તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેટી પર હીટાચી ચલાવવા ન દેવાનો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટમાં જેટી પર પડેલા ગાબડાને કારણે પોર્ટ યુઝર્સને નુકશાન થવાની સાથે સાથે અકસ્માતો પણ થતા હતા. આ બાબતે ચેરમેનને રજૂઆત પણ કરવામાં આવી હતી. જેના પગલે તેઓએ નિરીક્ષણ પણ કર્યું હતું. દરમિયાન જેટી પર ઓપરેશનલ સમયે હીટાચી ચલાવવાને લીધે જેટીને નુકશાન થતું હોવાની ફરીયાદ ઉઠી હતી. આ ફરીયાદના અનુસંધાને ગઇ કાલે હીટાચી ચલાવવા ન દેવા આદેશ કરવામાં આવ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. આ સૂચનાના પગલે પોર્ટ યુઝર્સોએ આજે ચેરમેનની મુલાકાત લઇને અગાઉની પ્રર્થા મુજબ જેટી પર હીટાચી ચલાવવા માટે મંજુરી આપવા રજૂઆત કરી હતી. જેના પગલે હીટાચી ચલાવવા ન દેવાનો આદેશ માત્ર એક દિવસમાં બદલવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે. જોકે આ બાબતે પોર્ટ પ્રશાસન સત્તાવાર રીતે કહેવાનું ટાળી રહ્યા છે.

પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દેશના નંબર 1 બંદરમાં કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે વધુને વધુ કામગીરી થાય અને ખાનગી બંદરોની હરીફાઇમાં ટકી રહીને નમુનેદાર કાર્યવાહી થાય તે હેતુથી ચેરમેન એસ.કે. મેહતા દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે. આ બાબતે પોર્ટ પ્રશાસનને ધબકતુ કરવા માટે તેઓએ જુદી જુદી બાબતો પર ફોકસ કરીને ધીમે ધીમે આગળ વધવાની પદ્ધતિ શરૂ કરી હોય તેવું જણાઇ રહ્યું છે. દરમિયાન કંડલા પોર્ટની જેટીની હાલત ખરાબ હોવાને લીધે અવારનવાર અકસ્માતો થતા હતા. આ બાબતે કર્મચારીઓ તથા પોર્ટ યુઝર્સ અને યુનિયનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. ચેરમેન સહિતના અધિકારીઓએ પોર્ટની થોડા સમય પહેલા મુલાકાત લઇને આ બાબતે સૂચના આપી હતી. દરમિયાન ટ્રાફિક મેનેજર સાથે યોજાયેલી બેઠક પછી રબરની બેલ્ટ લગાવી હીટાચી ચલાવવા પોર્ટ યુઝર્સ દ્વારા જો સહમતિ આપવામાં આવશે તો યોગ્ય નિર્ણય લેવાશે. શુક્રવારે ફરી એક વખત બેઠક યોજાશે.

તબીબનું સસ્પેન્શન 15 દિમાં જ રિવોક કરાયું
યુનિયન, કર્મચારીઓ, ઓફિસર એસોસિએશન વગેરેની રજૂઆતનું પરીણામ
ભાસ્કર ન્યૂઝ.ગાંધીધામ

કંડલા પોર્ટની હોસ્પિટલમાં ચેરમેન દ્વારા બે તબીબોને આવેલી ફરીયાદ પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી કર્મચારીઓ, યુનિયન, ઓફિસર એસોસિએશન વગેરેએ એક તબીબની સેવાઓની નોંધ લઇને તેની કામગીરી અંગે ચેરમેનને રજૂઆતો કરી હતી. રજૂઆત પછી રીપોર્ટ યોગ્ય જણાતા ચેરમેને બે પૈકી એક તબીબ શર્માનું સસ્પેન્શન રિવોક કર્યું છે પરંતુ ઇન્કવાયરી ચાલુ રાખી છે. અન્ય એક તબીબ સામે શું કાર્યવાહી હજુ થઇ છે તેની વિગત બહાર આવી નથી.

