ગાંધીધામના મોટાભાગના વિસ્તારો કોરાકટ રહ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ- આદિપુર સંકુલમાં મેઘરાજાની બેવડી ચાલનો અનુભવ લોકોને આજે થયો હતો. સાંજના સમયે હળવા વરસાદી ઝાપટામાં આદિપુર, સુંદરપુરી, લીલાશાહ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે મુખ્ય બજાર, બેંકીંગ સર્કલ, ચાવલા ચોક સહિતના સ્થળો કોરાકટ રહ્યા હતા. અલબત પરોઢીયે વરસાદી ઝાપટું વરસ્યું હતું જે માત્ર પાંચ એમએમ નોંધાયું હતું. જોકે, પાણીના નિકાલની વ્યવસ્થા સહિતના અભાવને લીધે ઘણા ખરા વિસ્તારોમાં માંડ માંડ સ્થિતિ થાળે પડતી હતી ત્યાં ફરી પાણી ભરાવવાની નોબત આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે દિવાળી સુધી વરસાદ હોવાને લીધે નવરાત્રિના આયોજકોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. આજે જે તે સ્થળે થતી તૈયારીમાં મેદાનમાં પાણી પણ થોડા ઘણા અંશે ભરાયા હતા.

નવરાત્રિ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગાંધીધામ- આદિપુર સંકુલમાં જોવામાં આવે તો અંદાજે 80થી વધુ સ્થળો પર નાની મોટી ગરબીનું આયોજન થનાર છે. મફત અને પ્રોફેશનલ ગરબાના આયોજન માટે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરમિયાન આજે વાદળા ઘેરાયા પછી વરસાદી ઝાપટું પડતાં નવરાત્રિના આયોજકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે પરોઢીયે પણ પડેલા વરસાદને લીધે મેદાનમાં થોડું ઘણું પાણીના ખાબોચીયા જોવા મળ્યા હતા. જેનો નિકાલ કરવાની કામગીરીમાં આયોજકો લાગી ગયા હતા. આ વખતે નવરાત્રિના આયોજકોને અન્ય કેટલાય નિયમોનું પાલન પણ કરવાનું હોવાથી તે અંગે તાજેતરમાં પોલીસ દ્વારા બેઠક યોજીને સૂચના પણ આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...