તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્પેટ એરીયા મુજબ મિલ્કતની આકારણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સૂચનાના પગલે મિલ્કતો પર ક્ષેત્રફળ આધારીત મિલ્કત વેરો લેવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે. સંભ‌વત આવતી કાલથી જ શહેરના જુદા જુદા વિસ્તારમાં અમદાવાદની એજન્સીને કામ આપવામાં આવ્યું છે તેના દ્વારા આકારણી મિલ્કતોની કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવશે. અંદાજે 55 હજારથી વધુ મિલ્કત છે તેમાં વધારો થઇને 60થી 62 હજાર જેટલી મિલ્કત નોંધાઇ શકે તેવી શક્યતા હાલના તબક્કે જણાઇ રહી છે.

સરકાર દ્વારા નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 99(1)(1) મુજબ પાલિકાઓને વિવિધ પ્રકારની મિલ્કતના ક્ષેત્રફળ આધારીત વેરો લેવાની સત્તા આપવામાં આવી છે. જે મુજબ નિયમોથી નક્કી કરેલ શરતો અને જોગવાઇથી વેરા વસૂલાત થાય છે. રાજ્ય સરકારે 11મા સત્રમાં ખરડો પસાર કરીને આ નિયમની જોગવાઇ કરી તેના નિયમો તૈયાર કર્યા છે. જેમાં વસ્તીના આધારે અબકડ વર્ગમાં વિભાજીત કરી તમામ નગરપાલિકાઓ તેના ભૌગોલિક વિસ્તાર તથા વિકાસની દ્રષ્ટીએ એકબીજાથી ભીન્ન હોવાથી મિલ્કત વેરાની બાબતમાં કોઇ એકવાયતા કે એકરૂપતા નથી. વાર્ષિક ભાડા કિંમત, મિલ્કતની મૂડી કે કિંમતની ટકાવારી આધારે આકારણી થતી હતી. જેમાં વિવાદ પણ થતા હતા. પારદર્શકતા લાવવા કાર્પેટ એરીયા મુજબ આકારણી કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. ગાંધીધામ નગરપાલિકાએ આ અંગે સરકારની સૂચનાના પગલે અમદાવાદની એસ.એમ. બોઘરા એજન્સીને કામગીરી સોંપી છે. 20 લાખની રકમ અંદાજીત મંજુર પણ સામાન્ય સભામાં કરી દેવામાં આવી છે. જુદા જુદા વિસ્તારમાં ફરીને આ એજન્સીના માણસો દ્વારા આકારણી કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે એવો અંદાજ સેવાઇ રહ્યો છે કે, પાંચથી સાત હજાર મિલ્કતનો વધારો થઇ શકે તેમ છે. જેને કારણે પાલિકાને સારી એવી મિલ્કત વેરાની રકમમાં વધારો પણ થશે.

અર્થઘટન કેવી રીતે કરશો? : ક્ષેત્રફળ આધારીત વેરાની પદ્ધતિનું માપદંડ
કાર્પેટ એરીયા એટલે બહારની અથવા અંદરની દિવાલ જેની ઉપર ઉભી કરવામાં આવેલી હોય તે વિસ્તાર સિવાયનો ભોયતળીયાનો વિસ્તાર ગણાશે. સામાન્ય રીતે કાર્પેટ એરીયા વિસ્તારમાં અર્થઘટનના મુદ્દે અવારનવાર અન્ય કોર્પોરેશનોમાં મિલ્કત વેરામાં વિવાદ થયા છે. જેના સ્પષ્ટીકરણરૂપે હાલ કાર્પેટ એરીયા કયો ગણી શકાય તે નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કાર્પેટ એરીયા મુજબ મિલ્કત વેરા આકારવામાં આવતા ન હતા. તેમાં દેઠોક પદ્ધતિમાં કેટલીક વખત એકને એક જ વિસ્તાર અને તેટલી જ મિલ્કતની આકારણીમાં જમીન આસમાનનો ફેર આવતો હતો. આ ભ્રષ્ટનીતિને દૂર કરવાના હેતુથી સામાન્ય માનવી પણ પોતાને કેટલો ટેક્ષ આવશે તે સમજી શકે તે અંગે આ પગલું મહત્વનું ગણાવાઇ રહ્યું છે. રહેણાંકના ઝૂંપડાઓ પર અને ચાલીમાના રહેણાંકના ટેનામેન્ટ જે 25 ચોરસમીટરથી વધુ ન હોય તેટલો કાર્પેટ એરીયા ધરાવતા હોય તેવા દરેક ટેનામેન્ટ પર નગરપાલિકા નક્કી કરે તેટલી કરની રકમ વાર્ષિક ધોરણે લઇ શકાશે. અલબત આ રકમ રાજ્ય સરકાર રાજ્ય પત્રમાં જાહેરનામાથી નિર્દીશ કરે તો તેવી રકમથી ઓછી હોવી જોઇએ નહીં. જેનો કાર્પેટ એરીયા 40 ચોરસ મીટરથી વધુ ન હોય તેવી ઇમારતો માટે સામાન્ય રીતે રહેણાંકની ઇમારતો માટે નક્કી કરેલા દરથી નીચો હોય તેવો કર નગરપાલિકા નક્કી કરી શકશે.

