ભંગાર હાલતમાં રહેલી કચરા પેટી બદલીને નવી મુકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજે 65 લાખના ખર્ચે કચરા પેટી અને કચરો ઉપાડવા માટે હાથલારી વસાવવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારમાં મુકવામાં આવેલી કચરા પેટી પૈકી કેટલીક કચરા પેટી રાતોરાત ગાયબ થઇ ગયાની સાથે સાથે બીજી તરફ કેટલીક કચરા પેટી તો ટુંકા ગાળામાં જ તુટવા લાગતા તેની ગુણવત્તાના મુદ્દે ફરિયાદ ઉઠી હતી. નગરપાલિકામાં આ બાબતે ચણભણાટ શરૂ થયા પછી સંબંધિત એજન્સીને બોલાવીને તાકીદ કરવામાં આવતા જે તે સ્થળે તુટેલી હાલતમાં રહેલી કચરા પેટી બદલવા માટે તૈયારી દાખવી હોવાની વાત બહાર આવી છે. પરંતુ નબળી ગુણવત્તાવાળા આ સરસામાનનો ઓર્ડર આપ્યો ત્યારે વ્યવસ્થિત રીતે ધ્યાન કેમ ન રખાયું તે સહિતના પ્રશ્નો પણ હાલ પાલિકામાં ચર્ચાના ચકડોળે ચડ્યા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારની સૂચનાથી શહેરને ચોખ્ખુ ચણાક બનાવવાની દિશામાં વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. નગરપાલિકાએ કરેલી કામગીરીને કારણે એકબાજુ દેશભરના સફાઇ સર્વેક્ષણમાં ત્રીજી વખત સારી એવી નામના મેળવવામાં નગરપાલિકા સફળ થઇ હતી. થોડાક દિવસ સફાઇ અભિયાન વ્યવસ્થિત ચલાવવામાં આવ્યા પછી જે તે સ્થિતિ ઉભી થઇ રહી છે. દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં કચરા પેટી મુકવા માટે આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રણેક મહિના પહેલા જ કચરા પેટી નવી વસાવવામાં આવી હતી. જે પૈકી કેટલીક પેટી તો રાતોરાત તુટવા લાગતા નબળી ગુણવત્તાનો મુદ્દો ઉભો થયો હતો. આ બાબતે જાણકાર વર્તુળના દાવા મુજબ એજન્સીને બોલાવીને તાકીદ કરવામાં આવતા જે તે સ્થળે તુટી ગયેલી કચરા પેટી કાઢીને તેના સ્થળે નવી કચરા પેટી મુકવા માટે કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

પગલા ભરવાનો અભાવથી લોકો ત્રસ્ત
નગરપાલિકા દ્વારા સફાઇ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ એક યા બીજા કારણોસર વ્યવસ્થિત લોકઉપયોગી સેવાઓ ઉભી થાય તે માટે પગલા ભરવામાં આવતા નથી, તેવો પ્રશ્ન અવારનવાર ઉઠે છે.જેને લીધે લોકો ત્રસ્ત પણ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...