પાણી-પુરવઠાના કૌભાંડમાં પ. કચ્છ એસપીને કોર્ટની અવમાનની નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના કુકમાથી ખાવડા સુધી પાઇપલાઇનના કામમાં પાણી પુરવઠા તંત્રે કોન્ટ્રાક્ટર પેઢી સાથે મળીને કૌભાંડ આચર્યાંની ફરિયાદ અંગે અહીંની પોલીસે કોઇ તપાસ ન કરતાં કોર્ટે આકરું વલણ અખત્યાર કર્યું હતું. ફરિયાદ વિશે પોલીસે તપાસનો અહેવાલ કોર્ટમાં રજૂ ન કરતાં ભુજની અદાલતે પ‌શ્ચિ‌મ કચ્છના પોલીસ વડાને કોર્ટની અવમાનના અંગે નોટિસ ફટકારી છે.

ઓગસ્ટ ૨૦૧૩માં પ‌શ્ચિ‌મ કચ્છ પોલીસ વડાને પાણી-પુરવઠાના કથિત કૌભાંડ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા ર્બોડના ચેરમેન (ગાંધીનગર), ભુજના નાયબ કાર્યપાલક ઇજનેર સતિષ રામલાલ ઉદનિયા, ગાંધીનગરના તત્કાલીન પ્રોજેક્ટ ડાયરેક્ટર ને હાલ નિવૃત્ત બી.જે. વસાવડા, ભુજના જાહેર આરોગ્ય વર્તુળના અધિક ઇજનેર એમ.આર. બામણિયા (હાલ નિવૃત્ત), કાર્યપાલક ઇજનેર એલ.જે. ફુફલ, કાર્યપાલક ઇજનેર એલ.એમ. સિંધલ, અધિક મદદનીશ ઇજનેર ટી.આઇ. ભટ્ટ તેમજ અમદાવાદની ર્મોડન કન્સ્ટ્રક્શન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અરુણ પટેલ તથા મેકોની કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સામે ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા.

કુકમાથી ૨પ કિલોમીટર પછી પ૦ કિલોમીટર લાંબી પાઇપલાઇનના કામમાં સેન્ડ બેડિંગ તેમજ જોઇન્ટ કોટિંગનું કામ કર્યા વિના જ લાખોના સરકારી નાણાંની ઉચાપત કરાઈ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ફરિયાદી બનેલા ઓલ ઇન્ડિયા કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટીવ કાઉન્સિલના પ્રિન્સિપાલ સેક્રેટરી હેનરી જેમ્સ ચાકોએ જણાવ્યું કે, કોર્ટમાં આ ફરિયાદ કરવામાં આવી, ત્યારે વિવિધ દસ્તાવેજી આધારો ધ્યાને લઇને અગાઉ એસપીને કરવામાં આવેલી ફરિયાદમાં પોલીસે શું કાર્યવાહી કરી છે? એનો લેખિત રિપોર્ટ મગાવ્યો હતો. જોકે, ૩૦ દિવસમાં પોલીસે કોઇ રિપોર્ટ ન કરતાં અહીંની કોર્ટે તા.૨૪ એપ્રિલે પ‌શ્ચિ‌મ કચ્છના પોલીસ વડાને કન્ટેમ્પ્ટની નોટિસ આપી છે.

- એસપીએ કહ્યું: નો આઇડિયા!

કુકમા-ખાવડા પાઇપલાઇન કૌભાંડ કેસમાં કોર્ટે તમને અવમાનાની નોટિસ આપી છે? એવું પૂછતાં પ‌શ્ચિ‌મ કચ્છના એસપી વિધિ ચૌધરીએ જણાવ્યું કે, મને કોઇ નોટિસ મળી નથી કે જાણ નથી. આ કેસની તપાસ હાલ કોણ કરી રહ્યું છે? એ સવાલના જવાબમાં તેમણે કહ્યું: નો આઇડિયા.

- પચ્છમના લોકોએ આ કેસની તલસ્પર્શી તપાસની માંગ કરી

ધ્રોબાણાના યુવા અગ્રણી મેરાજ સમાએ જણાવ્યું કે, પાણી પુરવઠાના આ કૌભાંડને કારણે નર્મદાના નીર હજી સુધી અમારા વિસ્તારને મળી શક્યાં નથી. ધોરાવરના અગ્રણી ઓસમાણભાઈ સમાએ કહ્યું કે, અમારા વિસ્તારના ગામડાંને આ કૌભાંડથી ભારે નુકસાન થયું છે, તેથી આ કેસની તલસ્પર્શી તપાસ થાય એ જરૂરી છે.