જર્જરીત ઇમારત દૂર કરવા નોટિસ અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને ડીઝાસ્ટર મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ વિવિધ પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. લોકોને જાનહાની થાય તેવી પડુ પડુ થાય તેવી ઇમારતો કે બીલ્ડીંગોને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં તેને નોટીસ આપીને ઇમારત દુર ન કરે તો પાલિકા જે તે મિલ્કતદારના ખર્ચે ઇમારત દુર કરશે તેવો મુડ બનાવ્યો છે. આ અંગે સેક્ટર-12માં તો બહુમંઝીલી ઇમારતની આવેલી ફરિયાદ પછી તેને તોડી પાડવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવતા દોડધામ મચી ગઇ છે. પાલિકાના દાવા મુજબ અન્ય કોઇ આવી જર્જરીત મિલ્કત સંકુલમાં નથી પરંતુ જાણકારો અન્ય કેટલીક મિલ્કતો જર્જરીત હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ કોઇ ફરિયાદ થતી નથી.

સુત્રોમાંથી મળતી માહીતી મુજબ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં જર્જરીત ઇમારતોથી કોઇ જાનહાનિ થાય તેવા બનાવ ન બને તે માટે આગોતરા પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સંકુલના જુદા જુદા વિસ્તારોમાં આવતી ઇમારતોનો સર્વે કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી રહી છે. દરમ્યાન અગાઉ કોઇ આવેલી ફરિયાદ પછી કરવામાં આવેલી તપાસ પછી સેક્ટર-12, વિસ્તારની ભુકંપ પહેલા બનાવવામાં આવેલી બહુમંઝીલી ઇમારતને નોટીસની બજવણી પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સંકુલની અન્ય આવી પડુ પડુ થતી ઇમારતોને દુર કરવા માટે નગરપાલિકા દ્વારા જરૂર પડયે મિલકતદારના ખર્ચે અને જોખમે મિલ્કતો ઉતારી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ તો નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામગીરી પછી જર્જરીત મિલ્કતોથી લોકોના જાન-માલને નુકશાન થાય તેવી શક્યતાના પગલે કોઇ રાજકીય પ્રેસર ન આવે તો આવી ઇમારત કે બિલ્ડીંગ દૂર કરવામાં આવશે તેમ જણાય છે.

સાવચેતી : ગાંધીધામ ભૂકંપ ઝોનમાં આવે છે
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ અગાઉ ભુકંપ પહેલા ગાંધીધામમાં ગ્રાઉન્ડ ફ્લોર + 4 ની ઇમારતને મંજુરી આપવામાં આવતી હતી. આ અંગે કેટલીક મિલકતો જે તે સમયે મંજુર થયા પછી બનાવવામાં પણ આવી હતી. ત્યારબાદ 2001માં આવેલા ભુકંપ પછી ઇમારતો નવી બનાવવાની સાથે તેમાં કેટલાક સુધારા વધારા પણ કરવામાં આવ્યા હતા. નિયમો બનાવીને ભુકંપ સામે રક્ષણ મળી રહે તે માટે નવી ઇમારતોનું બાંધકામ થાય તે માટે નિર્ણય લેવાયો હતો અને તે મુજબ જ સબંધીત ઓથોરીટી દ્વારા મંજુરી આપવામાં આવતી હતી. ભુકંપ ઝોનમાં આવતા ગાંધીધામમાં ત્યારપછી ગ્રાઉન્ડ પ્લસ 2 ની મંજુરી આપવામાં આવી રહી છે. અગાઉની જુની ઇમારતો છે તે સિવાય નવી કોઇ બિલ્ડીંગો બનાવવામાં આવે છે તેમાં ભુકંપ સામે રક્ષણ મળી રહે તેવી ડીઝાઇન અને અન્ય મટીરીયલ વાપરવા માટે કબ્જેદારને કહેવામાં આવતું હોય છે. અને તે મુજબ જ બાંધકામનું માળખું તૈયાર કરીને મંજુરી આપવામાં આવતી હોય છે.

પાલિકા માત્ર નોટિસ આપીને સંતોષ માને છે
નગરપાલિકા દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. હકીકતે કડક રીતે જે અમલવારી થવી જોઇએ તે થતી નથી. સંકુલમાં કેટલીક ઇમારતો જોખમી હોય તેને દૂર કરવી જોઇએ તેને બદલે માત્ર અવારનવાર નોટિસો આપીને નગરપાલિકા હાથ ખંખેરી લેતી હોય તેવું ચિત્ર પણ ઉપસી રહ્યું છે. સેક્ટર 12ની રીશી કોર્નર બિલ્ડીંગને નોટિસ આપવામાં આવ્યા પછી બે માળ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. પરંતુ પાછળથી કોઇ કારણોસર આ કાર્યવાહી અટકી ગઇ હતી. હવે જોવું એ રહ્યું કે, પાલિકાએ નોટિસ આપી છે પછી કચરા ટોપલીને હવાલે થાય છે કે કોઇ પરીણામ આવે છે? જોકે, આ બિલ્ડીંગમાં 50થી વધુ દુકાન- ઓફિસ, રેસ્ટોરન્ટ આવેલી છે. તેનો પ્રશ્ન પણ ઉભો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...