Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
JNU: 10 હુમલાખોરનાં ચિત્ર જારી, આઈશી ઘોષ પણ શકમંદ
જેએનયુ હિંસાના પાંચ દિવસ બાદ દિલ્હી પોલીસે શુક્રવારે 10 હુમલાખોરોનાં ચિત્ર જારી કરી દાવો કર્યો કે વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ પણ શકમંદોમાં સામેલ છે. જે 10 વિદ્યાર્થીઓનાં ચિત્ર જારી કરાયાં છે તેમાંથી 8 ડાબેરી સમર્થક સંગઠન અને 2 એબીવીપીના છે. 10 શકમંદોમાંથી 4 જ જેએનયુ સાથે સંકળાયેલા છે. હિંસાની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અને એસઆઈટી પ્રમુખ જોય તિર્કીએ આ મામલે વિગતવાર ઘટનાક્રમ જણાવ્યો હતો. ...અનુસંધાન પાના નં. 2
તિર્કીએ કહ્યું- ‘યુનિવર્સિટીના મોટાભાગના વિદ્યાર્થી 1થી 5 જાન્યુઆરી સુધી ચાલી રહેલા વિન્ટર સેમિસ્ટર માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માગતા હતા પરંતુ ડાબેરી સંગઠનના વિદ્યાર્થીઓ તેના વિરોધમાં હતા. 13 જાન્યુઆરીએ આ જૂથે સર્વર બંધ કરી દીધું. 4 જાન્યુઆરીએ સર્વર રૂમને નુકસાન પહોંચાડ્યું. 5 જાન્યુઆરીની સાંજે 5.45 વાગે બુકાનીધારી હુમલાખોરોએ વીણી વીણીને વિદ્યાર્થીનીઓને માર્યા. મારપીટ કરનારામાં આઈશી ઘોષ પણ સામેલ હતી.’
જ્યારે આઈશી ઘોષે પોલીસ પર પક્ષપાતનો આરોપ મૂકતા કહ્યું કે, ‘મેં કંઈ ખોટું કર્યું નથી. પોલીસની પાસે મારી વિરુદ્ધ જે પણ પુરાવા છે તે જાહેર કરે. મને પણ મારવામાં આવ્યો હતો. છતાં મારી ફરિયાદ નોંધવામાં આવી નહીં. અમારું આંદોલન તોકતાંત્રિક ઢબે ચાલુ રહેશે.
હિંસામાં સામેલ હોવાનો દાવો
1. ચુનચુન કુમાર, પૂર્વ વિદ્યાર્થી, કેમ્પર્સમાં રહે છે. 2. પંકજ મિશ્રા, માહી-માંડવી હોસ્ટેલમાં રહે છે. 3. આઈશી ઘોષ 4. સુચેતા તાલુકદાર 5. પ્રિય રંજન, બીએ થર્ડ યરનો વિદ્યાર્થી 6. ડોલન સામંત 7. વિકાસ પટેલ 8. પંકજ કુમાર 9. વાસ્કર વિજય (એબીવીપી સભ્ય) 10. યોગેન્દ્ર ભારદ્વાજ, (એબીવીપી સભ્ય) પીએચડી સંસ્કૃત, (વોટ્સએપ ગ્રૂપ યુનિટી અગેન્સ્ટ, લેફ્ટનો એડમીન)
જેએનયુના 3 પ્રોફેસરે હાઈકોર્ટમાં અરજી કરી
જેએનયુના 3 પ્રોફેસરોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમની માંગ છે કે હિંસા સંબંધિત ડેટા, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા સંરક્ષિત રાખવાનો આદેશ આપવામાં આવે. તેનાથી સત્ય જાહેર થશે.
આ બુકાનીધારી હજુ લાપત્તા
હુમલાના દિવસે સોશિયલ મીડિયા પર ફરી રહેલ વીડિયોમાં દેખાતા બુકાનીધારી હુમલાખોરોને દિલ્હી પોલીસ હજુ સુધી ઓળખી શકી નથી