મંજૂરી લીધા વિના જ રિપેરિંગ પાછળ ૭૦ હજારનો ધૂમાડો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભુજથી આવેલી BSNL વિજિલન્સની ટીમે શરૂ કરેલી તપાસ
- આખી કોલોની ભંગાર હાલતમાં હોવા છતાં માત્ર એક જ કર્મચારીના મકાનની મરંમત કરાતાં ઉઠેલો વિરોધ
ગાંધીધામના ટાગોર માર્ગ આવેલી ભારત દૂર સંચાર નિગમની ઓફિસ પાછળ જ આવેલી બીએસએનએલ કોલોનીમાં આવેલા ૭૦થી વધુ મકાન ખખડધજ હાલતમાં છે. કર્મચારીઓએ આવાં મકાનોની મરંમત અંગે અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. તેવામાં એક ઉચ્ચ કર્મચારીના મકાનની મરંમત પાછળ બીએસએનએલના એસ્ટેટ વિભાગે કોઇ મંજૂરી લીધા વિના જ ૭૦ હજાર જેટલો ખર્ચ કરી નાખતાં અન્ય કર્મચારીઓએ વિરોધ કર્યો હતો અને એસ્ટેટ વિભાગની શંકાસ્પદ ભૂમિકા સામે વિજિલન્સમાં ફરિયાદ કરતાં વિજિલન્સ ટીમે બુધવારના ઓચિંતી મુલાકાત લીધી હતી અને જવાબદારોના નિવેદનો નોંધી ગયાનું જાણવા મળી રહ્યું છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ બીએસએનએલમાં કામ કરતા અને એક સમયે જીએમઓના પીએ તરીકે ફરજ બજાવતાં મહિલા કર્મચારી ફરજમાં ગાંધીધામ ખાતે હાજર થયાં તે સમયે કોલોનીમાં બે ક્વાર્ટર ખાલી પડ્યાં હતાં, જેમાં વ્યવસ્થિત મકાન હોવા છતાં મહિલા કર્મીને ખખડધજ મકાન ફાળવવામાં આવ્યું હતું,

જેથી મહિલાએ આવાં મકાનમાં રહેવું કેમ તેમ સવાલો ખડા કર્યા હતા, ત્યારે એસ્ટેટ વિભાગે કોઇ પણ જાતની પરમશિન વિના જ મેડમના મકાનની મરંમત કરી આપી અને કોન્ટ્રાક્ટરને ૭૦ હજાર ચૂકવી પણ દીધા હતા, ત્યારે ખંડેર જેવાં મકાનમાં રહેતા અન્ય કર્મચારીઓએ વિરોધ કરી વિજિલન્સ વિભાગને લેખિત રાવ કરી હતી, જેથી વિજિલન્સના જયસિંહ પરમાર સહિતની ટીમ બુધવારે સવારના જ અચાનક આવી હતી અને રિપેરિંગ કરાયેલાં મકાનની તપાસ કરી હતી.ત્યાર બાદ જવાબદારોના નિવેદનો પણ નોંધ્યાં હતાં. વિજિલન્સની મુલાકાતથી બે દિવસમાં નવા-જૂની થવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.