તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

45 કરોડના ડ્રેનેજનું કામ પાલિકાને સોંપો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમૃતમ યોજના અંતર્ગત ગાંધીધામ નગરપાલિકાને ઝોન 3, 4 અને 5ના ડ્રેનેજનું 45 કરોડનો પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી તાજેતરની બેઠકમાં જીયુડીએમ દ્વારા મંજુર કરવામાં આવેલા પ્રોજેક્ટમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મહેસાણાનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. હવે અમલીકરણ જીયુડીસી દ્વારા કરવામાં આવનાર છે. જીયુડીસીનો ગાંધીધામ પાલિકાને સારો અનુભવ નથી. અગાઉ અપાયેલા કામમાં અનેકવિધ ફરિયાદો ઉઠી હતી અને આજે પણ તેનું પરીણામ પાલિકાને ભોગવવું પડતું હોય તેવું જણાઇ રહ્યું છે. કારોબારી સમિતિની મળેલી બેઠકમાં આ બાબતે ગંભીરતાથી વિચારણા કરીને 45 કરોડના ડ્રેનેજનું કામ નગરપાલિકા કક્ષાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સ્લટન્ટ મારફતે કામગીરી કરાવવા મંજુરી આપવા માટે જીયુડીએમ અને સરકારમાં દરખાસ્ત કરવા નક્કી કરવામાં આવ્યું છે. પાલિકા આગામી દિવસોમાં જીયુડીસીની નબળી કામગીરીનો ચિતાર રજૂ કરીને આ અંગે સરકારમાં પાલિકાને કામ આપવા માટે માગણી કરવામાં આવશે.

સંકુલમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અવારનવાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અગાઉ 208 કરોડની યોજના પણ તૈયાર કરવામાં આવી હતી. તૈયાર કરાયેલી આ યોજનામાં ડીઝાઇન સહિતની કેટલીક ખામીના મુદ્દે ચેમ્બરના હોલમાં યોજાયેલા પ્રેઝન્ટેશનમાં જે તે સમયે કોંગ્રેસના સમીપ જોશી, સંજય ગાંધી તથા અન્ય શહેરીજનોએ વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાના તત્કાલિન પ્રમુખ સુરેશ શાહના સમયમાં યોજાયેલી આ બેઠકમાં થયેલી વાતચિત પછી ડીઝાઇનમાં ફેરફાર સહિતના મુદ્દે સહમતિ આપવા નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો. દરમિયાન સરકારે અમૃતમ યોજના અંતર્ગત ડ્રેનેજની કામગીરી કરવાનું નક્કી કર્યું હતું. નવા નાકે દિવાળી કરીને એકડો ઘુંટવાની આ કામગીરીમાં અંદાજે આઠેક મહિનાથી વધુ સમય નિકળી ગયા છે. મંજુરી મળ્યા પછી પ્રથમ તબક્કામાં 45 કરોડના કામ નક્કી થયા હતા. પાલિકા કક્ષાએ જે તે વિસ્તારના કામ અંગે જરૂરી દરખાસ્ત પણ મોકલી આપી હતી. ઝોન 3, 4, 5ના ડ્રેનેજના આ કામોના ટેન્ડર જીયુડીએમ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા અને એલ-1 એજન્સી સુપર કન્ટ્રકશન મહેસાણાનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું. ટેન્ડર મંજુર થયા પછી હવે અમલીકરણની કામગીરી જીયુડીસીને સોંપવામાં આવી છે. પાલિકાએ તેનો અગાઉનો અનુભવ ખરાબ હોવાના મુદ્દે દલીલ કરીને આ અંગે પાલિકાને જ કામ સોંપવામાં આવે તેવી માગણી કરવા માટે તજવીજ હાથ ધરી છે. કારોબારી સમિતિના ચેરમેન વિજય મહેતાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જીયુડીસીએ કરેલું કામ નબળું હોવાના મુદ્દે સભ્યોની ફરિયાદ હતી અને તેને કારણે પાલિકા કામ કરે તેવી માગણી હોવાથી કારોબારી સમિતિમાં આ બાબતે ચર્ચા કરીને સરકારમાં પાલિકાને કામ આપવા ઠરાવ થયો છે.

