તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૈત્રી રોડ પરના 40 દબાણકારોને દબાણ દૂર કરવા નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ- આદિપુરમાં દબાણકારોનો રાફડો ફાટ્યો છે. કેટલાક સંજોગોમાં પાલિકાની નબળી નીતિને કારણે દબાણકારોને પ્રોત્સાહન મળતું હોય તેવી સ્થિતિ ઉભી થતી હોય છે. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રોડના નવીનીકરણ માટે આપવામાં આવેલી નોટિસ પછી કેટલાકે સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતા. બાકીના પાલિકાએ હટાવ્યા હતા. ત્યાર બાદ હવે આદિપુરના મૈત્રી રોડ પર ઓટલા તથા દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલી અડચણરૂપ દબાણને દૂર કરવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 40 જેટલા દબાણકારોને આજે નોટિસ આપીને સાત દિવસમાં જો દબાણ ન હટે તો પાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

ગાંધીધામ- આદિપુર સંકુલમાં દબાણ દૂર થાય તે માટે નગરપાલિકા દ્વારા જે રીતે પગલા ભરવા જોઇએ તે રીતે અગાઉ લેવાયા નથી. જેને લીધે કેટલાક કિસ્સામાં તો લીટીગેશનો પણ ઉભા થઇ ચૂક્યા છે. વાદ વિવાદ પછી આપવામાં આવેલી નોટિસોની કામગીરીમાં પણ જોઇએ તેવી કડકાઇથી કામ થતું નથી. ઉપર છલ્લી કામગીરી કેટલીક વખત કરવામાં આવે છે પરંતુ છેલ્લે કરવામાં આવેલી કાર્યવાહીને કારણે ઇફ્કોના દબાણ રસ્તાના દૂર કરીને પીડબલ્યુડી સાથે મળી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેની અસર અન્ય વિસ્તારના દબાણ પર પણ પડી હતી. હેમાંગ પટેલના દવાખાનાથી સુંદરપુરી ચાર રસ્તા સુધીના રસ્તાને ફોરલેન કરવા અડચણરૂપ દબાણો દૂર કરવા આપવામાં આવેલી નોટિસ પછી દબાણો દૂર પણ થઇ ગયા હતા.

દબાણ દૂર થાય પછી તરત આવી જાય છે
ગાંધીધામ- આદિપુરમાં હાલ નગરપાલિકામાં આઇએસ અધિકારી અર્પણા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યો છે. ટુંકા ગાળા માટે પ્રોબેશનરી અધિકારી ધારે તો ઘણું બધું કરી શકે તેમ છે પરંતુ આગામી દિવસોમાં તેઓ શું કરે છે તેની ઉપર લોકોની નજર રહેશે. અગાઉ જે તે સ્થળે દબાણ દૂર કરવામાં આવ્યા છે ત્યાં ટુંકા ગાળામાં જ દબાણો યથાવત આવી જતા હોય છે. દબાણ દૂર થયા પછી ફરીથી ન થાય તે માટે પાલિકા પાસે કોઇ ચોક્કસ તૈયારી ન હોવાથી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપની નીતિ ચાલતી હોય છે.

ખાનગી વ્યક્તિઓ હપ્તા લે છે?
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ પાલિકાની જમીન પર દબાણ થાય તે માટે ચોક્કસ લોકો દ્વારા પીઠબળ પુરૂં પાડવામાં આવતું હોય છે અને તેને પ્રસાદી પણ નિયમિત રીતે આપવામાં આવતી હોય છે. કેટલાક કિસ્સામાં રાજકારણીઓના દબાણ પણ આવતા હોવાથી પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી થઇ શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...