Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચેટીચંડ નિમિત્તે કાઢવામાં આવતું જુલુસ રદ્દ કરવાની જાહેરાત કરાઇ
કોરોનાના પગલે સાવચેતીના પગલા ભરવા માટે કેન્દ્રમાંથી રાજ્ય અને રાજ્યમાંથી જિલ્લા કક્ષાએથી સંબંધિત એકમોમાં સૂચનાઓ આવી રહી છે. મોટો સમુહ એકત્ર ન કરવા સહિતની બાબતોને આવરી લઇ લેવામાં આવનાર પગલા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આગામી તા.25મીના રોજ ચેટીચંડ નિમિત્તે દર વર્ષે ગાંધીધામ- આદિપુરમાં ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ દ્વારા જે રીતે જુલુસનું આયોજન કરીને સાંજે સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવે છે તે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વમાં હાલ કોરોનાનો પંજો વિસ્તરી રહ્યો છે. તકેદારીના પગલા ભરવા અને આરોગ્યની જાળવણી માટે શું કરવું અને શું ન કરવું તે માટે માર્ગદર્શીકા પણ બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શીકા મુજબ સમુહ એકત્ર ન થવા સહિતની બાબતોને આવરી લેવામાં આવી છે. જેના પગલે અગાઉ સંકુલમાં કેટલાય કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા. જેમાં ડીપીટી વગેરેનો સમાવેશ થાય છે. દરમિયાન ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટના પ્રમુખ કુંદનકુમાર ગોવાલાણીએ કરેલી જાહેરાત મુજબ ટ્રસ્ટ દ્વારા 25મીના ચેટીચંડના જુલુસનો પ્રોગ્રામ અને તા.26ના સિંધુ ભવનમાં થનાર સંગીતનો કાર્યક્રમ રદ્દ કરવાની જાહેરાત કરી છે. માત્ર ગાંધીધામ ખાતે ઝૂલેલાલ મંદિરમાં સવારે 7થી રાત્રે 10 સુધી દર્શન અને
પ્રસાદીનું આયોજન ચાલુ રાખવામાં આવ્યું છે.