જન્માષ્ટમીની રજાઓમાં કચ્છના યાત્રાધામો ઉભરાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં ભદ્રેશ્વર પાસેનાં ચોખંડા મંદીર પાસે ભારે ભીડ જોઇ શકાય છે)
- જન્માષ્ટમીની રજાઓમાં કચ્છના યાત્રાધામો ઉભરાયાં
- રાતવાસો કરવા હોટલ, સમાજવાડી ઓછી પડી : પુરતો પોલીસ બંદોબસ્ત ન હોતા ઠેર-ઠેર ટ્રાફિક થયો : વેપારીઓના દબાણોએ ભાવિકો માટે સર્જી મોકાણ

દયાપર : શ્રાવણી પર્વ સાતમ-આઠમના તહેવારોની જાહેર રજાઓ નિમિત્તે પ‌શ્ચિ‌મ કચ્છના પવિત્ર ર્તીથસ્થાનો માતાના મઢ, ના.સરોવર, કોટેશ્વર, ગુનેરી સહિ‌તના સ્થાનોમાં અનેક પ્રવાસી ભાવિકોનો ઘસારો રહ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે સાતમ-આઠમના ત્રણેક દિવસ દરમિયાન અંદાજે સવા લાખ માઇ ભક્તએ માના ચરણોમાં શીશ નમાવ્યું હતું, તો બીજી તરફ મીની મેળા જેવા માહોલ વચ્ચે ર્તીથસ્થાન સાંકડું પડયું હતું. પ્રવાસીઓની ભીડ તેમજ બસ સ્ટેશનથી છેક ચાચરા કૂંડ તેમજ રવાપર તરફના હાઇવે માર્ગ પાસેની ખુલ્લી જગ્યામાં વાહનોની લાંબી-લાંબી કતારો લાગી હતી.
ર્તીથધામ માતાનામઢમાં દિન-પ્રતિદિન વધી રહેલા મહિ‌મા વચ્ચે જાહેર રજાઓ તેમજ તહેવારો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડતાં હોવાથી આ ધાર્મિ‌ક સ્થાન સાંકડું પડી રહ્યું છે. સાતમ-આઠમના ત્રણ-ચાર દિવસ દરમિયાન અહીં અંદાજે સવાલાખ જેટલાં લોકો દર્શનાર્થે ઉમટી પડતાં નવરાત્રિ જેવો માહોલ રચાયો હતો, તો બીજી તરફ અહીંના બસ સ્ટેશન વિસ્તારમાં આડેધડ વાહનોમાં પાર્કિંગ તેમજ મંદિર જતા માર્ગ પરના વેપારીઓના દબાણને લઇને બસ સ્ટેશન તેમજ બજાર પણ વધુ સાંકડી બનતા દર્શનાર્થે આવતા યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં અહીં આવતા યાત્રિકોની સંખ્યામાં વચ્ચે સુરક્ષાતંત્ર પોલીસ દ્વારા પણ કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પુરતો સ્ટાફ મુકવામાં ન આવતાં બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જા‍યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા દર્શનાર્થી યાત્રિકોને પગલે અહીંની ધર્મશાળા, ગેસ્ટહાઉસ, લોહાણા સમાજવાડી, પાટીદાર સમાજવાડીઓ હાઉસફૂલ બનતા રાતવાસો માટે આવનારા લોકોને યોગ્ય વ્યવસ્થાના અભાવે પરત જવું પડયું હતું, તો કેટલાય લોકોને બહાર ખુલ્લામાં પણ રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી.

અહીં આવનારા યાત્રિકોએ માતાજીના દર્શન માટે લાંબી-લાંબી લાઇનો લગાવી હતી, તો બીજીતરફ અહીં આવનારા યાત્રિકોએ જણાવ્યું હતું કે, બસ સ્ટેશન વિસ્તાર તેમજ મુખ્ય બજારમાં વેપારીઓ દ્વારા પોતાના સ્ટોલો બહાર ખડકીને ઘોરી ઘરાર દબાણો કરે છે, જેના કારણે મંદિરે જવાનો માર્ગ સાંકડો બન્યો છે, ત્યારે જાહેરમાર્ગો પર કરવામાં આવેલાં દબાણો ખુલ્લા કરવામાં આવે તો બજારથી મંદિર સુધીનો માર્ગ મોટો બને તેવી માંગ પણ યાત્રિકો દ્વારા કરાઇ છે.
તો બીજી તરફ હાલમાં જાગીર ટ્રસ્ટ દ્વારા નવું અન્નક્ષેત્ર તેમજ ધર્મશાળા માટે નવા બાંધકામનું કામ ચાલુ હોવાથી જાગીર દ્વારા મંડપની વ્યવસ્થાનો અભાવ હોતા યાત્રિકોને ખુલ્લામાં ભોજન-પ્રસાદ લેવો પડયો હતો. જેને લઇને આવનારા ભાવિકોએ જાગીર ટ્રસ્ટ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાય તેવી માંગ પણ લોકો કરી રહ્યા હતા.

માતાના મઢમાં નવું અન્નક્ષેત્ર શરૂ કરાયું
માતાના મઢમાં હાલે ભાવિકોની ભીડને પગલે તાજેતરમાં નિર્માણ પામેલા અન્નક્ષેત્રના નવો મોટો રૂમ પ્રસાદ લેવા માટે શરૂ કરી દેવામાં આવ્યો હતો. મા.મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાએ જણાવ્યું હતું કે, ભોજન શાળામાં નવા ટેબલ-ખુરશી પણ આવી ગયા છે તેમજ ૩પ૦ જેટલાં ભાવિકો એક સાથે પ્રસાદ લઇ શકે તે માટે બીજી ટેબલો તેમજ ખુરશીઓ પણ ટુંક સમયમાં આવી જશે, તેમણે ત્રણ-ચાર દિવસ દરમિયાન અંદાજે સવાલાખ જેટલા ભાવિકએ માતાજીના દર્શનનો લાભ લીધો હોવાનું જણાવ્યું હતું.