40 ચોરસ મીટરથી વધુ ન હોય તેવી રહેણાંક ઇમારતોનું શું ધોરણ?
નગરપાલિકા અને તેના વિસ્તારમાં આવેલી રહેણાંકની ઇમારતો માટેનો કરનો પ્રતિ ચોરસ મીટર એક દર અને રહેણાંક સિવાયની બીજી ઇમારત માટે પ્રતિ ચોરસ માટેનો બીજો દર નગરપાલિકા નિયાકમની પૂર્વ મંજુરીથી મેળવી નક્કી કરી શકાશે. ઔદ્યોગિક એકમો અને કારખાનામાં 1થી 100 ચોરસ મીટરના બાંધકામ વિસ્તાર માટે બે રૂપિયા, 101થી 250માં દોઢ રૂપિયો, 251થી 500માં સવા રૂપિયો, 501થી 1000માં એક રૂપિયો, 1000થી વધુ ચોરસ મીટરમાં 75 પૈસા અને ખુલ્લા પ્લોટમાં 50 પૈસા ચોરસ મીટરના નક્કી કરવામાં આવ્યા છે.

શૈક્ષણિક સંસ્થાઓએ છૂટછાટનો ‘ગેર’લાભ લીધો હતો
નગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં નફો કરતી ન હોય તેવી સંસ્થાઓને વેરામાં કેટલીક છૂટછાટો આપવામાં આવે છે. જેમાં સંકુલની કેટલીક શાળાઓએ આ છૂટછાટનો લાભ લઇને મિલ્કત વેરો ઘટાડ્યો હોય તેવી સ્થિતિ છે અને તે અંગે જે તે સમયે ઉહાપોહ પણ થયો હતો. સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓ, ખાનગી બાળમંદિર, બાલવાટીકા, ખાનગી સરકારી શાળા, કોલેજ કોમ્યુનીટી હોલ, મદ્રેશામાં ચોરસ મીટરનો એક રૂપિયો નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે હવાડા, ન્હાવા ધોવાના ઘાટ, પાણીની પરબ, પાંજરાપોળ, ગૌશાળા, ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાઓને નગરપાલિકા દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલ અન્ય પ્રકારની ઇમારતોમાં 75 પૈસા ભારાંક નક્કી થયો છે. દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, મનોરંજન ગૃહ, સિનેમાગૃહ, હોટલ, સર્વિસ સ્ટેશન, લોજીંગ બોર્ડીંગ, ક્લબ હાઉસ, હોસ્પિટલ, દવાખાના, પ્રસૂતિ ગૃહ, કોઇપણ પ્રકારની લેબોરેટરી, ટ્યુશન ક્લાસ, શાળામાં ત્રણ રૂપિયાનો દર હાલના તબક્કે નક્કી થયેલો છે.

સમાનતાનું ધોરણ જળવાશે ખરૂં?
જાણકાર વર્તુળોના દાવા મુજબ મિલ્કત વેરાનો દર જે અગાઉ નક્કી થયો છે જે કેટલાક રાજકીય પરીબળો અને અન્ય આગેવાનો દ્વારા પોત-પોતાની રીતે તેની મિલ્કતોનો વેરો વસૂલાય તે માટે ગોઠવણ કરી હતી. જેને લીધે વધુ વેરો થતો હોવા છતાં તેનો ઓછો વેરો લેવાતો હોય તેવી સ્થિતિની ફરિયાદ ઉઠતી હતી. આ નવી નીતિને કારણે કોઇ પ્રેસર વગર કામ થશે તો સરકારનો અભિગમ સરશે નહીંતર સમાનતાનું ધોરણ નહીં જળવાય તેવી પણ દહેશત હાલના તબક્કે ઉઠી રહી છે. જે જોતાં આગામી દિવસોમાં વેરાની વસૂલાત માટે મહત્વના ગણાતા આ મિલ્કતની આકારણી અંગે કેવી રીતે કાર્યવાહી થાય છે તેની ઉપર પણ મદાર રહેલો છે. સરકારની સૂચના પછી નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર આ કાર્યવાહીમાં કેવી પદ્ધતિએ વ્યવસ્થિત કામગીરી થાય છે તે જોવું રહેશે. જો તેમાં રહેલી કેટલીક નબળાઇનો લાભ લેવાશે તો પાલિકાની તિજોરીમાં થનાર આવક પર ફટકો પડવાની સંભાવના પણ નકારી શકાતી નથી.

ગ્રેડ વાઇસ સંકુલના વિસ્તારો ઉડતી નજરે
એ ગ્રેડ : સમૃદ્ધ વિસ્તારમાં સેક્ટર 1, 2, 3, 4, વોર્ડ નં. 7-એ, બી, સી, ડી, ગુરૂકુળ, 10-એબી, 10-એએ,સી, 12-સી, અપનાનગર, એનયુ-3, શક્તિનગર, 2-બી, 3-બી, 5-બી વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.

બી ગ્રેડ : મધ્યમ વિસ્તારમાં ગાંધીધામ અને આદિપુરના જુના શહેરઉપરાંત સેકટર 5, 6, ભારતનગર વિસ્તારને આ વર્ગમાં આવરી લેવામાં આવેલ છે.

સી ગ્રેડ : નબળા વિસ્તારોમાં ગણેશનગર, રોટરીનગર, સેવાકુંજના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

દર ચાર વર્ષે આકારણી કરવાની હોય છે
નિયમ મુજબ સામાન્ય રીતે દર ચાર વર્ષે મિલ્કત વેરાની આકારણી કરવાની હોય છે. પરંતુ પાલિકા દ્વારા આકારણીની પદ્ધતિમાં ખાટલે મોટી ખોટ હોવાથી વિવાદમાં આવી છે. 2008માં આકારણી કરવામાં આવી હતી. ત્યાર બાદ થયેલી કામગીરીમાં વાંધા સૂચનો સાંભળવામાં આવ્યા હતા અને જે મુજબ પાલિકાએ પાછળથી વેરાની વસૂલાત માટે મિલ્કત વેરો નક્કી કર્યો હતો.

ચોરસ મીટર મુજબ વેરો
લોકેશન મુજબ (રહેણાંક)

એ ગ્રેડ 1.25 પૈસા

બી ગ્રેડ 1 રૂપિયો

સી ગ્રેડ 75 પૈસા

ભોગવટો (રહેણાંક,રહેણાંક સિવાયના હેતુ)

પરીબળ

મકાન માલિકા દ્વારા ઉપયોગ 1 રૂપિયો

ભાડુઆત દ્વારા ઉપયોગમાં - 1.25 રૂપિયો

મકાન બાંધકામનો પ્રકાર

સ્વતંત્ર બંગલો 1.25 રૂપિયો

ટેનામેન્ટ, રો-હાઉસ 1 રૂપિયો

ફ્લેટ 75 પૈસા

પોળ, શહેરી વિસ્તાર 75 પૈસા

ચાલી તથા ખુલ્લા પ્લોટ 40 પૈસા

રહેણાંક સિવાયના હેતુ માટેની મિલ્કતમાં 4 રૂપિયા
રહેણાંક સિવાયના હેતુની મિલ્કતમાં બેંક, પેટ્રોલપમ્પ, ગોડાઉન, વેર હાઉસ, વાણિજિક, ઔદ્યોગિક કચેરીઓ, સલાહકારો, તજજ્ઞોની કચેરી, બહુહેતુ વ્યાપારી કેન્દ્ર, મોબાઇલ ફોન, ટાવર તથા તેની કચેરી ઉપરાંત બીજા પણ પેટાખંડમાં આવતી ન હોય તેવી નગરપાલિકા દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલી સઘળી ઇમારતો પર ચાર રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. ચોરસ મીટર દીઠ નક્કી કરેલા આ ભાવ મુજબ આકારણી કરવાની થશે જેને લીધે સારો એવો ફાયદો થવાનો પાલિકાને અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...