રિક્ષા ચાલકે ટક્કર માર્યા બાદ બુલેટ ડ્રાઇવરને મારતા મામલો પોલીસ મથકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ સંકુલમાં એક રાજવી ફાટક પાસે અને બીજો ગળપાદર પુલ પાસે એમ બે માર્ગ અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે, જેમાં રાજવી ફાટક પાસે પુરપાટ જઇ રહેલા રિક્ષા ચાલકે આગળ જતા બુલેટમાં ટક્કર માર્યા બાદ બુલેટ ચાલકને માર માર્યો હોવાની ઘટના નોંધાઇ છે તો ગળપાદર પુલ પાસે બેફામ ગતિએ જઇ રહેલા કન્ટેનર ટ્રેઇલર ચાલકે કારમાં ટક્કર મારી કારમાં નુકશાન પહોંચાડ્યું હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

રાજવી ફાટક નજીક ફાયર સ્ટેશન સામે બનેલી ઘટનામાં મીઠીરોહર ખાતે આહીરવાસમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 40 વર્ષીય શંકરભાઇ નગાભાઇ ગુજરીયા (આહિર) એ એ- ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, ગત બપોરે તેઓ પોતાના પુત્ર અશોક સાથે જીજે-12-ડીએચ-2868 નંબરનું બુલેટ લઇ ગાંધીધામ એસબીઆઇ બેંકમાં કામ પુરૂં કરી દોડ વાગ્યાના આરસામાં ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમીયાન રાજવી ફાટક નજીક ફાયર સ્ટેશનની સામે પાછળથી આવી રહેલા જીજે-12-એવી-3085 નંબરની રિક્ષા ચાલકે પાછળથી બુલેટમાં ટક્કર મારી હતી જેમાં બુલેટ પર સવાર બન્ને પિતા-પુત્ર પડી ગયા હતા. રિક્ષા ચાલકને ઉભો રાખી તને દેખાતું નથી એમ કહેતાં ઉશ્કેરાઇ ગયેલા રીક્ષા ચાલકે તેમના પુત્ર સાથે ઝપા ઝપી કરતાં તેઓ વચ્ચે પડ્યા હતા જેમાં વધુ ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે રીક્ષામાંથી લાકડી કાઢી તેમના પુત્રને કમરના ભાગે તેમજ ફરીયાદીને પગના ભાગે ઇજા પહોંચાડી નાસી ગયો હતો. પોલીસે રિક્ષા ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો ગળપાદર પુલ પાસે બનેલી ઘટનામાં ખારીરોહરની પીર કોલોનીમાં રહેતા અને મજુરી કામ કરતા 30 વર્ષીય ઇકબાલ સુલેમાન જામે ફરિયાદ નોંધાવી છે કે, ગત સાંજે ત્રણ વાગ્યાના આરસામાં તે જીજે-12-ડીએમ-5893 નંબરની કાર લઇને ખારીરોહરથી ગાંધીધામ જઇ રહ્યો હતો તે દરમીયાન ભચાઉથી ગાંધીધામ તરફના પુલિયા નીચે પુરપાટ જઇ રહેલા જીજે-બીડબલ્યુ-0006 નંબરના કન્ટેનર ટ્રેઇલરના ચાલકે ટક્કર મારતાં કારમાં નુકશાન પહોંચ્યું હતું. સદ્દભાગ્યે કોઇ ઇજા ન થઇ હોવાનું ફરીયાદીએ જણાવ્યું હતું. પોલીસે અકસ્માત કકરનાર કન્ટેનર ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાઇવે પર અવારનવાર અકસ્માતોના બનાવો નાના મોટી બને છે જેમાં કેટલીક કિસ્સામાં રસ્તા પર વાહનોનો ખડકલો કરી દેવામાં આવતો હોય તે પણ કારણભૂત બનતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...