• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - વિકાસ કામના નામે રૂપિયાનો ધૂમાડો કરાશે?

વિકાસ કામના નામે રૂપિયાનો ધૂમાડો કરાશે?

વહીવટ નગરસેવક દીઠ 10 લાખની ફાળવણી કરાઇ : પાંચ કરોડની ગ્રાન્ટમાંથી કામ કરાવવા પાલિકાએ મુહૂર્ત કાઢ્યું ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:26 AM
Gandhidham - વિકાસ કામના નામે રૂપિયાનો ધૂમાડો કરાશે?

ગાંધીધામ નગરપાલિકામાં પાંચ કરોડની ગ્રાન્ટ લાંબા સમયથી આવીને પડી છે. આયોજનના વાંકે પડી રહેલી આ ગ્રાન્ટમાંથી ચોમાસા બાદ કામ શરૂ કરવા માટે હવે સત્તાધિશોએ આળસ મરડી છે. વોર્ડ દીઠ 40 લાખની ફાળવણી કરીને દરેક નગરસેવકને 10 લાખ રૂપિયાના કામ સૂચવવા માટે પાલિકાએ કંકોતરી મોકલી છે. 14મી તારીખ સુધીમાં જે તે વિસ્તારના સભ્યોએ કામ સૂચવવાના રહેશે. હવે જોવું રહ્યું કે, આ કામ સમયસર સૂચવાય છે કે કેમ અને ત્યાર બાદ ઝડપી રીતે કામગીરી થાય છે નહીં.

નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષના શાસનમાં ગત બોડીએ ફટાફટ કામોને મંજુરી આપીને લોક સુવિધા ઉભી થાય તે માટે પ્રયત્ન કર્યા હતા. ત્યાર બાદ મુદ્દત પુરી થતાં નવા આવેલા સુકાનીઓ દ્વારા જોઇએ તેવી હજુ ગતિ પકડવામાં આવી હોય તેમ જણાતું નથી. અગાઉ લાંબા સમયથી પાંચ કરોડની રકમ આવી છે તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને લોકોના કામો ઝડપી રીતે સારી રીતે સુવિધારૂપ બને તે દિશામાં પગલા ભરવા જોઇએ તે બાબતે હજુ પાલિકામાં સરવળાટ જોવા મળતો નથી. દરમિયાન હવે પાલિકાએ સોમવારે 52 સભ્યોને મેસેજ કરીને તેમના વિસ્તારમાં કયા કામ કરવાના છે તેની વિગત માગી છે. એક સભ્ય દીઠ 10 લાખ અને વોર્ડ દીઠ 40 લાખની ફાળવણી કરવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન વિજય મહેતાએ જણાવ્યું હતું કે, સભ્યો પાસે કામની માહિતી માગવામાં આવી છે, તે આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કામમાં ગુણવત્તાનો પ્રશ્ન જોવો પડશે

નગરપાલિકા દ્વારા કરવામાં આવતા કામોમાં અવારનવાર વિવાદ થયા છે. ગત બોડી વખતે ટકાવારી અને અન્ય મુદ્દાઓને લઇને ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. રસ્તા સહિતના કામોની ગુણવત્તા પણ નબળી જણાઇ હતી. જે તે વિસ્તારમાં થયેલા કામોમાં કામ નબળું થતું હોવાની ફરિયાદ ખુદ ભાજપના જ સભ્યોએ ઉઠાવ્યા પછી જે રીતે પગલા ભરવા જોઇએ તે ભરાયા નથી. પેવર બ્લોકના પાંચ કરોડના કામમાં પણ લોટ, પાણી અને લાકડાની ફરિયાદ ઉઠ્યા પછી હવે પાલિકા દ્વારા શું કાર્યવાહી થાય છે તેની ઉપર લોકોની મીટ મંડાણી છે. પરંતુ આ મુદ્દે પણ પાલિકાએ માંડવાળ કરી દીધું હોય તેવી સ્થિતિ જણાઇ રહી છે. વળી, કેટલાક કોન્ટ્રાક્ટરો પાલિકાને ગાંઠતા પણ નથી તેવી સ્થિતિ છે. તેમને આપવામાં આવેલા કામો સમયસર કરતા નથી. તેને લીધે પાલિકાને વગોવાવવું પડે છે. આ બાબતે પણ પાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ કડક હાથે કામ લેવાની જરૂર છે. જાગ્યા ત્યારથી સવાર સમજીને હવેના જે કામો લોક હીતના કરવામાં આવનાર છે તેમાં કોઇની શેહશરમ રાખ્યા વગર કામ થાય તે દિશામાં પદાધિકારીઓએ ધ્યાન રાખવું પડશે.

X
Gandhidham - વિકાસ કામના નામે રૂપિયાનો ધૂમાડો કરાશે?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App