડમાં લાવવા એચઓડીને તાકીદ કરી હતી. આ બેઠકની સાથે સાથે અન્ય બાબતોની પણ ચેરમેન મહેતા દ્વારા હોમવર્ક શરૂ કરી દેવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

28મીની બોર્ડ મીટિંગમાં ચેરમેન હાજર રહેશે
અંદાજે 14 મહિનાથી દેશના મેજર પોર્ટ ગણાતા સરકારી બંદરમાં નંબર વનનું બિરૂદ મેળવેલ કંડલા પોર્ટમાં સેનાપતિની વરણી કરવામાં આવી ન હતી. મુંબઇ પોર્ટના ચેરમેન સંજય ભાટીયાને ચાર્જ આપવામાં આવતા તેઓ બોર્ડ મીટિંગ સિવાય મહત્વના કોઇ દિવસોમાં અહીં આવ્યા ન હતા. દરમિયાન હવે પાંચ વર્ષ માટે રેગ્યુલર ચેરમેન તરીકે એસ.કે. મહેતાની વરણી કરી દેવામાં આવ્યા પછી તેઓ આગામી તા.28મીની બોર્ડ મીટિંગમાં કે જે તેની પ્રથમ બેઠક હશે તેમાં હાજરી આપશે. બોર્ડનો એજન્ડા પણ તૈયાર થઇ રહ્યો છે.

સેક્રેટરી વેણુગોપાલ 20મીએ આવશે
કંડલા પોર્ટના સેક્રેટરી અને ઉપાધ્યક્ષ બિમલ ઝાની બદલી પારાદીપ પોર્ટમાં કરવામાં આવી છે. તેના સ્થાને વિશાખાપટ્ટનમથી વેણુગોપાલને મુકવામાં આવ્યા છે તે 18મીએ રીલીવ થશે અને 20મી તારીખે અહીંનો ચાર્જ સંભાળશે. જ્યારે ઝા આગામી દિવસોમાં ચાર્જ છોડશે.

અન્ય સમાચારો પણ છે...