સવાલ નીતિનો : સરકાર પાલિકાની દરખાસ્ત મંજુર કરે તો બકરૂં કાઢતા ઊંટ પેસી શકે છે
જાણકાર વર્તુળોના દાવા મુજબ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કરવામાં આવતા કામોમાં મહત્વના મોટા પ્રોજેક્ટોમાં જીયુડીએમ અને જીયુડીસી દ્વારા જ કામ કરવામાં આવે છે. ગાંધીધામમાં પણ આ રીતે જ જીયુડીસીને કામ સોંપવામાં આવ્યું છે. ડ્રેનેજની યોજનાનું કામ પાલિકા દ્વારા સરકારમાં મોકલવામાં આવશે પરંતુ પાલિકાની આ દરખાસ્ત સરકાર એટલા માટે મંજુર નહીં કરે કારણ કે, જો અહીં ફેરબદલ કરીને પાલિકા કક્ષાએ સમગ્ર પ્રોજેક્ટ આપી દેવામાં આવે તો અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ માથુ ઉચકી શકે અને તે પણ આવી જ રજૂઆત કરી શકે તેમ છે. આમ થાય તો બકરું કાઢતા ઊંટ પેઠે તેવી પણ સ્થિતિ ઉભી થાય.

પાલિકાના કામમાં લોટ, પાણી અને લાકડાની બૂમ
પ્રજાના પૈસાનો સદઉપયોગ થવો જોઇએ અને લોકોને સારી સુવિધા મળવી જોઇએ તે હકીકત છે. પરંતુ નગરપાલિકા કક્ષાએ કરવામાં આવેલા કેટલાક કામોમાં સારી ગુણવત્તા જોવા મળે છે પરંતુ અનેકવિધ કામોમાં નબળી કામગીરીની ફરિયાદ ઉઠી છે. લોટ, પાણી અને લાકડા વાળા કામો કરીને ટકાવારીના રાજકારણમાં અટવાયેલી પાલિકામાં જો આ ડ્રેનેજનો પ્રોજેક્ટ પણ આપી દેવામાં આવે તો સારી ગુણવત્તાવાળા કામ થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. તેમાં વ્યવસ્થિત રીતે આયોજન કરીને કડક અમલીકરણ કરવાની પણ જરૂર રહેશે.

2009-11માં નખાયેલી લાઇન હલકી કક્ષાની
જીયુડીસી દ્વારા ગાંધીધામમાં કરવામાં આવેલા પ્રોજેક્ટમાં 2009-11માં 10 કરોડના ખર્ચે ભુર્ગભ ગટરલાઇન નાખવામાં આવી હતી. આ કામગીરી ઉતરતી કક્ષાની અને અત્યંત ખરાબ હોવાથી શહેરીજનો અને પાલિકાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નબળી કામગીરી સામે જે તે સમયે રજૂઆતો પણ કરવામાં આવ્યા પછી કોઇ ઉકેલ આવ્યો ન હતો.

શહેરને સુંદર બનાવવાનું સ્વપ્ન સાકાર થશે ખરૂં?
મુંબઇના વતની અને કલા સાથે જોડાયેલા ભાવનાબેન ખત્રીએ તેની કલાના કૌવતથી શહેરને સુંદર બનાવવા સ્વપ્ન સેવ્યું છે. જ્યાં ગંદકી છે ત્યાં સફાઇ કરી પેન્ટીંગ કરવાનો નવતર અભિગમ રજૂ કર્યો છે. હાલ વિદ્યાર્થીનીઓ પ્રિયંકા ઠક્કર, મુશ્કાન વૈષ્ણવ, પુજા રાઠોડ, જયશ્રી, ભૂમી ચાંદરાણી, નીધિ ટાંક, આશા દેવરાની ટીમ તેમના માર્ગદર્શન હેઠળ ગટર પર ચિત્રકામ કરીને સુંદરતાનો વધારો કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ અભિયાને લોકોનો સારો એવો આવકાર મળી રહ્યો છે. કલાકારોના કામણ નિહાળતા પાલિકાના ચીફ ઓફિસર નિતીન બોડાત. ધર્મેન્દ્ર પ્રજાપતિ

અન્ય સમાચારો પણ છે...