તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારના તળાવમાં કિચડના કારણે વારંવાર ગાયો ફસાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર ગંગાનાકે આવેલા ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવમાં ગંદકીના કારણે કીચડ થયું છે અને એ કીચડમાં અઠવાડિયામાં 2 થી 3 વખત ગાય ફસાઈ જતી હોવાની ઘટનાઓ બની રહી છે. જે બાબતે સ્થાનિક કાઉન્સિલર અને પાલિકાના વિપક્ષી નેતા દ્વારા પાલિકા સમક્ષ વારંવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરેલી હોવા છતાં પણ પાલિકા ગાંઠતી ન હોઈ આ અંગે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

આ અંગે વોર્ડ ન. 8 ના કાઉન્સિલર અને અંજાર નગરપાલિકાના વિપક્ષી નેતા અકબરશા શેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગંગાનાકે આવેલા ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવમાં પાલિકા દ્વારા ગટરનો નિકાલ કરવામાં આવે છે. જેના કારણે તળાવમાં ખૂબ જ ગંદકી અને કીચડ રહે છે. જે કીચડમાં અઠવાડિયામાં 2 થી 3 વખત ગાય ફસાઈ જાય છે. જેથી અંદાજીત છેલ્લા 1 વર્ષથી વારંવાર પાલિકાને લેખિત તેમજ મૌખિક રીતે આ તળાવ માંથી ગંદકી દૂર કરી ગટરનો નિકાલ અહીંથી ન કરવામાં આવે તેવી રજુઆતો કરવામાં આવી છે પરંતુ આ અંગે પાલિકા અમારું ગાંઠતી નથી. આ ઘટનાઓથી સ્થાનિક લોકોની લાગણી દુભાઇ રહી છે.ગઈ કાલે જ એક ગાય કિચડના ખાડામાં પડી ગઈ હતી જેને બહાર કાઢવા માટે પાલિકાના કર્મચારીઓ અને અધિકારીને વિપક્ષી નેતા દ્વારા ટેલિફોનિક જાણ કરાઈ હતી જેથી થોડી વારમાં પાલિકાના માણસો આવે છે તેવું કહ્યા બાદ કોઈ પાલિકાના કર્મચારી ત્યાં આવ્યા જ નહીં અને બાદમાં ફોન ઉપાડવાનું પણ બંધ કરી મુકેલ જેથી ન છૂટકે સ્થાનિક લોકો દ્વારા ગાયને કીચડ માંથી બહાર કાઢવામાં આવી હતી. પાલિકાના કર્મચારીઓના અમાનુષી વર્તનના કારણે સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી પ્રસરી છે અને આ ઐતિહાસિક તળાવ માંથી તાત્કાલિક ગંદકી દૂર કરાય તેવી માંગ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...