બિટ્ટાવલાડિયા ગામમાં ફરી ઢેલનું મૃત્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર તાલુકાના બિટ્ટાવલાડિયા ગામમાં પંદરેક દિવસ અગાઉ પવનચક્કીના ડીપી યાર્ડમાં મોરનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે વનવિભાગ દ્વારા મોરના મૃતદેહનું પી.એમ. કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ હજુ નથી આવ્યો ત્યાં ફરી આ જ ગામમાં પવનચક્કીના ડીપી યાર્ડથી 15 મીટર દૂર થાંભલા પાસે ઢેલનો મૃતદેહ મળતા ગામલોકો રોષે ભરાયા હતા અને પવનચક્કીને બંધ કરાવી વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

અંજાર તાલુકાના બિટ્ટાવલાડિયા ગામે ગત તા. 15/9/19ના સાંજે 5-30 કલાકે પવનચક્કીના ડીપી યાર્ડમાં મોરનું મૃતદેહ મળી આવ્યું હતું. જેને જોતા શોર્ટ લાગવાના કારણે મોરનું મૃત્યુ થયું હોય તેવું જણાઈ રહ્યું હતું. પરંતુ મૃત્યુનું સાચું કારણ જાણવા વનવિભાગ દ્વારા મૃતદેહનું પી.એમ. કરવામાં આવ્યું હતું. જેનું રિપોર્ટ હજુ સુધી નથી આવ્યું તેવામાં ફરી આજે સવારે પવનચક્કીના ડીપી યાર્ડથી માત્ર 15 મીટર દૂર થાંભલા પાસે ઢેલનું મૃતદેહ મળી આવતા ગામલોકો રોષે ભરાયા હતા અને એક તબક્કે પવનચક્કીને બંધ કરાવી નાખવામાં આવી હતી. ત્યારબાદ ગામલોકોએ ફરી અંજારના વનવિભાગનો સંપર્ક કરી બિટ્ટાવલાડિયા ગામે બોલાવેલ હતા. જ્યાં વનવિભાગ દ્વારા ફરી મૃતદેહનો પી.એમ. કરી રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યો હતો.

200 મોર હતા, જેની સંખ્યામાં ઘટાડો
ગામલોકોના જણાવ્યા અનુસાર બિટ્ટાવલાડિયા-દેવળીયા ગામની સીમમાં 200થી વધુ મોર હતા. પરંતુ પવનચક્કી આવવાથી હવે ધીમે ધીમે મોરની સંખ્યા ઘટી રહી છે. જેથી ગામલોકોમાં ખૂબ જ રોષ ફેલાઈ રહ્યો છે અને આ બાબતે હવે જો કઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

રિપોર્ટ આવ્યેથી કાર્યવાહી કરાશે-ફોરેસ્ટ
મોર તેમજ ઢેલના મૃત્યુ બાદ તેનું પી.એમ કરી રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. અગર આ રિપોર્ટમાં શોર્ટ લાગવાના કારણે મૃત્યુ થયું હોવાનું જણાશે તો પવનચક્કી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું અંજાર વનવિભાગના ફોરેસ્ટર નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...