તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • કચ્છમાં મેઘસવારીનું આગમન અડધાથી એક ઇંચ પાણી વરસ્યું

કચ્છમાં મેઘસવારીનું આગમન અડધાથી એક ઇંચ પાણી વરસ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઇ રહેલા ઉકળાટ બાદ ગુરૂવારે મઘરાજાએ ઝાપટાં રૂપે આગમન કરીને પૂર્વથી પશ્ચિમ સુધીના કેટલાક વિસ્તારોને ભીંજવ્યા હતા. ઝાપટા રૂપે વરસેલા અડધાથી એક ઇંચ જેટલા વરસાદથી ખેડૂતો અને પશુ પાલકોના ચહેરા ચમક્યા હતા. જિલ્લા મથક ભુજમાં બપોરે સામાન્ય છાંટા પડ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારમાં છાંટા પણ ન પડતાં આશ્ચર્ય ફેલાયું હતું. તાલુકાના માધાપરમાં બપોરે પડેલાં ભારે ઝાપટાં સાથે અડધા ઇંચ જેટલું પાણી વરસતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતા. આહિર પટ્ટીના પધ્ધર, ધાણેટી, મમુઆરા, લાખોંદ સહિતના વિસ્તારમાં ભારે ઝાપટાં પડ્યાં હતા. પચ્છમના જુણા અને તુગા તેમજ વેકરિયા રણ, સરગુ, ભીરંડિયારામાં અડધા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું.

પૂર્વમાં વાગડથી પશ્ચિમે લખપત સહિતના વિસ્તારોમાં મેઘો વરસતાં કિસાનો-માલધારીઓમાં આનંદ
પાવરપટ્ટી વિસ્તારના ઝુરા ગામે દિવસભરના ઉકળાટ બાદ સાંજે પોણા છ થી પોણા સાત વચ્ચે 1 કલાકમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડતા ગામના માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. મોસમના પ્રથમ વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. હાજીપીરમાં આખો દિવસ બફારો અનુભવાયા બાદ સાંજે ચાર વાગ્યાના અરસામાં મેઘાનું આગમન થયું હતું.

સાંજ નાં 7 વાગ્યાની આસપાસ રાપરમાં જોરદાર ઝાપટા રૂપે પાણી વહી નીકળ્યું હતુ અને શહેર ની બજારો માં જોસ ભેર પાણી વહી નીકળ્યા હતા. મોસમનો પ્રથમ વરસાદ હોતા લોકો આંનદથી ઝુમી ઉઠ્યા હતા. અડધા કલાકમા અંદાજે અડધા ઇંચ ઉપર પાણી પડયું હતુ . પીજીવીસીએલે પણ મુહૂર્ત સાચવ્યુ હતુ અને અડધા કલાક વરસેલા વરસાદમાં દોઢ કલાક લાઈટ બંધ રહી હતી. તાલુકાના આડેસર, ખાંડેક, મોડા, ફતેગઢ વગેરે ગામોમાં ઝરમર થી ઝાપટા રૂપે વરસ્યો હતો. ભચાઉ તાલુકાના ખારોઇ અને ખડિર વિસ્તારના અમરાપરમાં પણ વસેલાં ઝાપટાંથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. આ વિસ્તારના પશુ પાલકોમાં ખુશી ફેલાઇ હતી.

પશ્ચિમે નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાં અડધા કલાકમાં પોણો ઇંચ જેટલો વરસતાં ગામના ભોજરાઇ તળાવમાં નવા નીરની આવક થઇ હતી. જડોદર, ઉખેડા, કાદિયા, મથલ, રવાપર, ખાંભલામાં પોણોથી એક ઇંચ વરસતાં કિસાનો હરખાયા હતા. જાડાય વિસ્તાર બાજુ વાડીઓમાં છેલા વહી નીકળ્યા હતા.નખત્રાણા તાલુકાના નિરોણા વિસ્તારમાં સારો એવો વરસાદ પડવાથી ખેડૂતોમા ખુશી વ્યાપી ગઇ હતી.

લખપત તાલુકાના નરા, વણારવાંઢસહિતના વિસ્તારમાં અડધાથી પોણો ઇંચ વરસ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ પાણી વરસતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. દયાપર, ઘડુલી, મેઘપર, માતાના મઢ, વિરાણી સહિતના વિસ્તારોમાં ઝરમર રૂપે હાજરી પુરાવી હતી. હરોડામાં જોરદાર ઝાપટું પડતાં પાણી વહી નીકળ્યા હતા.

મુન્દ્રા પંથકના પૂર્વીય પટમાં વહેલી સવારે મેઘરાજાએ પૂનમની પધરામણી કરી હતી.સવારે સાત વાગ્યાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસતા ઝરમરિયા નવ વાગ્યે જોશ સાથે વરસી પડતાં નગરની શેરીઓમાં નીર વહી નીકળ્યા હતા.અને બસ સ્ટેન્ડ થી બારોઇ રોડ સુધીના મુખ્ય માર્ગો પર ખાબોચિયાઓનું સામ્રાજ્ય ફેલાયું હતું .જોકે અડધા ઇંચની અપેક્ષા વચ્ચે સ્થાનિક મામલતદાર કચેરીમાં સાત મિલી લિટર વરસાદ નોંધાયો હતો. તાલુકાના ભુજપર, દેશલપર, સમાઘોઘા સમેત પૂર્વીય પટાના ગોએરસમાં, શેખડીયા, ગુંદાલા અને ભદ્રેશ્વર વિસ્તારમાં ઝાપટું પડતાં ગેલમાં આવેલા કિસાનોએ વાવણીની તૈયારી આરંભી છે .

અન્ય સમાચારો પણ છે...