સુચના ન મળતાં અંજાર માર્કેટયાર્ડમાં રખાયેલું ખેડૂતોનું અનાજ જોખમમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી 48 કલાકમાં પાકિસ્તાનમાં સર્જાયેલ લોપ્રેસરના કારણે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ તેમજ વાવાઝોડું ફૂંકાવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આગાહી સંદર્ભે રાજ્યના યાર્ડમાં પડેલા માલને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલા ભરવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે, આવી કોઇ સુચના અંજાર માર્કેટયાર્ડમાં ન આવતાં ખેડૂતોના પડેલા એરંડાની બોરીઓ તેમજ ખેડૂતો દ્વારા લઈ આવવામાં આવતા અનાજને નુકશાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે.

જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ વાતાવરણમાં આવેલા પલ્ટા પછી ભારે પવન ફુંકાવવાની શક્યતાના કારણે નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલા ભરવા માટે સૂચનાઓ જુદા જુદા સ્તરે આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજ્યના જુદા જુદા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનું જે અનાજ કે અન્ય કોઇ સામાન પડ્યો હોય તેને નુકશાન ન થાય તે માટે પગલા ભરવા જાણ કરવામાં આવી હતી. જોકે, કેટલાક યાર્ડમાં આ સૂચના પહોંચી હોય તેવું જણાતું નથી. આ અંગે અંજાર એ.પી.એમ.સી.ના સેક્રેટરી મુરજીભાઈ મ્યાત્રાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડું કે વરસાદના પગલે હજુ સુધી સરકાર દ્વારા કોઈપણ સૂચના આપવામાં આવી નથી પરંતુ અંજાર માર્કેટયાર્ડમાં 3 વાગ્યા સુધી અનાજની હરાજી થઈ જતી હોઇ અને અહીંથી અનાજ ઉપડી જતું હોઇ અહીં અનાજને નુકશાન થાય તેવું કઈ નથી. એરંડું કે જે ખુલ્લામાં બહાર પડ્યું છે તે વરસાદથી બગડતું ન હોઈ અહીં કઇ ચિંતા જેવું નથી.

અન્ય સમાચારો પણ છે...