કંડલા પોર્ટની હોસ્પિટલમાં ફરજ બજાવતા સીનીયર ડેપ્યુટી ચીફ મેડીકલ ઓફિસર ડૉ. સુભાષ શર્મા અને સીનીયર મેડીકલ ઓફિસર ડૉ.રવીન્દ્ર મલીકને ચેરમેન સંજય મહેતા દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા કર્મચારી વર્તુળોમાં તેના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. સસ્પેન્ડન પામેલા પૈકી શર્મા આ મહિને જ સ્વૈચ્છીક નિવૃતિથી નિવૃત થતા હતા. સસ્પેન્શન રિવોક કરીને ઇન્કવાયરી ચાલુ રાખવાનો હુકમ થયો છે.જ્યારે ડૉ. મલીકના મુદ્દે કોઇ નિર્ણય લેવાયો હોય તેમ જણાતું નથી.

સીએમઓએ જવાબ રજૂ કર્યો ?
કંડલા પોર્ટના ચીફ મેડીકલ ઓફિસર ડૉ. કાલીંદી ગાંધી સામે વહીવટી બાબતોની નિષ્કાળજી સહિતની બાબતને લીધે ચેરમેન દ્વારા શોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ પાઠવવામાં આવ્યા પછી બે દિવસમાં જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. દોઢ પાનાની શોકોઝમાં વિવિધ બાબતોને આવરી લેવામાં આવી છે. દરમિયાન ડૉ. ગાંધીએ ગઇ કાલે જ પોતાનો જવાબ બંધ કવરમાં આપી દીધો હોવાના સંકેત મળી રહ્યા છે. જોકે, તેને સત્તાવાર સમર્થન મળતું નથી.

8 સભ્યોની કમીટી પોર્ટની મુલાકાતે
બંદરોમાં કેટલીક વખત ઓઇલ લીકેજ સહિતના મુદ્દે પર્યાવરણને નુકશાન થતું હોવાને લીધે કાળજી રાખવા સહિતના મુદ્દે અને જરૂરી કામગીરી તથા જે કામ થઇ રહ્યું છે તેનું નિરીક્ષણ કરવાના હેતુથી નિમાયેલી 8 સભ્યોની કમીટી કંડલા પોર્ટની મુલાકાતે આવી છે. બે દિવસ દરમિયાન તે અહીં ધામા નાખશે. ઓઇલ સ્પેજ કમીટીએ વાડીનારની મુલાકાત લીધી હતી. હવે કંડલા બંદરની પણ મુલાકાત કાલે લેશે તેવી શક્યતા છે.

બપોરેના સમયે વાતાવરણમાં પલ્ટો
કંડલા બંદર પર ધૂળની ડમરી ઉડતાં દોડધામ
ભાસ્કર ન્યૂઝ.ગાંધીધામ

ગાંધીધામ- આદિપુર- કંડલાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કંડલા બંદર પર આજે બપોરના સમયે ધૂળની ડમરી ઉડતાં ત્રણેક મીનીટ સુધી મીની વાવાઝોડા જેવી સ્થિતિ ઉભી થઇ હતી. જોકે, ધૂળની ડમરી ઉડતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પરંતુ કોઇ નુકશાન થયું હોય તેવી વિગત બહાર આવી નથી.

કંડલા પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે બપોરના અંદાજે સાડા ત્રણ, પોણા ચાર કલાક આસપાસ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. પવન જોરદાર ફુંકાતા ધૂળની ડમરી પણ ઉડતાં કર્મચારીઓમાં વાવાઝોડાને લઇને ચિંતાની લાગણી જોવા મળી હતી. જોકે, વાવાઝોડું શાંત થઇ જતાં કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

મહિલા કર્મીની બદલી
બે અધિકારીઓ હેરેસમેન્ટ કરતા હોવાની ફરીયાદ કેપીટીની મહિલા કર્મચારીએ કરી હતી. અધિકારીઓ સામે પગલા ભરવાને બદલે મહિલા કર્મચારીની જ અન્ય શાખામાં બદલી કરી દેવામાં આવતા કર્મચારીઓમાં કચવાટની લાગણી જન્મી છે. અગાઉ એક ટ્રેનીંગ મહિલા કર્મીને પણ એક અધિકારીનો કડવો અનુભવ થયો હતો. ત્યારે પણ કર્મચારીને ન્યાય મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...