શક્તિનગરમાં ગટર લાઇનના દબાણ હટાવો

DivyaBhaskar News Network

Mar 16, 2019, 02:20 AM IST
Gandhidham News - remove the pressure from the sewer line in shakti nagar 022025
ગાંધીધામ નગરપાલિકાને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા 36 કરોડના ખર્ચે ભુર્ગભ ગટર લાઇન નાખવા માટેના પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી છે. આ મંજુરી પછી જીયુડીસી હસ્તકની એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીએ વિવાદ ઉભા કર્યા છે. નબળું કામ થતું હોવાની ફરિયાદ પછી તપાસમાં તથ્ય જણાતા કામ બંધ કરી દેવાયું છે જ્યારે બીજી બાજુ શક્તિનગર વિસ્તારમાં ડ્રેનેજની લાઇન નાખવાની છે તે વિસ્તારમાં દબાણ હટાવવા માટે જીયુડીસી દ્વારા પાલિકાને જણાવવામાં આવતા આગામી દિવસોમાં આ બાબતે દબાણ હટાવની કામગીરી પાલિકાએ હાથ ધરવી પડે તેવી સ્થિતિ છે. જોકે, આ અગાઉ તંત્ર દ્વારા જો યોગ્ય રીતે પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન થયા પછી કાર્યવાહી શરૂ કરવામાં આવી હોત તો આવા પ્રશ્નો ઉભા ન થાત તેવો પણ પ્રશ્ન પાલિકાના વર્તુળોમાંથી ઉઠી રહ્યો છે.

શહેરમાં ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવવા સહિતના મુદ્દે નગરપાલિકા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવ્યા પછી જે તે સમયે ભુર્ગભ ગટર યોજનાના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવતા હતા. અગાઉ 208 કરોડની યોજના તૈયાર કરવામાં આવી હતી. પરંતુ પાછળથી તેમાં બદલાવ લાવીને અમૃતમ યોજના હેઠળ તબક્કાવાર ભુર્ગભ ગટર યોજના માટે જંગી રકમ પાલિકા માટે મંજુર કરવામાં આવી હતી. 36 કરોડના પ્રોજેક્ટમાં જીયુડીસી દ્વારા તાજેતરમાં કામગીરી શરૂ કરવામાં આવતા સપનાનગર વિસ્તારમાં દબાણના મુદ્દે કોઇ પગલા ભરવામાં આવ્યા ન હતા અને લાઇન નાખી દેવામાં આવી હતી. જે તે સમયે આ બાબતે રહીશો દ્વારા દબાણને લીધે વાંકીચુકી લાઇન નાખવામાં આવતા પાલિકા અને એજન્સીનું ધ્યાન પણ દોર્યું છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમિયાન ત્યાર બાદ શક્તિનગરમાં શરૂ થયેલા કામમાં ગરબડ ગોટાળા જણાઇ આવ્યા હતા. પાઇપલાઇન નાખવામાં આવનાર હતી તે નબળા હોવાની સાથે ચાર કીલોને બદલે એક કિલો લોખંડનો ઉપયોગ કરાતો હોવાનું જણાતા પાલિકાના અધિકારી અને જીયુડીસીના અધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને તે સમયે કામ અટકાવી દીધા પછી આપવામાં આવેલી સૂચના પછી હવે શક્તિનગર વિસ્તારમાં કયા કયા સ્થળે શું દબાણ છે તે અંગેનો ચાર્ટ જીયુડીસી દ્વારા પાલિકાને આપી દબાણ હટાવવા કહ્યું છે.

ગેરવહીવટ : બે તંત્ર વચ્ચેની લડાઇમાં પ્રજાનો ખો

સ્થાનીક સ્વરાજની સંસ્થામાં સરકારમાંથી આવતી તોતીંગ રકમની ગ્રાન્ટમાંથી કરવામાં આવતા કામોમાં કેટલાક કામો સારા થાય છે પરંતુ કેટલાક કામોમાં ગુણવત્તા સહિતના પ્રશ્નો ઉભા થાય છે. ફરિયાદ કરવામાં આવ્યા છતાં કોઇ પગલા ભરવામાં આવતા નથી. તેમાં અધિકારી અને પદાધિકારી તથા સંબંધિત એજન્સી સામે આંગળી પણ ચિંધાતી હોય છે. લોટ, પાણી અને લાકડાના કેટલાક કામો સંદર્ભે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ થઇ ચૂકી છે પરંતુ કોઇ જ કાર્યવાહી થઇ નથી. દરમિયાન જીયુડીસી અને પાલિકા વચ્ચે જે સંકલન સધાવવું જોઇએ તે સધાયું ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સંબંધિત પ્રોજેક્ટમાં હવે જેમ જેમ આગળ વધતા જશે તેમ તેમ જે જે વિસ્તારમાં ઉભી થનાર પરીસ્થિતિ અને દબાણ સહિતના મુદ્દે બન્ને વચ્ચે સંકલન સાધવામાં આવે અને નિયત સમયમાં કામ પૂર્ણ થાય તે માટે જો કામગીરી કરવામાં નહીં આવે તો પ્રજાના પૈસાનો વેડફાટ થશે તે વાત નક્કી છે. બે તંત્રની લડાઇમાં આખરે હાલ પ્રજાનો ખો થઇ રહ્યો છે.

આચારસંહિતા વચ્ચે દબાણ દૂર થશેે?

એક બાજુ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. અધિકારીઓને પણ જુદી જુદી કામગીરી ચૂંટણીલક્ષી સોંપવામાં આવી છે. વળી, ચૂંટણી આવનાર હોવાથી દબાણ હટાવવામાં કેટલાક સંજોગોમાં મુશ્કેલી પણ પડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. હવે જોવું એ રહ્યું કે, આ દબાણ દૂર કરવા માટે પાલિકા કયો વચગાળાનો રસ્તો કાઢે છે?

X
Gandhidham News - remove the pressure from the sewer line in shakti nagar 022025
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી