વોર્ડ 2માં જ 3 સભ્યોને સમિતિના ચેરમેન બનાવી દેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકાની કારોબારી સહિતની સમિતિની રચના કરવામાં આવ્યા પછી હવે પોસ્ટમોર્ટમ શરૂ થયા છે. એક યા બીજા કારણોસર આદિપુરને અન્યાય કરીને મહત્વના હોદ્દામાંથી બાકાત રાખવામાં આવ્યાનો કચવાટ ઉભો થયો છે ત્યારે બીજી તરફ કેટલાક વોર્ડને લોટરી લાગી છે જ્યારે કેટલાકમાંથી એક પણ સભ્યને સમખાવા પુરતા લેવામાં આવ્યા નથી. આ બાબતે વ્હાલાદવલા નીતિ અપનાવીને ચેરમેન પદ અપાયાની રાવ પણ ઉઠી રહી છે.

સમિતિઓની રચનામાં બનાવવામાં આવેલા લિસ્ટમાં સ્થાનિક સ્તરે જે રીતે તૈયારી કરવામાં આવી હતી, તેમાં કાપકૂપ કરીને સમતોલન કરવાનો જિલ્લા કક્ષાએથી કરવામાં આવેલા પ્રયાસમાં કેટલાક કિસ્સામાં એક વોર્ડને વધુ મહત્વ આપીને બીજાને નારાજ કરી દીધા હોવાની વિગત મળી રહી છે. વોર્ડ નં.2માં પરમાનંદ ક્રિપલાણી, ઉષાબેન મીઠવાણી અને મોમાયા ગઢવીને ચેરમેન પદ આપી દીધું. આ ત્રણેય ઉપરાંત વોર્ડ નં. 10માં કાયદામાં મનોજ મુલચંદાણી, સેનીટેશનમાં વિમલેશ શર્માને વોર્ડ નં.4માં ગાર્ડનમાં દિવ્યાબેન નાથાણી, એસ્ટીબ્લીસમેન્ટમાં સુરેશભાઇ ગરવાને સ્થાન આપવામાં આવ્યું છે. ધારાસભ્યના વોર્ડમાંથી પબ્લીક વર્કર્સ સમિતિમાં ગેલાભાઇ ભરવાડને ચેરમેન પદ અપાયું છે. 13 નંબરમાં ત્રણ સભ્યો હોવા છતાં તેની બાદબાકીની સાથે વોર્ડ નં. 1 અને 6માં આવી જ રીતે કોઇને ચેરમેન પદ આપી શકાયું નથી. તે બાબતે પણ કચવાટ ચાલી રહ્યો છે.

કારોબારીના ચેરમેન આજે ચાર્જ સંભાળશે
કારોબારી સમિતિના ચેરમેન પદે નિમાયેલા અગાઉ લાઇટ કમીટીમાં ચેરમેન પદ ભોગવી ચૂકેલા વોર્ડ નં.5ના વિજયભાઇ મહેતા તા.14ના અષાઢી બીજના દિવસે બપોરે 12.39એ વિધિવત રીતે ચાર્જ સંભાળશે. આ અંગેના સંદેશાઓ પણ ભાજપના સભ્યોને અને આગેવાનોને પહોંચાડી દેવામાં આવ્યા છે. પરંતુ હવે જોવું એ રહ્યું કે, એક બાજુ રજા અને બીજી તરફ ભાજપના કેટલાક સભ્યો અને કાર્યકરોમાં અસંતોષ પછી કેટલા લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે. જોકે, કેટલાક નેતાઓ કમને પણ હાજરી પુરાવીને પક્ષની છબીને વધુ ન ખરડાય તે માટે પ્રયત્ન કરશે તેમ પણ હાલ જણાઇ રહ્યું છે.

10 સભ્યો ત્રણ કમીટીમાં સ્થાન પામ્યા છે
સમિતિઓની રચનામાં થયેલા કેટલાક ફેરફારને કારણે અનેક સમિકરણો પણ બદલાઇ ગયા હોય તેમ જણાઇ રહ્યું છે. ભાજપના 43 સભ્યો છે તેમાં પ્રમુખ અને ઉપપ્રમુખને બાદ કરવામાં આવ્યા પછી મહત્વના ચેરમેનો અને સમિતિના સભ્યોમાં જોવામાં આવે તો એક સભ્યને ફાળે ત્રણથી વધુ સમિતિઓમાં સ્થાન મળ્યું છે. ત્રણ સમિતિમાં સ્થાન મળ્યું છે તેમાં વિજય મહેતા, પન્નાબેન જોશી કે જેઓ જિલ્લા કક્ષાનો પણ સંગઠનમાં હોદ્દો ધરાવે છે. હરીભાઇ ગઢવી, તારાચંદ ચંદનાની, દિવ્યાબેન નાથાણી, ગેલાભાઇ ભરવાડ, મનોજ ચાવડા, પરમાનંદ ક્રિપલાણી, ચંદન જૈન, મોમયા ગઢવી વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...